સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સર્કલ પર ઊભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા કારને 10 મિનિટ સુધી ગોળગોળ ફેરવી હતી અને બાદમાં આરોપીએ કારથી પોલીસની PCR બોલેરો સાથે ભયાનક અથડામણ કરી હતી. આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો. જેની સુરત ભેસ્તાન પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની સર્વિસ બાદ ટેણી સરખી રીતે ચાલી પણ શકતો ન હતો ને જે પોલીસકર્મીને મારી નાખવાની ધમકી આપી હતી તેની સામે જ બેસવા આજીજી કરતો નજરે પડ્યો હતો. યુસુફની સર્વિસ થયા બાદ ચાલી પણ નહોતો શક્તો
સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોતાને વિસ્તારનો દાદા સમજી બેસેલા યુસુફ ટેણીએ ગતરોજ પોતાની સ્કોર્પિયો કારથી ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસની PCR બોલેરો સાથે ભયાનક અથડામણ કરી ફરાર થઈ ગયેલા આરોપી ટેણીને પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. જે પગથી સ્કોર્પિયો કારને એક્સિલેટર આપી PCR વાનને બે વાર ટક્કર મારી પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો તે જ પગથી સારી રીતે ચાલી શકતો નહોતો. ભેસ્તાનમાં પોલીસ પર હુમલો થવાની ઘટના સામાન્ય ઘટના ન હતી. જો યુસુફ ટેણી સફળ થયો હોત તો કદાચ તે છ કોન્સ્ટેબલને યમસદન પહોંચાડી દેતો. પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે તેની હેકડી નીકળી ગઈ
સુરત શહેરમાં ત્રણ અને વલસાડના પારડીમાં એક મળી કુલ ચારથી વધુ ફરિયાદ બૂટલેગર યુસુફ વિરોધ નોંધાઈ ચૂકી છે. પોતાને વિસ્તારનો દાદા સમજી રહેલા યુસુફની ધરપકડ બાદ ચાલ બદલાઈ ગઈ હતી. પોલીસ સર્વિસ બાદ યુસુફ સારી રીતે ચાલી શકતો નહોતો વારંવાર બેસવા માટે આજીજી કરી રહ્યો હતો. જે પોલીસને મારી નાખવાની ધમકી આપી હતી તે જ પોલીસ સામે તે બેસવા માટે રજૂઆત કરતો નજરે પડ્યો હતો. ધરપકડ બાદ જ્યારે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે તેની બધી હેકડી નીકળી ગઈ હતી. PCR વાનને પોતાની ફોર વ્હીલ કાર વડે ઠોકી હતી
નાની- મોટી મારામારી આરોપી યુસુફ માટે સામાન્ય બાબત છે. તેથી જ્યારે પોલીસ રાત્રિના 11 વાગ્યાના સુમારે ચંડાળ ચોકડી પાસે દુકાન બંધ કરાવી રહી હતી, તે વખતે યુસુફ ટેણીએ પહેલા તો પોલીસ કોન્સટેબલોને અપશબ્દો આપ્યા હતા. ત્યાર બાદ સ્થળ પર ઊભેલા કોન્સ્ટેબલ ગુંજને યુસુફ ટેણીને દુકાન પરથી દૂર થઈ જવા માટે જણાવતાં તેણે ગુંજનને પટ્ટા પરથી પકડીને ધક્કામુક્કી કરી હતી. દરમિયાન રીતેશ નામના કોન્સ્ટેબલે ત્વરિત ફોન કરતાં યુસુફ ટેણીને પકડવા PCR વાન આવી હતી. જે PCR વાનને તેણે પોતાની ફોર વ્હીલ કાર વડે ઠોકી હતી. જે બાદ ફરાર થઈ ગયો હતો. યુસુફને ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો
નજીવી બાબતે પોલીસ સાથે ઝઘડો કરી પોલીસ પર હુમલો કરી યુસુફ સેલવાસ બાજુ ભાગી છૂટયો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. જે દરમિયાન પોલીસને દાદરા નગર હવેલીથી તેની સ્કોર્પિયો ગાડી મળી આવી હતી. જે ગાડીમાં ડીઝલ પુરાવાના પૈસા નહિ હોવાથી તે ગાડીને ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો. તે પૈસા અને કપડાં લેવા ટ્રેન મારફતે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે તેને વલસાડથી આવતી ટ્રેનમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો હતો. મિત્રની કારથી આરોપીએ ગુનો આચર્યો
આ સમગ્ર મામલે એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ મારામારી, જુગાર સહિત પ્રોહિબિશનના કેસ સુરત શહેર અને અન્ય જિલ્લામાં નોંધાયા છે. આરોપી પોલીસ PCR વાનને ડ્રાઇવરની સીટના ભાગે અને પાછળના ભાગે સ્કોર્પિયોથી ટક્કર મારી હતી અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. સ્કોર્પિયો કાર સેલવાસથી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે બાદ આરોપી યુસુફની ધરપકડ ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી કરાઈ છે. તેની ઉપર ચારથી વધુ ગુના નોંધાયા છે જેથી પ્રિવેન્શન ક્રાઇમની કાર્યવાહી પણ હાથ ધરાશે. આ કાર તેના મિત્રની હોવાનું હાલ તેણે જણાવ્યું છે, પરંતુ તે બાબતે પણ પોલીસ તપાસ કરશે.