ભારતે ગાઈડેડ પિનાક વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ સંપૂર્ણપણે દેશમાં જ બનાવવામાં આવી છે. આ સિસ્ટમ માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટ ફાયર કરી શકે છે, એટલે કે દર 4 સેકન્ડમાં એક રોકેટ. ટ્રાયલ દરમિયાન તેની ફાયરપાવર, ચોકસાઈ અને એકસાથે અનેક લક્ષ્યો પર હુમલો કરવાની શક્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, આ પરીક્ષણ ત્રણ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવ્યું હતું. બે લોન્ચરથી કુલ 24 રોકેટ છોડવામાં આવ્યા હતા. આ તમામ રોકેટ તેમના લક્ષ્યોને સફળતાપૂર્વક ફટકારવામાં સફળ રહ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા પર ડીઆરડીઓ અને સેનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ નવી સિસ્ટમના ઉમેરા સાથે અમારી સેના વધુ મજબૂત બનશે. DRDOના વૈજ્ઞાનિકો દ્વારા ગાઈડેડ પિનાકા સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. ઘણી કંપનીઓએ પણ તેને બનાવવામાં ફાળો આપ્યો, જેમ કે મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ. ડીઆરડીઓ ચીફ સમીર વી. કામતે પણ આ સફળતા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે સિસ્ટમ હવે સેનામાં જોડાવા માટે તૈયાર છે. પિનાક રોકેટ લોન્ચર સિસ્ટમ શું છે?
પિનાક રોકેટ લોન્ચર સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ્ય ‘પિનાક’ પરથી રાખવામાં આવ્યું છે. તેને DRDOના પૂણે સ્થિત આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની બેટરીમાં છ લોન્ચ વાહનોનો સમાવેશ થાય છે. તેમાં લોડર સિસ્ટમ્સ, રડાર અને નેટવર્ક આધારિત સિસ્ટમ્સ અને કમાન્ડ પોસ્ટ સાથેની લિંક્સ છે. હાલમાં 2 વર્ઝન છે. પ્રથમ માર્ક I છે, જેની રેન્જ 40 કિલોમીટર છે અને બીજી માર્ક-II છે, જેની રેન્જ 75 કિલોમીટર છે. તેની રેન્જ 120-300 કિલોમીટર સુધી વધારવાની યોજના છે. પિનાક રોકેટ લોન્ચર સિસ્ટમમાં 12 214 એમએમ રોકેટનો સમાવેશ થાય છે. પિનાક રોકેટની ઝડપ તેને સૌથી ખતરનાક બનાવે છે. તેની સ્પીડ 5,757.70 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે કે તે એક સેકન્ડમાં 1.61 કિલોમીટરની ઝડપે હુમલો કરે છે. વર્ષ 2023માં તેના 24 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પિનાક રોકેટ લોન્ચર સિસ્ટમ વિશે 4 મુદ્દાઓ વાંચો….