રાજ્યમાં આવેલી અનેક સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો અને સરકારી ઉપક્રમની કંપનીઓમાં ભ્રષ્ટાચાર અટકે, બિનકાર્યક્ષમ કર્મચારીઓને દૂર કરી શકાય, ગેરરીતિ ઓછી થાય આવા અનેક સુધારાઓ સરકારને કરવા છે. જો કે આ સુધારાઓ કરવા માટે એક મોટી બાબત એ આવે છે કે જે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ છે, તપાસ ચાલી રહી છે તેમજ બીનકાર્યક્ષમ છે તેને પોતાના તાલુકા કે જિલ્લા મથકથી બહાર સજાના ભાગરૂપે પણ બદલાવી શકાતા નથી. કોઈપણ ગેરરીતિ થાય તો પણ એક જ તાલુકા અને એક જ જિલ્લામાં જ રહેવાના છે એટલે તેને કારણે કર્મચારીઓનુ વર્તન પણ બદલાય છે. આવુ વર્તન સૌથી વધુ તાલુકા અને જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળે છે. અનેક ફરિયાદો હોવા છતાં કર્મચારીઓ પર આકરી કાર્યવાહી થઈ શકતી નથી તેમજ એકને એક જ જિલ્લો હોવાથી ઉપરી અધિકારી તેમજ નીચલા કર્મચારીઓ પણ પીડાય છે. આ પડકારને પહોંચી વળવા માટે છેલ્લા અઢી વર્ષની વિચારણા અને એક વર્ષની બેઠકો બાદ આખરે વર્ગ-3ના હિસાબી સંવર્ગના પંચાયતી કર્મચારીઓને બદલે હવે નાણા વિભાગના કર્મચારી મૂકી દેવાશે.
14 નવેમ્બરે કરાયેલા આ પરિપત્ર મુજબ પંચાયત વિભાગમાં હાલ વર્ગ-3 નાયબ હિસાબનીશ તેમજ વિભાગીય હિસાબનીશની જે ખાલી જગ્યા છે તે જગ્યાઓ નાણા વિભાગના કેડરમાં સમાવિષ્ટ કરી દેવાઈ છે તેથી હવે તે જગ્યા નાણા વિભાગની ગણાશે અને ભરતી કરીને જે તે પંચાયતોમાં મૂકવાની સત્તા પણ નાણા વિભાગની રહેશે. આ ઉપરાંત જે પણ પંચાયતી વર્ગ-3ની જગ્યા ખાલી થશે તે આપમેળે નાણાવિભાગની કેડરમાં આવી જશે. જો કોઇ વર્ગ-3 કર્મચારીનું પ્રમોશન થશે અને વર્ગ-2માં જાય તો તે નાણા વિભાગમાં ગણાશે અને તેની બઢતી થયેલી ખાલી જગ્યા પણ નાણા વિભાગના હવાલે થશે. આ કારણે જેટલા વર્ગ-3ના હિસાબી કર્મચારી છે તેઓની જગ્યા ખાલી થતા આ કેડર જ નાબૂદ થઈ જશે. રાજ્યની પંચાયતોમાં હિસાબી કર્મચારીઓ દ્વારા ઘણી ગેરરીતીઓ સામે આવી ચૂકી છે. આ ગેરરીતિઓમાં એક બાબત સામાન્ય હતી કે પંચાયતી કર્મચારી હોવાથી બદલી ક્યાંય થતી નથી તેમજ એક જ જિલ્લામાં હોવાથી સંપર્કો સ્થાપિત થતા વર્તન, વ્યવહારમાં બદલાવને કારણે અરજદારોને સમસ્યા થતી હતી. ભાસ્કરે 2 વર્ષ પહેલા જ કહ્યું હતુ કે ગેરરીતી અટકાવવા શું થશે દિવ્ય ભાસ્કરે 23 એપ્રિલ 2022ના દિવસે જ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે કૌભાંડો ખૂલતા ગેરરીતિઓ રોકવા પંચાયતોમાં કૌભાંડો થતા હવે નાણા વિભાગના કર્મચારીઓ મુકાશે. આ થશે ફાયદોઃ વહીવટમાં પારદર્શિતા આવશે
નાણા વિભાગના કર્મચારીઓ મૂકવામા આવતા દરેક જૂના હિસાબો અને વર્તમાન થતી કાર્યવાહીની ખામીઓ અંગે કર્મચારીઓ સીધા નાણા વિભાગને રીપોર્ટ કરશે. આ કારણે જૂના દબાયેલા કૌભાંડો અને હાલમાં પણ એ જ પધ્ધતિએ થતા કૌભાંડો ખુલવા લાગશે. આ ડર અને પારદર્શિતાને કારણે પણ કૌભાંડો થતા અટકાવી શકાશે. કૌભાંડોને કારણે પરિવર્તન લાવવા વિચારણા
{ અમદાવાદ જિલ્લા પંચાયતમાં 7 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં 3 કર્મચારી સસ્પેન્ડ થયા હતા. { તાલાલા ગીરમાં કોન્ટ્રાક્ટ પરના હિસાબી કર્મચારીએ પોતાનું નામ શિક્ષકોની પગાર યાદીમાં નાખી 1.48 કરોડનું કૌભાંડ કર્યુ, તપાસ થતા આપઘાત.