રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર પાર્કના રહેવાસીઓ આજે એકત્રિત થયા હતા અને રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. જેમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે વિરોધ કરવામા આવ્યો હતો. કોમર્શિયલ બિલ્ડિંગનું થતું બાંધકામ દૂર કરવા બાબતે રહેવાસીઓએ ચક્કાજામ કર્યો હતો. 100 ફૂટનો રોડ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ 80 ફૂટનો રોડ બનાવવામાં આવ્યો હોવાનુ સ્થાનિકોએ કહ્યુ હતુ. 3 માળની પરમિશન મળવી જોઈએ, પરંતુ 7 માળની પરમિશન મળી તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અધિકારીને 50 લાખ આપ્યા છે, તેવું બિલ્ડરો રટણ કરી રહ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. લે આઉટ પ્લાન કોઈ આપતું નથી તેમ કહી સ્થાનિકોએ હાઇકોર્ટ સુધી જવાની તત્પરતા દર્શાવી હતી. 8 માળનું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી ગેરકાયદેઃ દામજી સોરઠીયા
પ્રગટેશ્વર સોસાયટી અને વ્રજભૂમિના રહેવાસી દામજી સોરઠીયાએ જણાવ્યું હતું કે, સોનામહોર કોમ્પલેક્ષનુ નિર્માણ કરવામાં આવ્યું છે તે લીગલી નથી. 100 ફૂટના રોડમાં 80 ફૂટના રોડ પ્રમાણે બાંધકામ કરવામાં આવ્યું છે. 8 માળનું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી ગેરકાયદેસર છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે અમારી લડાઈ છે. બિલ્ડરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવો જવાબ મળ્યો કે, કોર્પોરેશનના અધિકારીઓને 50 લાખ રૂપિયા આપ્યા છે, જેથી તમારું કંઈ નહીં થાય. અમે વાઘેલા વૃક્ષો પણ બિલ્ડર દૂર કરવા માંગે છે. રોડ ઉપરની સાત ફૂટની જગ્યા ઘટે છે તો પાર્કિંગની પણ જગ્યા રાખવામાં આવી નથી. કોમર્શિયલ બિલ્ડિંગ હોવાથી લોકોનો વિરોધઃ બિલ્ડર
જ્યારે બિલ્ડર વિપુલ સરધારાએ જણાવ્યું હતું કે, મારું સોનામહોર બિલ્ડિંગ કાયદેસર જ છે. કોર્પોરેશનમાંથી મંજૂરી મુજબ બાંધકામ કરેલું છે. બાજુમાં ખુલ્લો વંડો આવેલો છે જે પણ મારી માલિકીનો છે. પરંતુ તે વંડો દૂર ન થાય તેવું આસપાસના લોકો ઇચ્છિ રહ્યા છે. આ ઉપરાંત મારૂ બિલ્ડિંગ સાત માળનું છે અને તેનાથી આસપાસના મકાનો ઉપર રાખેલા સોલાર પેનલમાં એનર્જી સેવ થતી નથી. મારૂ બિલ્ડિંગ મોટું હોવાથી તે લોકોને એવું લાગી રહ્યું છે કે અમારા મકાનો ઢંકાઈ જાય છે અને કોમર્શિયલ બિલ્ડિંગ હોવાથી પણ આસપાસના લોકોનો વિરોધ છે.