સુરતમાં લગ્નસરાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતીઓ લગ્નના આયોજન પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. વેડિંગ સિઝનમાં ખાસ મંડપ અને ડેકોરેશન પાછળ સુરતીઓ 25 લાખથી લઈને 1.5 કરોડ રૂપિયા સુધીના પેકેજ પસંદ કરી રહ્યા છે. લગ્નના આયોજન લેવીશ ફિલિંગ આપે એ માટે કરોડો રૂપિયા સુરતીઓ ખર્ચ કરી રહ્યા છે. અલગ અલગ થીમ પર આ વખતે લગ્નના આયોજન કરવામાં આવ્યા છે. ટ્રેડિશનલ અને કલ્ચરલની થીમ પર લગ્નનું આયોજન
લગ્નસરાની સીઝન શરૂ થતાં જ સુરત શહેરમાં લગ્નને યાદગાર બનાવવા માટે સુરતીઓ કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. ખાસ કરીને વેડિંગ ડેસ્ટિનેશનને ખૂબ જ ખાસ બનાવવા માટે અલગ અલગ થીમ પર લોકો લગ્નનું આયોજન કરી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો ટ્રેડિશનલ અને કલ્ચરલની સાથે સાથે ફ્લોરલ અને ગાર્ડન થીમ પર આ વર્ષે લગ્નના આયોજન કરી રહ્યા છે. ડેકોરેશન, સાઉન્ડ, થીમ અને વેન્યુ સાથે ફૂલ પેકેજ
લગ્નસરાની સિઝનમાં ધ્યાનમાં રાખી હવે લગ્નના આયોજન માટે પેકેજ તૈયાર કરવામાં આવે છે. પેકેજમાં તમામ અલગ અલગ વસ્તુઓ આવરી લેવામાં આવે છે. જેમાં લાઇટિંગ, કેટરિંગ, ડેકોરેશન, સાઉન્ડ, અલગ અલગ થીમ અને વેન્યુ એકસાથે પેકેજમાં આવી જાય છે. જેથી પરિવાર પણ ચિંતા મુક્ત થઈ જાય છે. પેકેજ અનુસાર અલગ અલગ થીમ પર લગ્નના આયોજન ઇવેન્ટ કંપની દ્વારા કરવામાં આવે છે અને હાલ સુરતમાં લગ્નના આયોજન માટે લોકો ઇવેન્ટ કંપનીના પેકેજ લઈ રહ્યા છે. ઉભરાટ બીચ બન્યું વેડિંગ ડેસ્ટિનેશન
સુરતમાં આ વખતે અલગ અલગ લગ્ન આયોજન માટે અવનવી થીમ સૌથી વધારે પસંદ કરવામાં આવી રહી છે. જેમાં ટ્રેડિશનલ અને કલ્ચરલ, રોયલ હિસ્ટોરિકલ, બોલિવૂડ એક્સ્ટ્રા વેગેનજા, ડેસ્ટિનેશન અને ફ્લોરલ ગાર્ડન અને સ્પ્રીચુઅલ થીમ સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા છે. આ વખતે રાજસ્થાન અને ગોવા જવાને બદલે લોકો સુરત નજીક આવેલા ઉભરાટ બીચને પણ વેડિંગ ડેસ્ટિનેશન બનાવી રહ્યા છે. 25 લાખથી લઈ 1.5 કરોડ રૂપિયા સુધીનું પેકેજ
લગ્નસરાના માટે પેકેજ ઓર્ગેનાઈઝ કરનાર ઇવેન્ટ સાથે સંકળાયેલા દીક્ષિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વખતે 70થી વધુ લગ્ન માટે મુહૂર્ત છે. પહેલાં અલગ અલગ લોકોને લગ્ન આયોજન માટે કામ સોંપવામાં આવતું હતું. પરંતુ હવે અમે પેકેજ આપીએ છીએ. જેમાં લાઇટિંગ, સાઉન્ડ, ડેકોરેશન, કેટરિંગ સહિતની તમામ વસ્તુઓ પેકેજમાં સમાવિષ્ટ હોય છે. સુરતમાં 25 લાખ રૂપિયાથી પેકેજની શરૂઆત થાય છે અને આ પેકેજ દોડ કરોડથી પણ ઉપર જાય છે. જે લોકો વધુ સધ્ધર હોય તો તે લોકો અબજોમાં પણ પેકેજ લેતા હોય છે. સી પોઇન્ટ પર વેડિંગ કરવાનું વધારે પસંદ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અલગ અલગ થીમ લોકો પસંદ કરે છે. ખાસ કરીને ઓરલ અને ગાર્ડન થીમ માટે અમે બહારથી અલગ અલગ પ્રકારના વિદેશી ફૂલો મંગાવીએ છીએ. જેમાં સુગંધ રહે તેના માટે નેચરલ સુવાસ સાથે સ્પ્રે પણ કરવામાં આવે છે. લોકો શ્રીકૃષ્ણ અને મહાદેવની થીમ સહિત વૈદિક અને ગંગા આરતી જેવી થીમ પસંદ કરી રહ્યા છે. ફ્લોરલ માટે કલર કોમ્બિનેશન પણ લોકો પોતાની રીતે જણાવે છે અને ત્યાર બાદ અમે એ મુજબ થીમ તૈયાર કરીએ છીએ. હાલ લોકો ગોવા અને રાજસ્થાન જવાને બદલે સી પોઇન્ટ પર વેડિંગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા. આ માટે લોકો સુરત નજીક આવેલા ઉભરાટના દરિયા કિનારાને પસંદ કરી રહ્યા છે.