back to top
Homeગુજરાતસરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવ:કોંગ્રેસ નેતા દર્શન નાયકે NGTના આદેશનું પાલન...

સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવ:કોંગ્રેસ નેતા દર્શન નાયકે NGTના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવાનાર અધિકારીઓ સામે તપાસ કરવા માગ કરી

સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરી મોટેપાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે. જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજદિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી. જેથી ઝીંગાના તળાવ દૂર કરાવવા અને NGTના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવાનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલે રેસીડેન્ટ કલેક્ટર વિજય રબારીએ જણાવ્યું હતું કે, જે રીતે ફરિયાદ આવે છે અમે કાર્ય કરતા હોઈએ છીએ, પરંતુ કહેવામાં આવે કે અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી એ શક્ય જ નથી. સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગાના તળાવો
કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ઉભા કરાયેલા ગેરકાયદેસર અને બિનધિકૃત ઝીંગાના તળાવો અંગે કેસ દાખલ કરાવ્યો હતો. જે અંગે સરકારી જમીનો ઉપર દબાણ દ્વારા ઊભા કરવામાં આવેલા ઝીંગાના તળાવો અન્વયે કલેક્ટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. દર્શન નાયકે જણાવ્યું હતું કે, મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવેલા છે. દબાણો આજની તારીખે સ્થળ પર જેમ ના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે. ઝીંગા ઉછેર પ્રવૃતિ પર કાર્યવાહી કરવાનો આદેશ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં NGTમાં 16/2020થી કેસ દાખલ કરાવ્યો હતો. જેના તા. 12/1/2022ના રોજના ચુકાદામાં NGTએ ગેરકાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજૂરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર ઓએ 57/2020 NGT પૂણેમાં દાખલ કર્યો હતો. જેમાં ચુકાદો તા 7/11/2022ના રોજ આવ્યો હતો. ચુકાદો આવ્યો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે. મહેસૂલી હુકમથી તળાવ ફાળવવામાં આવેલા નથી
NGTમાં ચાલતા કેસ અન્વયે થયેલી માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કૂલ 1343.9 હેક્ટર (1,34,39,000 ચોરસ મીટર) અને સુરત શહેરના ચોર્યાસી- મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવોની કૂલ સંખ્યા 5,641 અને કુલ વિસ્તાર 4,039 હેક્ટર છે. સુરત જિલ્લામાં ચોર્યાસી-મજુરા તાલુકામાં એક પણ તળાવ કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવવામાં આવેલા નથી તેમ છતાં આજે પણ આ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહ્યું છે. ‘વહીવટી તંત્રએ ફકત દેખાડો કરવા કાર્યવાહી કરી’
સુરત જિલ્લાના વહીવટી તંત્રએ ફક્ત અમુક જગ્યાઓ પર દેખાડો કરવા ઝીંગા ઉછેરનો સામાન જપ્ત કર્યો હતો અને અમુક જગ્યાએ તળાવોના પાળા બતાવવા ખાતર તોડવાની કાર્યવાહી કરી હતી. જે ભૂમાફિયાઓએ પુનઃ સ્થાપિત કરી આજે એ સ્થળે તળાવો ફરી ચાલુ કરી દીધા છે. સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ભુતકાળમાં અને હાલમાં તદ્દન ખોટી રીતે સીઆરઝેડ વિસ્તારના ભારત સરકારના માન્ય નક્શાઓમાં બતાવેલા વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવેલી છે. આવી ખોટી રીતે ફાળવેલી જમીનો પર બનેલા ઝીંગા તળાવોને આજની તારીખે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું જ નથી. વળી મંજૂરી આપેલા તળાવો એવા છે કે તેમન દ્વારા કેન્દ્ર સરકારના કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટીનું લાયસન્સ લેવામાં આવેલું નથી અને અનેક ફાળવેલા તળવોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. સીઆરઝેડ અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો
સાથે તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા કક્ષાની સીઆરઝેડ સમિતિના અધ્યક્ષ છે. ગુજરાત સરકારનું મહેસૂલ વિભાગ અને કલેક્ટર ફક્ત એવાજ તળાવોને ગેરકાયદેસર ગણે છે કે જેની જમીન ફાળવણીનો હુકમ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી થયો નથી. આમ જે કોઈ વિગતો અહીં ઉપરોક્ત કેસોમાં દબાણો તરીકે ચીનહિત કરી આપવામાં આવેલી છે તે ફક્ત અને ફક્ત મહેસૂલી દૃષ્ટિએ હુકમ વગરના તળાવોની છે. જેમાં સીઆરઝેડ અધિનિયમનો ભંગ કરી જિલ્લા કલેક્ટરે કરેલી જમીન ફાળવણી હુકમો પર ચાલતા તળાવોનો સમાવેશ થતો નથી. જેની સંખ્યા નોંધપાત્ર છે અને તેમાં રાજકીય દબાણ હેઠળ સીઆરઝેડ ભંગ ગણવામાં આવતો નથી. કોસ્ટલ એકવાકલ્ચર એક્ટ 2005નો ખૂલેઆમ ભંગ
જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા એકવાકલ્ચર સમિતિના અધ્યક્ષ હોવા છતાં અને જાણતા હોવા છતાં કે આ જગ્યાએ ઝીંગા ઉછેર પ્રતિબંધિત છે તો પણ ફિશરીઝ વિભાગના દુર્લક્ષમાં આવી ખોટી ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી જમીનો ફાળવે છે અને તેના પર ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલવા દે છે. જે સીઆરઝેડ અધિનિયમ તેમજ કોસ્ટલ એકવાકલ્ચર એક્ટ 2005નો ખૂલેઆમ ભંગ છે. ફિશરીઝ વિભાગ આ બાબતે કાયદાકીય અર્થઘટન ખોટું કરતું આવેલું છે અને વિભાગની મૂક સંમતિથી આ ગેરકાયદેસર પ્રવૃતિ દરિયા કિનારે ધમધમી રહી છે. ભૂમાફિયાઓ સરકારી જમીનનું ગેરકાયદેયર ભાડું વસુલે છે
સુરત જિલ્લા અને શહેરમાં સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો માટે DCVCL દ્વારા વીજળીના જે જોડાણ આપવામાં આવેલા છે તે ખોટા અને અધૂરા પુરાવાના આધારે આપવામાં આવેલા છે. જેથી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો માટે વીજળીનાં જોડાણ આપવામાં DCVCL અધિકારીઓ દ્વારા સરકારી નીતિનિયમોનો ભંગ કરવામાં આવેલો હોય તો તેની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવી જરૂરી છે. જ્યારે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ સરકારી જમીન ઉપર જે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી ઝીંગાના તળાવો બનાવવામાં આવેલ છે તે તળાવો અન્યોને ભાડેથી આપી ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું છે. આમ, ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનનું ગેરકાયદેયર ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું છે જેની પણ તપાસ થવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments