ગુરુવારે, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ અને તેની નજીકના વિસ્તાર પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. સીરિયાની સરકારી એજન્સી SANAએ આ જાણકારી આપી છે. દમાસ્કસના માજેહ વિસ્તારમાં અને કુદસયા ઉપનગરમાં બે ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો હતો. માજેહમાં પાંચ માળની ઈમારતના ભોંયરાને મિસાઈલથી ખરાબ રીતે નુકસાન થયું હતું. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે ઈસ્લામિક જેહાદ ઓર્ગેનાઈઝેશનના મથકોને નિશાન બનાવ્યા છે. સૈન્યના જણાવ્યા મુજબ, સંગઠન 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ સાથે મળીને હુમલામાં સામેલ હતું, જેમાં 1,200 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. લેબનોનમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે
લેબનોનમાં પણ ઈઝરાયેલના હવાઈ હુમલામાં 3,365 લોકોના મોત થયા છે અને 14,344 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા અઠવાડિયામાં લેબનોનમાં 300થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. 4 દિવસ પહેલા હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા
હિઝબુલ્લાએ સોમવારે 165થી વધુ રોકેટ વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલના ઉત્તરી શહેર બીનામાં થયેલા આ હુમલામાં એક બાળક સહિત સાત લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત આ હુમલામાં ગેલીલી શહેરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં 55 રોકેટ છોડવામાં આવ્યા હતા. જ્યારે હિઝબુલ્લાહે હૈફા શહેર પર 90 રોકેટ છોડ્યા હતા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, હિઝબુલ્લાહે પહેલીવાર હાઈફા પર 80 રોકેટ છોડ્યા હતા. તેમાંથી મોટાભાગનાને હવામાં નષ્ટ કરી દેવાયા હતા. બીજી વખત 10 રોકેટ છોડવામાં આવ્યા હતા. હાઈફા પર હુમલાના કલાકો બાદ IDFએ હિઝબુલ્લાહ રોકેટ લોન્ચરને નષ્ટ કરી નાખ્યું હતું. ઈઝરાયેલે 54 દિવસ પછી પેજર-વોકી-ટોકી હુમલાની જવાબદારી લીધી ઇઝરાયેલે 54 દિવસ પછી 17 સપ્ટેમ્બરે લેબનોનમાં હિઝબુલ્લાના સભ્યોના પેજર (કોમ્યુનિકેશન ડિવાઇસ)માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોની જવાબદારી લીધી છે. વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે સ્વીકાર્યું હતું કે તેમણે ઇઝરાયેલની સુરક્ષાને લઈને હુમલાને મંજૂરી આપી હતી. નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તીએ ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું – રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પીએમ નેતન્યાહૂએ પુષ્ટિ કરી કે તેમણે લેબનોનમાં પેજર હુમલાનો આદેશ આપ્યો હતો. જોકે, ઓમરે આ હુમલા અંગે વિસ્તૃત માહિતી આપી નથી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, નેતન્યાહુએ કહ્યું કે સંરક્ષણ એજન્સી અને વરિષ્ઠ અધિકારીઓ પેજર હુમલા અને હિઝબુલ્લાહના તત્કાલીન વડા નસરાલ્લાહને મારવાના ઓપરેશનની વિરુદ્ધ હતા. વિરોધ છતાં મેં હુમલાના સીધા આદેશ આપ્યા. પેજર હુમલામાં 3 હજારથી વધુ ઘાયલ થયા હતા 17 સપ્ટેમ્બરે પેજર બ્લાસ્ટ અને 18 સપ્ટેમ્બરે વોકી-ટોકી હુમલામાં હિઝબુલ્લા સાથે જોડાયેલા લગભગ 40 લોકો માર્યા ગયા હતા. ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. 27 સપ્ટેમ્બરે, યુએનમાં ભાષણ આપ્યા પછી, નેતન્યાહૂએ લેબનોનમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર તેમના હોટલના રૂમમાંથી 80 ટન બોમ્બથી હુમલો કરવાની મંજૂરી આપી. 20 કલાક પછી, હિઝબુલ્લાએ નસરાલ્લાહના મૃત્યુની પુષ્ટિ કરી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલના નેતાઓને નસરાલ્લાહના સ્થાન વિશે ઘણા મહિનાઓથી જાણ હતી. તેઓએ તેના પર હુમલો કરવાની એક સપ્તાહ અગાઉથી યોજના બનાવી હતી. વાસ્તવમાં, ઇઝરાયલી અધિકારીઓને ડર હતો કે નસરાલ્લાહ થોડા દિવસોમાં બીજા સ્થાને શિફ્ટ થઈ જશે. આવી સ્થિતિમાં તેમના પર હુમલો કરવા માટે તેમની પાસે બહુ ઓછો સમય હતો.