12 નવેમ્બરે મહારાષ્ટ્ર્માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી. અજિત પવાર મંચ પર હાજર હતા. બંને વાતચીત કરતા હતા. આ સભાના બે દિવસ પછી 14 નવેમ્બરે મહારાષ્ટ્રમાં ફરી નરેન્દ્ર મોદીની સભા હતી, પણ આ વખતે અજિત પવાર મંચ પર નહોતા. આ 48 કલાકમાં જે કાંઈ થયું એ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટો યુટર્ન લાવી શકે છે. અજિત પવારે ગૌતમ અદાણીના નામના વટાણા વેરી દીધા એ એક મુખ્ય કારણ હોઈ શકે છે. અજિત પવારે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તમને ખબર નથી? 2019માં પાંચ વર્ષ પહેલાં શું થયું હતું? દરેક વ્યક્તિ જાણે છે કે મિટિંગ ક્યાં થઈ હતી, એમાં કોણ હતું. ચાલો, હું તમને કહું. એ મિટિંગમાં અમિત શાહ હતા, ગૌતમ અદાણી હતા, પ્રફુલ પટેલ હતા, દેવેન્દ્ર ફડણવીસ હતા, હું એટલે અજિત પવાર અને શરદ દાદા પવાર પણ હતા. નમસ્કાર, અજિત પવારે 2019ની મિટિંગનો ઉલ્લેખ કરીને ગૌતમ અદાણીનું નામ લીધું એટલે કદાચ તેઓ મોદીની સભામાં જોવા ન મળ્યા એવું બને. એ પછી તો અજિતના કાકા શરદ પવારે પણ કબૂલ્યું કે હા, હું પણ એ મિટિંગમાં ગૌતમ અદાણીને મળ્યો હતો. બીજું, અજિત પવારે યોગીના સ્ટેટમેન્ટ ‘કટેંગે તો બટેંગે…’ને સમર્થન આપ્યું નહોતું, પણ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતં કે મને યોગીના નિવેદનમાં કાંઈ વાંધાજનક લાગ્યું નથી. બટેંગે તો કટેંગે… નિવેદનનો અજિત પવારે વિરોધ કર્યો ત્યારે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રની એક સભામાં નવું સૂત્ર આપેલું- એક હૈં તો સેફ હૈં… વડાપ્રધાન મોદીની સભામાંથી અજિત જૂથના નેતાઓ કેમ ગાયબ થયા?
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને ન તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર જોવા મળ્યા કે ન તો એનસીપીના અન્ય વરિષ્ઠ નેતાઓએ મોદીની રેલીમાં ભાગ લીધો. એનસીપીના ઉમેદવારો સના મલિક, નવાબ મલિક અને ઝીશાન સિદ્દીકીએ પણ મહાયુતિની રેલીમાં હાજરી આપી નહોતી. જ્યારે શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળના આરપીઆઇ સહિતના સાથીપક્ષોના ઉમેદવારો સ્ટેજ પર હાજર હતા. મહાયુતિના બેનર હેઠળ અજિત પવારની એનસીપી 59 બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 81 બેઠક પર ચૂંટણી લડી રહી છે અને ભાજપ 149 બેઠક પર આગળ છે. આ ઉપરાંત આરપીઆઇ, યુવા સ્વાભિમાન પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ અને જનસુરાજ્ય પક્ષ પણ મહાયુતિનો ભાગ છે, જેઓ એક-એક બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. અજિત પવારની રણનીતિ છે કે NCP નેતાઓનો સામૂહિક નિર્ણય?
અજિત પવારના વલણને જોતાં એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાની વોટ બેંક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એનસીપીના મતદારો મુસ્લિમ અને ખ્રિસ્તી છે અને અજિત પવાર જો ભાજપ સાથે હશે તો તેમના મત નહીં મળે. યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરવાની સાથે અજિત પવારે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન, ગૃહમંત્રી અને યુપીના મુખ્યમંત્રીની નજીકના ઉમેદવારો જ્યાં ચૂંટણી લડી રહ્યા છે ત્યાં આપણી NCPએ પ્રચાર કરવાની જરૂર નથી. અજિત પવારને સાથે લેવાથી ભાજપના મતદારો પણ નારાજ છે. આવી સ્થિતિમાં એક જ ઉપાય બચ્યો હતો, પોતાના એજન્ડાને આગળ ધપાવવો. ભાજપે યોગી આદિત્યનાથ દ્વારા હિન્દુત્વનો એજન્ડા વધાર્યો અને અજિત પવારે વિરોધ કરીને પોતાનો એજન્ડા આગળ વધાર્યો. મતદારો માટે એ સમજવું થોડું મુશ્કેલ હોઈ શકે છે કે શું અજિત પવાર ભાજપથી અંતર બનાવી રહ્યા છે? કે પછી ભાજપ તેને આવું કરવા માટે ઉશ્કેરે છે? કે પછી સ્ટ્રેટેજિકલી આ બધું થઈ રહ્યું છે? યોગી વિરોધના નામે મોદી વિરોધને સમજવો જોઈએ?
આ પોલિટિકલ ગેમ ત્યારે શરૂ થઈ હતી જ્યારે મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન ‘કટેંગે તો બટેંગે…’ સાથે પોસ્ટર લગાવવાનું શરૂ કર્યું હતું અને આ જ વાતને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક લાઈન આપી હતી કે એક હૈં તો સેફ હૈ… એક રીતે મોદીએ યોગીની વાતને સમર્થન આપ્યું છે. યોગી આદિત્યનાથના નિવેદન પર વાંધો ઉઠાવતાં અજિત પવારે કહ્યું હતું કે તે પોતે આવી બાબતોનું સમર્થન કરતા નથી અને આ બધું મહારાષ્ટ્રમાં થતું નથી. એ જ મુદ્દાને આગળ વધારતાં તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી, શાહ કે યોગી જેવાએ NCP ઉમેદવારો માટે વોટ માગવાની જરૂર નથી. અજિત પવારે મોદીની રેલીથી પોતાને દૂર કર્યા પછી તેમના સમકક્ષ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન આવ્યું છે. ફડણસીસે અજિત પવાર વિશે કહ્યું હતું કે ‘દશકો સુધી અજિત પવાર એવી વિચારધારાઓ સાથે જીવ્યા જે બિનસાંપ્રદાયિક અને હિન્દુવિરોધી છે. તેઓ એવા લોકો સાથે રહ્યા છે જેમના માટે હિન્દુત્વનો વિરોધ કરવો એ જ બિનસાંપ્રદાયિકતા છે. ફડણવીસે સ્વીકાર્યું, લોકસભામાં અમે ડેમેજ કંટ્રોલ કરી શક્યા નહીં
લોકસભા ચૂંટણીમાં મહાયુતિના પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં ફડણવીસે કહ્યું, ‘અમે બે કારણસર લોકસભા ચૂંટણી હારી. પહેલું કારણ એ હતું કે બંધારણ બદલાશે અને અનામત જશે, આવી બાબતો તળિયે પહોંચી ગઈ. હું એને અમારી ભૂલ માનું છું કે જે ઝડપે કહાની ફેલાઈ છે એને રોકવા માટે અમે ડેમેજ કંટ્રોલ શક્યા નહીં. આ કારણે અમારા મતનો મોટો વર્ગ અમારાથી અલગ થઈ ગયો. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વોટ-જેહાદનો ઉપયોગ કર્યો. લઘુમતી મતોને કારણે ઘણી બેઠકો પર અમારે હારવું પડ્યું અને ઘણી બેઠકો પર ધાર્મિક નેતાઓએ પ્રચાર કર્યો. એક રીતે અહીં વોટ-જેહાદ ચલાવવામાં આવ્યું હતું. હવે બંને બાબતો અહીં સફળ થવાની નથી. હવે લોકો પણ સમજી ગયા છે કે મોદીજી અનામત આપનારા છે, લેનારા નથી. ફડણવીસે કહ્યું, આ લોકો ‘કટેંગે તો બટેંગે’નો અર્થ સમજી શકતા નથી
દેવેન્દ્ર ફડણવીસને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમે અજિત પવાર, અશોક ચવ્હાણ અને પંકજા મુંડેને કેમ સમજાવી શકતા નથી? આ પ્રશ્ન પર ફડણવીસે કહ્યું, અજિત પવાર અને અશોક ચવ્હાણ અલગ-અલગ વિચારો લઈને આવ્યા છે, હજુ પણ ક્યારેક મને લાગે છે કે તેઓ જે વિચારોમાંથી આવ્યા છે, ક્યારેક તેમના મગજમાં એ સ્યુડો સેક્યુલરિઝમ બહાર આવે છે. જ્યારે પણ યોગીજી કહે છે કે ‘કટેંગે તો બટેંગે…’, તો એ લોકો એનો અર્થ સમજી શકતા નથી, પરંતુ અમે તેને ટૂંક સમયમાં સમજાવીશું. હા, પંકજા મુંડે સાથે મેં વાત કરી તો જાણવા મળ્યું કે તેમના મનમાં કોઈ શંકા નથી. અજિત પવાર નવાબ મલિક અને સના મલિકને ટિકિટ આપે છે, જ્યારે જીશાન સિદ્દીકી પીએમની રેલીથી દૂર રહે છે? શું અજિત પવાર સાથે ખુલ્લો અણબનાવ છે? આ અંગે ફડણવીસે કહ્યું, ‘કોઈ અણબનાવ નથી. અમે પીએમની સભાઓને વહેંચી દીધી હતી. પહેલી મિટિંગમાં હું હાજર હતો, પછી સીએમ હાજર હતા અને એક રેલીમાં અજિત પવાર હાજર હતા. અમે નક્કી કર્યું હતું કે અલગ-અલગ લોકો અલગ-અલગ મિટિંગમાં જશે. હા, આ વાત પર 100 ટકા અણબનાવ છે કે અમે નવાબ મલિકનું કામ નહીં કરીએ, અમે કહ્યું હતું કે નવાબ મલિકને ટિકિટ ન આપો, અમે ત્યાં શિવસેનાને ટિકિટ આપી છે અને તેમનું કામ કરીશું. ફડણવીસે કહ્યું – મહાવિકાસ આઘાડીનું રિમોટ કંટ્રોલ માત્ર શરદ પવારના હાથમાં છે
અજિત પવારના ગૌતમ અદાણીના સ્ટેટમેન્ટ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મેં સ્પષ્ટપણે કહ્યું છે કે મિટિંગ ચોક્કસપણે થઈ હતી, જેમાં અમિત શાહ, શરદ પવાર, પ્રફુલ પટેલ, અજિત પવાર હાજર હતા, પણ ગૌતમ અદાણી એમાં હાજર નહોતા.’ શરદ પવાર વિશે ફડણવીસે કહ્યું, ‘શરદ પવાર હંમેશાં મહારાષ્ટ્રમાં એક પરિબળ રહેશે. મારી ઉંમર છે એટલી તેમની રાજકીય ઉંમર છે. શરદ પવાર આઘાડી ગઠબંધન ચલાવે છે. ક્યારેક તેઓ કોંગ્રેસને આગળ કરે છે તો ક્યારેક ઉદ્ધવને આગળ કરે છે… તેઓ જ ગઠબંધન ચલાવે છે. મહાવિકાસ આઘાડીનું રિમોટ કંટ્રોલ માત્ર પવાર સાહેબના હાથમાં છે, પરંતુ અમારી લડાઈ મુખ્યત્વે કોંગ્રેસ સામે છે. ભાજપ અને કોંગ્રેસ સૌથી વધુ સામસામે છે. ચાચા-ભતીજા મળીને કોઈ ખેલ પાડી શકે છે
શરદ પવાર રાજકારણના અઠંગ ખેલાડી છે. એ ક્યારે, શું ગૂગલી ફેંકે એ કોઈ સમજી શકતું નથી. વાતો તો એવી પણ થતી હતી કે અજિત પવારને જાણીજોઈને અલગ કરીને મહાયુતિ સાથે ગઠબંધન કરવા મોકલ્યા છે. ઘણાં મીડિયાએ અજિત પવારને પૂછ્યું પણ છે કે શું તેઓ ફરી કાકા શરદ પવાર સાથે જોડાઈ જવાના છે? એના જવાબમાં અજિત પવાર મગનું નામ મરી પાડતા નથી. દર વખતે એવું જ કહે છે કે હજી કાંઈ વિચાર્યું નથી. અજિત પવારના શબ્દો પરથી લાગે છે કે મહારાષ્ટ્રની આખી રમતમાં તેઓ માત્ર એક ચહેરો છે, શરદ પવાર રિંગ માસ્ટર છે. જ્યારે વિચારધારાની વાત આવે છે ત્યારે અજિત પવાર કહે છે, ‘વિચારધારા વિશે પૂછશો નહીં… મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ ગઈ છે… દરેકને સત્તા જોઈએ છે અને વિચારધારાને બાજુ પર રાખવામાં આવે છે.’ છેલ્લે, અજિત પવારને મીડિયા ઇન્ટરવ્યૂમાં શરદ પવાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે અજિતે કહ્યું, શરદ પવાર એવી વ્યક્તિ છે, જેમના વિચારો જાણી શકાતા નથી. વિશ્વમાં કોઈપણ આના વિશે અનુમાન કરી શકે નહિ. મારી કાકી કે તેમની દીકરી સુપ્રિયા પણ તેમને કળી શકતાં નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )