અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબથી ઝડપી પાડ્યો હતો અને ત્યારે બાદ ગઈકાલે એટલે કે 14 નવેમ્બરે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો-લંગડાતો આવ્યો હતો. તેને હાથે દોરડા બાંધીને લવાયો હતો, જોકે આજે 15 નવેમ્બરે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી કાયદાનો જાણકાર, તપાસમાં સહકાર આપતો નથી
આ મામલે સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ભોગ બનનાર MICAનો વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન છે. આરોપી બે દિવસ ભાગેડુ રહ્યો હતો. તેને પંજાબથી પકડી લેવામાં આવ્યો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ અને તપાસ સંદર્ભમાં જાણકાર હોવાથી પૂરતો સહકાર આપ્યો નથી. છરી રસ્તામાં ફેંકી, પણ એકઝેટ જગ્યા જણાવવી જરૂરી છે. ભોગ બનનાર રાજ્ય બહારનો આશાવાદી યુવાન હતો. તેણે નજીવી બાબતમાં હત્યા કરી નાખી. 15 વર્ષથી આરોપી પોલીસમાં છે અને અનેક કાયદાનો જાણકાર છે. સાચી હકીકત આરોપી નથી જણાવતો કે કયા કારણસર આ ગુનો કર્યો છે. વર્તમાન આરોપી સામે અગાઉ 2017માં ગુનો નોંધાયો હતો. આરોપી સાથે અન્ય એક વ્યક્તિ હતી તે કોણ હતી
આરોપીના ગુના સમયે પહેરેલાં કપડાં મેળવવાનાં છે, જેના ઉપરથી બ્લડ સેમ્પલ મેળવી શકાય. પંજાબ જતા રસ્તામાં ક્યાં રોકાયો, કોણે મદદ કરી. હેરિયર ગાડી બદલી નાખી. પંજાબ જતાં 24 કલાકથી વધુ સમય બાય રોડ લાગે. પંજાબ જઈને તપાસ કરવાની. ગાડી ક્યાંથી પસાર થઈ. આરોપી સાથે અન્ય એક વ્યક્તિ હતી તે કોણ હતી. પંજાબ ભાગવામાં કોણે આર્થિક મદદ કરી. આરોપીને સાથે રાખી તપાસ કરીને CCTV ચેક કરવા તેમજ CDR મેળવવાના બાકી છે. આ તમામ બાબતે તપાસ કરવા માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગુનાની ગંભીરતાને જોઇને રિમાન્ડ આપવા ટાંકવામાં આવ્યો હતો. આ પૂર્વનિયોજિત કાવતરું નહોતુંઃ આરોપીના વકીલ
આરોપીના વકીલે જણાવ્યું હતું કે 23 વર્ષના છોકરાનું મૃત્યુ થયું એ દુ:ખદ બાબત છે. બે દિવસ સુધી આરોપીની કસ્ટડી પોલીસ પાસે એ પૂરતી છે. સાચી હકીકત જણાવવા રિમાન્ડ મગાય, પણ પોલીસે તો સાચું શું છે એ માની લીધું છે! મીડિયાને પણ સંબોધન પોલીસે કરી દીધું છે. સમગ્ર મીડિયામાં દુષ્કર્મ બાય ખાખી એ પ્રકારના અહેવાલો પ્રકાશિત થયા છે. આ આવેશમાં આવીને થયેલું કૃત્ય, એવું પોલીસનું કહેવું છે. આ પૂર્વનિયોજિત કાવતરું નહોતું. મિકેનિકલ રિમાન્ડ આપવા જોઇએ નહીં. વર્ષ 2009થી આરોપી પોલીસમાં કામ કરે છે, તે પ્રામાણિક ઓફિસર છે. હકીકત નક્કી કરવી એ કોર્ટ ટ્રાયલનો વિષય છે, મીડિયા ટ્રાયલનો નહીં. 100 મીટર દૂરથી પરત આવી હુમલો કર્યો હતો
સરકારી વકીલે દલીલ કરી હતી કે ક્રાઈમ બ્રાન્ચ આરોપીને પકડીને લાવી છે. પછી બોપલ પોલીસને આપ્યા બાદ અમારી પાસે 24 કલાકથી ઓછી કસ્ટડીમાં આરોપી રહ્યો છે. ફક્ત ગાડી ધીમી ચલાવવા 100 મીટર દૂરથી પરત આવી હુમલો કર્યો હતો. આરોપી પાસે બે છરી હતી. આવેશમાં આ ઘટના બની છે
આરોપીના વકીલે દલીલ કરી હતી કે ગાડીમાંથી ઊતરીને આરોપી છરી લઇને ગયો એ યોગ્ય બાબત નથી. પહેલા ચડભડ થઈ, પછી આવેશમાં આ ઘટના બની છે.