નાના બાળકો રમતા-રમતા ક્યારેક એવું કરી બેસે છે કે, ઘણીવખત જીવ જોખમમાં મુકાઈ જાય છે. ત્યારે રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 વર્ષનાં બાળકે રમતા-રમતા મોતી પોતાનાં નાકમાં નાખી દીધું હતું, જેને કારણે બાળકનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. બાળકની આ સ્થિતિ જોઈને માતા-પિતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નિષ્ણાંત ડૉક્ટરે માત્ર 13 સેકન્ડમાં જ મોતી બહાર કાઢી લેતા બાળકનો જીવ બચ્યો હતો. પરિવારે મોતી કાઢવાનો પ્રયાસ કર્યો, પણ સફળતા ન મળી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં રહેતા એક બાળકે રમત રમતમાં સીસોટીનું મોતી નાકમાં નાખ્યું હતું. થોડીવારમાં જ બાળકનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તેમજ તે રડતો-રડતો માતા પાસે પહોંચ્યો હતો. આ અંગેની જાણ થતાં માતાએ પરિવારને વાત કરી નાકમાંથી મોતી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાં સફળતા ન મળતા તરત જ બાળકને શહેરનાં વિદ્યાનગર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટર દ્વારા તરત દૂરબીનથી તપાસ કરીને માત્ર 13 સેકન્ડમાં બાળકનાં નાકમાંથી મોતી બહાર કાઢી લેવામાં આવ્યું હતું. બાદમાં થોડી મિનિટોમાં બાળક સ્વસ્થ થતા પરિવારે ડૉક્ટરનો આભાર માન્યો હતો. નાકમાં મોતી ફંસાઈ જતા તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતોઃ માતા
બનાવ અંગે ભોગ બનનાર બાળકનાં માતાએ જણાવ્યું હતું કે, રમતા-રમતા મારા 4 વર્ષનાં બાળકના નાકમાં સીસોટીમાં આવતું મોતી અચાનક ઘૂસી ગયું હતું. આ મોતી ફંસાઈ જતા તેનો શ્વાસ રૂંધાવા લાગતા જોરજોરથી તે રડવા લાગ્યો હતો. રડતા-રડતા બાળકે મને આ અંગેની જાણ કરતા અમે વિદ્યાનગર રોડ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ડો. હિમાંશુ ઠક્કરે 2 મિનિટમાં દૂરબીનથી ચકાસણી કરીને મોતી નાકમાંથી બહાર કાઢી લેતા મારા બાળકનો જીવ બચ્યો છે. આ માટે ડોક્ટરની આભારી છું. આ પ્રકારની ઘટનામાં જાતે કોશિશ કરવી ન જોઈએઃ ડો. હિમાંશુ ઠક્કર
સમગ્ર મામલે ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. જેમાં રમતા-રમતા બાળકો નાક કે કાનમાં કોઈપણ વસ્તુ નાખી દેતા હોય છે. તેમજ ક્યારેક બાળકોનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે. જોકે, આ કિસ્સામાં માતા-પિતાએ બાળકને તાત્કાલિક સારવાર માટે લાવતા તેનો જીવ બચી ગયો છે. પરંતુ આવું ન બને અને રમતા-રમતા કોઈ વસ્તુ બાળક નાકમાં કે કાનમાં નાખે નહીં તેની તકેદારી માતા-પિતા અને પરિવારે રાખવી જોઈએ. તેમજ આ પ્રકારની ઘટના બને ત્યારે જાતે કોશિશ કરવાને બદલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.