કાલોલ નગરપાલિકા દ્વારા કાલોલ પોલીસ મથકથી પાલિકા રોડ અને ઉર્દુ શાળા તરફના રોડ ઉપરના કાચા દબાણો હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવતાં લોકટોળા એકઠા થઇ ગયા હતા. લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. તો કેટલાક દબાણો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. કાલોલ નગરના મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવવા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવ્યા છતાં માર્ગને અડીને કરાયેલા દબાણો યથાવત્ રહેતા આજે પાલિકાના ચીફ ઓફિસર અને ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. પોલીસ મથકથી પાલિકા તરફના માર્ગ ઉપર રીડની આજુબાજુ ઉભા કરવામાં આવેલા લારી ગલ્લાઓ તેમજ સરકારી જમીનો ઉપર નકામી ચીજ વસ્તુઓના ઢગલા કરી રોકી રાખવામાં આવેલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. પાલિકા રોડ ઉપરથી નગરમાં જતા ઉર્દુ સ્કૂલ તરફના માર્ગ ઉપર અનેક દબાણો જેસીબી દ્વારા દૂર કરવામાં આવતાં લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. મુસ્લિમ બહુમત એવા કસ્બા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી દરમ્યાન જેસીબી દ્વારા કરવામાં આવતી કામગીરીમાં અડચણ ઉભી થાય તેવા પ્રયાસો સ્થળ ઉપર વળેલા લોકટોળા દ્વારા કરવામાં આવે તે પહેલાં પોલીસે લોકટોળા વિખેરી નાખવામાં આવ્યા હતા.