અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળ માટે તેમની ટીમ તૈયાર કરી રહ્યા છે. શનિવારે, તેમણે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના પદ માટે 27 વર્ષીય કેરોલિન લેવિટની પસંદગી કરી. કેરોલિન આ પદ સંભાળનાર સૌથી યુવા સેક્રેટરી હશે. અગાઉ 1969માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને 29 વર્ષના રોનાલ્ડ ઝીગ્લરને પ્રેસ સેક્રેટરી બનાવ્યા હતા. કેરોલિન હાલની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પના કેમ્પેનની નેશનલ પ્રેસ સેક્રેટરી પણ હતી. આ સિવાય તેઓ ટ્રમ્પના ગયા કાર્યકાળ (2017-21) દરમિયાન આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરીનું પદ પણ સંભાળી ચૂક્યા છે. કેરોલિનના નામની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું- કેરોલિન લેવિટે મારા ઐતિહાસિક કેમ્પેનમાં ખૂબ સારું કામ કર્યું હતું. મને એ કહેતા આનંદ થાય છે કે તે મારી સાથે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપશે. કેરોલિન એક સ્માર્ટ અને અસરકારક કોમ્યુનિકેટર સાબિત થઈ છે. મને વિશ્વાસ છે કે અમે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું ત્યારે તે અમારો સંદેશ અમેરિકન લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. કેરોલિન લેવિટ કોણ છે? કેરોલિન લેવિટ અમેરિકાના ન્યૂ હેમ્પશાયરની રહેવાસી છે. તેણે વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્ન કર્યું છે. ટ્રમ્પ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા પછી, લેવિટ રિપબ્લિકન રાજકારણી એલિસ સ્ટેફનિક માટે કમ્યુનિકેશન ડિરેક્ટર બન્યા. એલિસને હવે ટ્રમ્પ દ્વારા યુએનમાં તેનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. 2022માં લેવિટ ન્યૂ હેમ્પશાયરથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ સંસદનું નીચલું ગૃહ) માટે ચૂંટણી લડ્યા હતા. જો કે, તેઓ સામાન્ય ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ક્રિસ પપ્પાસ સામે હારી ગયા હતા. આ પછી તેઓ આ વર્ષે ટ્રમ્પના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં સામેલ ઝયા. હાલમાં, કેરોલિન લેવિટ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમના મુખ્ય પ્રવક્તા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી શું કરે છે? વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી અમેરિકન લોકોને રાષ્ટ્રપતિના કામકાજ વિશેની માહિતી આપે છે. આ દરમિયાન પ્રેસ સેક્રેટરીએ જરૂરી માહિતી આપીને મીડિયાનો વિશ્વાસ જીતવો પડશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રત્યે વફાદારી જાળવવી પડે છે. ટ્રમ્પના છેલ્લા કાર્યકાળ દરમિયાન 4 પ્રેસ સેક્રેટરી હતા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચાર લોકોએ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું. પ્રથમ, સીન સ્પાઇસરને માત્ર 6 મહિના પછી તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમણે ખોટો દાવો કર્યો હતો કે 2017માં ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સૌથી વધુ જોવામાં આવ્યો હતો. આ પછી સારાહ સેન્ડર્સે આ પદ સંભાળ્યું. ટ્રમ્પે પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરી હતી. સ્ટેફની ગ્રીશમ ત્રીજા પ્રેસ સેક્રેટરી બન્યા જેમણે ટ્રમ્પના કહેવા પર ક્યારેય પ્રેસ બ્રીફિંગ કરી ન હતી. ટ્રમ્પ સમર્થકો દ્વારા વ્હાઇટ હાઉસની ઘેરાબંધી બાદ ગ્રીસમે 6 જાન્યુઆરી, 2021ના રોજ રાજીનામું આપ્યું. હવે ગ્રીશમ ટ્રમ્પ વિરોધી છે. કેલી મેકનેની ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસની છેલ્લી પ્રેસ સેક્રેટરી હતી. હવે તે ફોક્સ ન્યૂઝ માટે કામ કરે છે.