દેશમાં તહેવારોની સીઝન ઓટો ઇન્ડસ્ટ્રી માટે શુકનિયાળ નિવડી છે. તહેવારો દરમિયાન ઓટોમોબાઇલનું રિટેલ વેચાણ 12% વધી 42,88,248 યુનિટ્સ નોંધાયું છે. ગત વર્ષે તહેવારોની મોસમમાં 38,37,040 યુનિટ્સનું વેચાણ હતું. FADAના પ્રેસિડેન્ટ સી એસ વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે નવરાત્રીની શરૂઆતથી જ અમે નોંધપાત્ર તેજીના સાક્ષી બન્યા હતા, જે સાથે કુલ 42.88 લાખ વાહનોનું વેચાણ નોંધાયું છે. ચાલુ વર્ષે તહેવારો દરમિયાન પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ 7% વધી 6,03,009 યુનિટ્સ રહ્યું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 5,63,059 યુનિટ્સ હતું. માર્કેટમાં અસાધારણ ડિસ્કાઉન્ટ અને માંગમાં વૃદ્ધિને કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં ઉછાળો હતો.
આપણે 45 લાખ યુનિટ્સના લક્ષ્યને સંપૂર્ણપણે અથવા તેનાથી પણ વધુ વેચાણના આંકડાઓ સાથે હાંસલ કરી શક્યા હોત પરંતુ બેંગ્લુરુ અને તમિલનાડુમાં કમોસમી વરસાદ તેમજ ઓડિશામાં ચક્રવાત દાનાને કારણે આ લક્ષ્ય હાંસલ કરી શકાયો નહીં. પેસેન્જર વ્હીકલના સ્ટોકનું સ્તર આગામી સમયમાં ઘટશે. જો કે, ફાડાએ ચેતવણી આપી હતી કે ઇન્વેન્ટરીનું વાસ્તવિક ચિત્ર મહિનાના અંતે જ સામે આવશે. ટૂ-વ્હીલર્સનું વેચાણ પણ 42 દિવસની તહેવારોની મોસમ દરમિયાન 14% વધી 33,11,325 યુનિટ્સ રહ્યું છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 29,10,141 યુનિટ્સ નોંધાયું હતું. દેશના ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત માંગને પગલે ટૂ-વ્હીલર્સના વેચાણમાં તેજી તરફી મોમેન્ટમ રહ્યું હતું. તહેવારો દરમિયાન કોમર્શિયલ વાહનોનું વચેાણ પણ 1% વધી 1,28,738 યુનિટ્સ રહ્યું છે, જ્યારે બીજી તરફ થ્રી-વ્હીલર્સનું વેચાણ 7% વધી 1,59,960 યુનિટ્સ નોંધાયું છે. જો કે, ટ્રેક્ટર્સનું વેચાણ 2% ઘટી 85,216 યુનિટ્સ નોંધાયું છે.