back to top
Homeગુજરાતદેવદિવાળીની રાતે ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી!:રાત્રે 10.16 વાગ્યા ને ભાગદોડ શરૂ થઈ,...

દેવદિવાળીની રાતે ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી!:રાત્રે 10.16 વાગ્યા ને ભાગદોડ શરૂ થઈ, ટીવી જોતો-સૂતેલો પરિવાર ઘર છોડી ભાગ્યો, સ્થાનિકોએ જણાવ્યાં 4.2ની તીવ્રતાના અનુભવો

26 જાન્યુઆરી 2001ની વહેલી સવારે આવેલા ભૂકંપે કચ્છ સહિત આખા ગુજરાતને હલાવી નાખ્યું હતું. એ બાદ ઉત્તર ગુજરાતમાં લગભગ 4ની તીવ્રતાથી વધુનો આંચકો નથી નોંધાયો. જોકે દેવદિવાળીની રાત્રે 10.16 કલાકે આવેલા ભૂકંપના આંચકાએ ઉત્તર ગુજરાતના લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. શુક્રવારે રાત્રે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. ગતરાત્રે આવેલા ભૂકંપના આંચકાથી ઉત્તર ગુજરાતના લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. ભૂકંપના આંચકાઓ અનુભવાતા જ લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા, જ્યારે હોસ્પિટલો અને ઓફિસોમાં કામ કરતા તબીબો, સ્ટાફ અને દર્દીઓએ પણ ભય અનુભવ્યો હતો અને બહુમાળી બિલ્ડિંગોમાંથી દર્દીઓ પણ રસ્તા ઉપર આવી ગયા હતા. આ આંચકામાં ચાણસ્માના ગ્રામીણ વિસ્તારનાં મકાનોમાં તિરાડો પડી હતી. જ્યારે ચાણસ્માનાં સેવાળા અને પાટણના ચંદુમાણા ગામે બંધ મકાનના રસોડાનું ધાબું ધરાશાયી થયું હતું, પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. લગભગ 23 વર્ષ પછી ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકા વિશે સ્થાનિકોનો અનુભવ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના રહીશો સાથે વાતચીત કરી હતી. આવો… જાણીએ તેમના જ શબ્દોમાં દેવદિવાળીની રાતના અનુભવો… ‘.. પણ પંખો હલતો જોયો ત્યારે ખ્યાલ આવ્યો’
પાટણના જૈમિન પટેલે જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે સવાદસ વાગ્યાની આસપાસ અમે પરિવાર સાથે બેસીને ટીવી જોતા હતા, ત્યારે અચાનક એક કમકમી આવી ત્યારે એકબીજા પર આક્ષેપ કર્યા કે ભઇ તમે હલાવ્યું, તમે હલાવ્યું.. પણ પંખો હલતો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપ છે. બાદમાં મહોલ્લાવાળા પણ ભેગા થઇ ગયા હતા અને મીડિયામાં પણ જોયું ત્યારે પાક્કું થઇ ગયું કે આ તો ભૂકંપનો આંચકો હતો. ભૂકંપના આ આંચકાથી 24 વર્ષ જૂની યાદો તાજી થઇ એ ખૂબ જ દુ:ખદ છે. ‘નીચેથી કંઇક અધ્ધર થતું હોય એવો અનુભવ થયો’
પાટણના સુરેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે અમે મિત્રો ઘરની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે અચાનક નીચેથી કંઇક અધ્ધર થતું હોય એવો અનુભવ થતાં અમે ચોંકી ગયા હતા. આ દરમિયાન આખી પોળ અને વિસ્તારના લોકો બહાર આવી ગયા હતા. આજથી 23 વર્ષ પહેલાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમને અનુભવ નહોતો, પણ ગઇકાલે આંચકો અનુભવાતાં ડર લાગ્યો હતો. આ દરમિયાન ખબરઅંતર પૂછવા લોકોના ફોન આવવા માંડ્યા હતા. ‘અચાનક પલંગ હલવા માંડ્યો’
પાટણના બિરેન ઠક્કરે જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યા આજુબાજુ હું સૂતો હતો ત્યારે અચાનક પલંગ હલવા માંડ્યો હતો. અમે બધા બહાર દોડી ગયા હતા, ત્યાં સોસાયટીવાળા પણ દોડી આવ્યા હતા. સોસાયટીવાળાઓએ જણાવ્યું હતું કે કોઇના તો અભરાઈ પરથી વાસણો પણ પડી ગયાં હતાં તો મહેશ મોદીએ જણાવ્યું હતું કે અમે ઘરે હતા ત્યારે અચાનક ધ્રુજારીનો અનુભવ થતાં બધા બહાર નીકળી ગયા હતા. અમે બધા સોસાયટીના લોકો રોડ પર જતા રહ્યા હતા. ‘ફ્લેટના ઉપરના માળે અસર થઈ છે’
મહેસાણાના સંજય શાહે જણાવ્યું હતું કે હું પાંચમા માળે બેઠો હતો, એ દરમિયાન અચાનક ધ્રુજારીની અસર થઈ હતી. આ દરમિયાન બેચાર લોકોના એ સમયે ફોન પણ આવી ગયા હતા કે વાઇબ્રેશન જેવું લાગે છે. ત્યાર બાદ નીચે આવ્યા પછી ખબર પડી કે આ તો ધરતીકંપ આવ્યો છે. આ દરમિયાન પાંચ-સાત પરિવાર તો ફ્લેટની નીચે આવી ગયા હતા. કોઈ નુકસાન નથી પણ ફ્લેટના ઉપરના માળે અસર થઈ છે. મહેસાણાના અભિષેક બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે હું છઠ્ઠા માળે મારા ઘરે ટીવી જોતો હતો. એ દરમિયાન બધેથી અવાજ આવવા લાગ્યો કે ભૂકંપ આવ્યો છે અને વાઇબ્રેશન પણ થવા લાગ્યું હતું. અમે છઠ્ઠા માળે રહીએ એટલે સૂવામાં પણ રાત્રે ડર લાગતો હતો. ‘અચાનક વાસણ ખખડવાનો અવાજ આવ્યો’
બનાસકાંઠાના ઈકબાલગઢના પ્રવીણ અગ્રવાલે જણાવ્યું હતું કે રાત્રે અમે પરિવાર જોડે બેસીને જમતા હતા, ત્યારે કંઇક હલવાનો અનુભવ થયો. પહેલા તો અમને થયું કે કંઇક ભારે વાહન બહારથી પસાર થયું છે, પણ બહાર આવીને જોયું તો અન્ય લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. બાદમાં અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઇ કે આ તો ભૂકંપ છે અને આનું કેન્દ્રબિંદુ પાટણ જિલ્લામાં નોંધાયું છે. તો બનાસકાંઠાના અરણીવાડાના મુકેશ પટેલે જણાવ્યું હતું કે અમે બેઠા હતા ને અચાનક વાસણ ખખડવાનો અવાજ આવ્યો, પહેલા લાગ્યું કંઇક મશીનરીનો અવાજ છે. બાદમાં બહાર આવ્યા તો ભૂકંપ આવ્યાની જાણ થઇ હતી. ‘પહેલાં થયું દેવદિવાળી છે તો લોકો ફટાકડા ફોડે છે’
ડીસાના સુરેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યે હું ટીવી જોતો હતો ત્યારે અચાનક સોફો હલવા માંડ્યો તો પહેલા થયું દેવદિવાળી છે તો લોકો ફટાકડા ફોડે છે એટલે વાઇબ્રેટ થાય છે, પણ સોફો વધારે હલતાં અમે બહાર દોડી આવ્યા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપનો આંચકો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments