અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા આઇકોનિક રેસીડેન્સીયલ બિલ્ડિંગ ઇસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી. M બ્લોકમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે 22 લોકોને ધુમાડાના કારણે ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈસ્કોન પ્લેટિનમમાં આગ કઈ રીતે લાગી?, લોકોને આગ લાગ્યાની કઈ રીતે ખબર પડી?, આગ લાગ્યા બાદ M બ્લોકમાં ફસાયેલા લોકો કઈ રીતે બહાર નીકળ્યા? આગની દુર્ઘટનામાંથી ઉગરી ગયેલા લોકોએ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. 8માં માળે લાગેલી આગ 22માં માળ સુધી પહોંચી હતી
બોપલ વિસ્તારમાં આવેલા ઈસ્કોન પ્લેટિનમના M બ્લોકમાં ઈલેકટ્રિક ડકમાં લાગેલી આગ ફ્લોર પર ફેલાઈ હતી. આઠમાં માળે લાગેલી આગ જોતજોતામાં ઉપર 22માં માળ સુધી ફેલાતા અફરાતફરી મચી હતી. આગની દુર્ઘટનામાં ધુમાડાના કારણએ ગૂંગળામણ થતા એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 22 જેટલા લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મને થયું ફટાકડાના કારણે ધુમાડો છે, જોયું તો આગ લાગી હતી- વિજયભાઈ
M બ્લોકમાં 15માં માળે રહેતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 10:30 વાગે લાઈટ જતી રહી હતી. પરંતુ અમને એવી નથી ખબર કે લાઈટ ફાયરના કારણે જતી રહી છે. થોડીક બળવાની સ્મેલ પણ આવતી હતી.પરંતુ દિવાળી હોવાથી ફટાકડા ફૂટી રહ્યા હોવાનું અમને લાગ્યું હતું. થોડીવારમાં ઘરના દરવાજા ઉપર કોઈ ખખડાવતું હોય તે અવાજ આવી રહ્યો હતો.જ્યારે મેં દરવાજો ખોલ્યો તો કોઈ વ્યક્તિ દરવાજો નહોતું ખખડાવતું. પરંતુ અમારા ડકમાં જે આગ લાગી હતી તેના કારણે આસપાસનું લાકડાનું ફર્નિચર અમારા દરવાજા ઉપર પડી રહ્યું હતું. જેના કારણે દરવાજો ખખડી રહ્યો હતો. પરંતુ કઈ દેખાતું નહોતું. મેં અને મારા પરિવારે અમારા દરવાજે લાગેલી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગ બુઝાવાતી નહોતી. ‘મોબાઈલની લાઈટ કરી અમે નીચે ઉતર્યા’
સામેવાળા ડકમાં પણ ખૂબ જ આગ લાગી રહી હતી જેથી અમે ત્યાંના રોકાઈ શકીએ તેવું નક્કી કરીને નીચે ઉતારવા જઈ રહ્યા હતા ત્યારે ઘણા લોકો નીચેથી ઉપર આવી રહ્યા હતા.તેમણે એમને જણાવ્યું કે, નીચે જઈ શકાય એવું નથી નીચે પણ આગ છે પરંતુ ઉપર પણ ખૂબ જ આગ ફેલાયેલી હતી જેથી ઉપર પણ જઈ શકાય તેવી સ્થિતિ નહોતી. આગના કારણે અમે ઉપર જઈ શકીએ કે ના નીચે જઈ શકે જેથી અમે વચ્ચે ફસાઈ ગયા હતા. પરંતુ થોડીવાર બાદ અમે તમામ લોકોએ પ્રયત્ન કરીને નીચે જવાનું નક્કી કર્યું હતું. અમે સીડીથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ખૂબ જ પાણી પણ હતું કંઈ દેખાતું ન હતું જેથી અમે મોબાઈલની ટોર્ચ જોડે ધુમાડાની વચ્ચેથી સીડી ઉતરીને નીચે જઈ રહ્યા હતા. ‘લોકોએ આખી રાત ક્લબ હાઉસમાં વિતાવી’
નીચે આવ્યા બાદ હું અમારા પરિવારને મળ્યો હતો.બધા સલામત હતા.ત્યારબાદ ફ્લેટવાળાએ ક્લબ હાઉસમાં રોકાવાનું નક્કી કર્યું હતું.જેથી અમે આખી રાત ક્લબ હાઉસમાં નીકળી હતી હજુ પણ એક બે દિવસ અમારે ક્લબ હાઉસમાં જ રોકાવું પડશે. અમારા ઘરના સેફટી ડોર સળગી ગયો છે.આગના કારણે આઠમાં,નવમાં અને 17માં માટે ફ્લેટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે. આગ બુઝાઈ ગઈ છે પરંતુ ફ્લેટ પણ આગના કારણે ખરાબ થઈ ચૂક્યા છે. ધુમાડાના કારણે કંઈ દેખાતુ જ ન હતું- પ્રમોદકુમાર શર્મા
N બ્લોકમાં રહેતા પ્રમોદકુમાર શર્માએ જણાવ્યું હતું કે મને મારા મિત્રનો ફોન આવ્યો હતો કે M બ્લોકમાં આગ લાગી છે.જેથી બહાર આવીને જોયું તો આગ લાગેલી હતી.જેથી હું નીચે આવ્યો અમે લોકોએ સાથે મળીને પાણી નાખવાનું શરૂ કર્યું હતું. 8માં માળેથી 13માં માળ સુધી આગ દેખાતી હતી. લોકોના દરવાજા ખોલાવીને લોકોને બહાર નીકળતા ગયા હતા.વૃદ્ધ અને બાળકોને વધારે તકલીફ થતી હતી તેમને અમે ઝડપથી નીચે લઇને આવ્યા હતા.ત્યારબાદ અમને જાણ થઈ કે 17 અને 18 માં માળે પણ આગ ફેલાઈ છે. જેથી અમે ત્યાં પહોંચ્યા હતા. હું 16માં માળે પહોંચ્યો ત્યારે મારી પણ હાલત ખરાબ થઈ ચૂકી હતી.કંઈ દેખાતું જ નહોતું અમે 16 માંથી 20 માં માળે ગયા ત્યારે એક વૃદ્ધ મહિલા બેભાન હાલતમાં હતા.લોકો આમથી તેમ દોડી રહ્યા હતા પરંતુ કોઈને મહિલા દેખાઈ નહોતી અમે લોકો જ્યારે મહિલાને જોયા ત્યારે ફાયર બ્રિગ્રેડ વાળા સાથે રાખીને મહિલા ઉપર ચાદર રાખી ત્યારબાદ N બ્લોકમાંથી મહિલાને રેસ્ક્યુ કરીને નીચે લાવ્યા હતા.ત્યારબાદ તેમને સરસ્વતી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બે બ્લોક કનેક્ટેડ હોવાથી બચાવ કામગીરી સરળ બની- મુકેશભાઈ0
M બ્લોકમાં 21માં માળે રહેતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે અમે ફ્લેટમાં બહાર હતા અમે આતશબાજી કરી રહ્યા હતા.આગ લાગવાની જાણ થઈ ત્યારે અમે દોડીને ફ્લેટ તરફ આવ્યા અમને ખબર હતી કે ઘણા બધા લોકો ઉપર છે જે ફસાયા છે.જેથી અમે નીચે અને ઉપર તમામ જગ્યાએથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી છે.M અને N બ્લોક કનેક્ટેડ છે જેથી અમને લોકોને બહાર કાઢવામાં સરળતા રહી હતી.મોટાભાગે અનેક લોકો ઘરમાં હોવાથી મોટી સંખ્યામાં ફસાયા હતા.કેટલાક લોકોને ઉપરથી તો કેટલાક લોકોને નીચેથી અમે બહાર કાઢ્યા હતા.M બ્લોકના તમામ લોકો ક્લબ હાઉસમાં જ આખી રાત રોકાયા હતા. હજુ કેટલાક લોકો હોસ્પિટલમાં છે પરંતુ તમામની સ્થિતિ અત્યારે સારી છે.