back to top
Homeગુજરાત'બસ 15 જ મિનિટ થશે કહી કાયમી સુવડાવી દીધા':'સ્ટેન્ટ મૂક્યું ને પછી...

‘બસ 15 જ મિનિટ થશે કહી કાયમી સુવડાવી દીધા’:’સ્ટેન્ટ મૂક્યું ને પછી ઉભા જ ન થયા’, આ ગામોને ટાર્ગેટ કરી ખ્યાતિએ ‘દિલ ફાડી’ 8ને મોત આપ્યા

મનીષ પારીક-દીપક શ્રીમાળી: ગત 12 નવેમ્બરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને તેમાંના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી. આ 7માંથી 2 લોકોના મોત થઈ ગયા અને 5ને ICUમાં દાખલ કરવા પડ્યા. આ ઘટના બાદ ખ્યાતિના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. PMJAY યોજના દ્વારા કરોડો રૂપિયા ખંખેરવા માટે ખ્યાતિની હવે કુખ્યાત થઈ ગઈ છે. ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદ અને ઉત્તર ગુજરાત આસપાસના વિસ્તારોને ખાસ ટાર્ગેટ કરી આખો કાંડ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 2 વર્ષમાં અમદાવાદથી લઈ કડીના વાઘરોડા સુધીની 50 કિમીના વિસ્તારમાં યોજેલા કેમ્પમાં એન્જિયોપ્લાસ્ટિ કરી 8 લોકોના જીવ લઈ લીધા છે. જ્યારે અનેકને લોકોને ગંભીર સમસ્યાઓ થઈ હતી. ખ્યાતિ હોસ્પિટલના આ કાંડને લઈ દિવ્ય ભાસ્કરે સુરેન્દ્રનગરથી લઈ ગાંધીનગરના શેરથા અને કડીના ગામોની મુલાકાત લીધી હતી. જેમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ દ્વારા કેટલા લોકોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન એક વાત ઉડીને આંખે વળગી કે આ હોસ્પિટલની મોડસઓપરેન્ડી એવી હતી કે ફ્રીની લાલચ(PMJAY હેઠળ), લઈ જવા મૂકી જવાની સુવિધા જેવા પ્રલોભનો આપી લોકોને જાળમાં ફસાવતા હતા. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દોઢ બે વર્ષથી કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ યોજી ગ્રામ્ય વિસ્તારની ભોળી અને અભણ પ્રજાને છેતરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. કડીના વાઘરોડા, લક્ષ્મણપુરા, વિનાયકપુરા, ખવાડ, કણઝરી, ખંડેરાવપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પાસે પીએમજેવાય કાર્ડ હોય તેઓને બીજા દિવસે બસમાં અથવા તો ખાનગી વાહનમાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હતા અને ત્યાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી. આ મોડસ ઓપરેન્ડી અપનાવી 22 જૂન, 2022: શેરથામાં કેમ્પ, 1 મોત
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 22 જૂન, 2022ના રોજ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પમાંથી 17 જણાંને બસમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતાં. બે ત્રણ વ્યક્તિ ભાગી છૂટી
આ કેમ્પમાં ભોગ બનેલા રમણ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, તારીખ 22/06/2022ના રોજ અમારા ગામ શેરથામાં ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. ત્યારે તપાસ કરાવતાં એ લોકોએ ત્રણ નળીઓમાં બ્લોકેજ છે એવું જણાવ્યું હતું અને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં આવવા કહ્યું હતું. ત્યારબાદ એ લોકોની બસ લેવા આવી હતી અને અમે ગામના કેટલાક લોકો ખ્યાતિ હોસ્પિટલ ગયા હતા. જ્યાં અમને ઘણીવાર બેસાડી રાખવામાં આવ્યા હતા. આમ હેરાનગતિ થતાં અમારા ગામના બે ત્રણ વ્યક્તિઓ ભાગી આવ્યા હતા. ‘મારો હાથ કાળો પડી ગયો’
રમણ પટેલે વધુમાં કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં મને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું, ત્યારે મારો હાથ કાળો પડી ગયો હતો. જોકે, એ લોકોએ દવા આપતાં થોડીવાર પછી મને આરામ થયો હતો, પણ બીપી મારૂ હાઇ જ હતું. આ બાદ બીજા દિવસે મને રજા આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું કે 300 રુપિયા તમારા ખાતામાં આવી જશે તમે તમારી રીતે જતા રહો. અમને લાવવા-મૂકવાની વાત કરીને એ લોકો લઇ ગયા હતા. જોકે, મૂકવા આવ્યા નહોતા. આ બાદ અમે ફરીથી ચેક કરાવવા ગયા ત્યારે માત્ર બીપીની જ દવાઓ આપી હતી. બીજી કોઇ દવા આપી નહોતી કે ચેક કર્યું નહોતું. જો એ લોકોને આવું જ કરવું હતું તો અમને લઇ શું કામ ગયા. ‘સહીઓ વગર મારા પતિનું ઓપરેશન કર્યું’
ખ્યાતિ હોસ્પિટલની બેદકારીના કારણે મોતને ભેટેલા કનુભાઇ પટેલના પત્નીએ જણાવ્યું કે, આ લોકોએ અમારા ગામમાં કેમ્પ કર્યો હતો. કોઇને બ્લોકેજ છે એવું કીધું નહોતું અને અમને હોસ્પિટલ આવવા કહ્યું હતું. ત્યાર બાદ અમને હોસ્પિટલ લઇ ગયા. કોઇપણ સહીઓ વગર મારા પતિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પત્યા પછી અમને કોઇને જાણ નહોતી કરી અને એમને એકલાને રિક્ષામાં ઘરે મોકલ્યા હતા. આ બાદ બીજા દિવસે એમને છાતીમાં દુખાવો ઉપડતાં 108 દ્વારા ગાંધીનગર સિવિલ લઇ ગયા હતા. ત્યાં ચેકઅપ કરાવ્યું હતું બધુ નોર્મલ હતું. કનુભાઇ પટેલના પત્નીએ વધુમાં જણાવ્યું કે, એમને ખ્યાતિ હોસ્પિટલ લઇ જવા નીકળ્યા હતા, પરંતુ એમને ઇકોમાં જતી વેળાએ છાતીમાં ફરી દુખાવો ઉપડતાં અમે રિટર્ન ગાંધનગર હોસ્પિટલ લઇ આવ્યા હતા, પરંતુ અહીંના ડોક્ટરોએ એમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલવાળાઓએ કોઇ તકલીફ વગર માત્ર રુપિયા કમાવવા માટે આવું કર્યું હતું, એમને આવું ન કરવું જોઇએ. આવા લોકો પૈસા માટે નિર્દોષ લોકોનો જીવ લે છે, આવા લોકોની હોસ્પિટલ બંધ કરાવી દેવી જોઇએ. 6 ઓક્ટો., 2024, કડીના વિનાયકપુરામાં કેમ્પ, 1 મોત
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના માણસો ગત તા. 4/10/24ના રોજ કડી તાલુકાના વિનાયકપુરામાં 6/10/24ના રોજ ગામની પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પ કર્યો હતો. જેમાં 6 દર્દીને અમદાવાદ હોસ્પિટલ ખાતે મફત સારવારનું કહી આવવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં ચાર દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરી બાકીના બે દર્દીને પાછા વિનાયકપુરા પરત મોકલી દેવાયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના વતની અને કડીના વિનાયકપુરામાં રહેતા 70 વર્ષના ગણપતભાઈ વાણંદને હાલતા ચાલતા હોવા છતાં નળી બ્લોક હોવાનું કહીને ઓપેરશનમાં ફક્ત 15 જ મિનિટ થશે એમ કહી આઇસીયુમાં ઓપેરશન થિયેટરમાં લઇ જવાયા હતા અને ઓપેરશન બાદ તુરંત એમની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું. ડો. પ્રશાંત વઝીરાણીએ જ કર્યું હતું ઓપરેશન
ત્યાર બાદ એમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા બાદ દિવાળીના બે દિવસ અગાઉ જ તેમનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમનું ઓપેરશન પણ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણીએ જ કર્યું હતું. પરંતુ એમના પરિવારજનોને એક પણ રિપોર્ટ આપવામાં આવ્યા નહોતા. માર્ચ, 2023માં કડીના ખાવડમાં કેમ્પ, 15ને દાખલ કર્યા
જ્યારે કડીના ખાવડ ગામે માર્ચ 2023માં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને લક્ષ્મણપુરામાં ગત 2 ઓક્ટોબરે કેમ્પ યોજાયો હતો. ખાવળ ગામના 25થી 30 લોકોને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. તેમજ લક્ષ્મણપુરાના 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. લક્ષ્મણપુરા ગામના પૂર્વ સરપંચ અને તેમના પત્ની સહિત ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરી પીએમજેવાય કાર્ડમાંથી પૈસા ખંખેરી લીધા હતા. ખાવડ ગામના જયંતી પટેલે જણાવ્યું હતું કે, જ્યારે હું ખેતરે ગયો હતો અને ખેતરમાંથી પાછો આવતો હતો ત્યારે એક સાહેબ મળ્યા હતા અને મારું નામ લખી કહ્યું હતું કે તમારા જોડે મા કાર્ડ છે હોય તો તમે મા કાર્ડ અને આધારકાર્ડ લઈને આવી જાવ. મને કંઈ પણ તકલીફ હતી નહીં અને લઈ ગયા હતા. ત્યાં જઈને મને કહ્યું હતું કે તમારી અલગ અલગ નળીઓ બ્લોક છે મને કંઈ જાણ જ નથી કરી, ખાવા પીવા પણ કંઈ આપ્યું ન હતું. દોઢ વર્ષ પહેલાં કેમ્પનું આયોજન થયું હતું અને અહીંથી 20 જણાને લઈ ગયા. ત્યાં જઈને મને ઊંઘાડીને સળીયો નાખ્યો હતો. મને કીધું હતું કે, તમારી આટલી નળીઓ બ્લોક છે મેં કહ્યું હતું કે કંઈ વાંધો નહીં જે હોય તે. 15 લોકોએ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવેલી હતી. 2 ઓક્ટો.,2023, કડીના લક્ષ્મણપુરામાં કેમ્પ
કડીના લક્ષ્મણપુરા ગામના પૂર્વ સરપંચ પટેલ વિષ્ણુ બળદેવભાઈએ જણાવ્યું હતું કે, 2023માં 2 ઓક્ટોબરે અમારા ગામની ડેરીમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી પણ વધુ દર્દીઓએ ભાગ લીધેલો હતો. 14, 15 દર્દીઓને તકલીફ જેવું હતું તેમને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા હતા. ત્યાં આગળ ચાર લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવેલી હતી. 13 ઓક્ટો.,2024, વાઘરોડામાં કેમ્પ, 1 મોત
આ અંગે વધુ જાણવા માટે અમે કડીના બોરીસણાથી 20 કિમી દૂર આવેલા વાઘરોડા પહોંચ્યા. જ્યાં જાણવા મળ્યું કે 13 ઓક્ટોબર અને રવિવારે બોરીસણાની જેમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ ગામના 25 લોકોને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. આમાંથી ફતાભાઈ ઠાકોર નામના વૃદ્ધને સ્ટેન્ટ મૂકવાનું કહ્યું અને સારવાર બાદ તેમનું મોત નીપજ્યું. તેમજ ગામના પૂર્વ સરપંચને તો સિરિયસ કરી દીધા હતા અને માંડ માંડ બચ્યા હતા. ‘ડૉક્ટર્સના કહેવાથી ઓપરેશન કરાવ્યું ને મારા દાદાએ જીવ ગુમાવ્યો’
આ અંગે સુરેશભાઈ કહે છે કે 13 ઓક્ટોબરે અમારા ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હું મારા દાદાને લઈને ગયો હતો. ડૉક્ટર્સે મારા દાદાનો કાર્ડિયોગ્રામ કાઢ્યો અને તેમને હૃદયની બીમારી છે તેવું કહ્યું. તેમણે કહ્યું કે અમે ગામના અન્ય લોકો સાથે દાદાને આવતીકાલે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જઈને તેમને સ્ટેન્ટ મૂકી સારવાર કરીશું. ડૉક્ટર્સના કહેવા પ્રમાણે હું દાદાની સાથે ગયો 14 તારીખે તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યું અને બીજા જ દિવસે મારા દાદાનું નિધન થઈ ગયું. ડૉક્ટર્સના કહેવાથી ઓપરેશન કરાવ્યું અને તેમણે જીવ ગુમાવ્યો. ડૉક્ટર્સે 25 લોકોને હ્રદયમાં તકલીફ હોવાનું કહ્યું
વાઘરોડાના પૂર્વ સરપંચ ગીતાબેન ઠાકોરના પતિ હિતેન્દ્રભાઈએ જણાવ્યું કે, દિવાળી પહેલાં મારા ગામમાં ખ્યાતિ હોસ્પિટલના માણસો આવ્યા હતા. તેઓ ગામના લોકોના કહેવાથી આગેવાન તરીકે મારી પાસે પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે ગામ લોકોની અમે ફ્રીમાં સારવાર કરી સેવા કરવા માંગીએ છીએ. અમે તપાસથી લઈને સારવાર સુધી બધું જ ફ્રીમાં કરીશું અને સારવાર બાદ ઘરે પણ મૂકી જઈશું. આ કામથી ગામ લોકોનું ભલું થશે એ સમજી અમે કેમ્પની પરવાનગી આપી. અઠવાડિયા પછી 13 તારીખ અને રવિવારે કેમ્પ રાખવામાં આવ્યો. જેમાં ગામના 100થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી. તેમાંથી ડૉક્ટર્સે 25 લોકોને હ્રદયમાં તકલીફ હોવાનું કહ્યું કોઈને નળી બ્લોક છે તો કોઈને હ્રદયમાં સ્ટેન્ટ મૂકવાનું કહ્યું હતું. ગામમાં બીજા દિવસે બસ આવી હતી. જાણ વિના મારા પિતાની એન્જિયોપ્લાસ્ટી કરી અને મોત થયું
જ્યારે ખ્યાતિ હોસ્પિટલના કાંડ અંગે રાજકોટના વિશાલ પટેલે જણાવ્યું હતું કે મારા પિતા નરશીભાઈ કાનજીભાઈ પટેલને ગત તા. 16 જૂનના હાર્ટમાં સમસ્યા થતાં ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એ બાદ તેમણે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. 17મીએ પિતાને ખૂબ જ તાવ આવતો હોવા છતાં રજા આપી દેવામાં આવી હતી. જ્યારે એડમિટ કરવામાં આવ્યા ત્યારે અમારી પાસેથી રૂ. 25,000 રોકડા લેવામાં આવ્યા. એ બાદ 18મી જૂને મારા પિતાનું મૃત્યુ થઈ ગયું. મને આઘાત લાગ્યો કે PMJAY સ્કીમના નામે તેઓ પૈસા છાપે છે, જેથી મારી સરકાર પાસે એ જ માગણી છે કે આ પ્રકારની હોસ્પિટલને પેનલ્ટી ફટકારવામાં આવે અને હોસ્પિટલ જ બંધ કરી દેવામાં આવે. ખ્યાતિમાં દાખલ કર્યા ને 4 દિવસમાં મોત
આ અંગે અમદાવાદના શાહીબાગમાં રહેતા સદાન પઠાણે પણ પોતાના પિતા સાથે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આચરાયેલી બેદરકારી જણાવતા કહ્યું કે, મારા પિતા અફઝલખાન પઠાણ(ઉ.વ.57) ને ઓકટોબર, 2022માં છાતીમાં દુખાવો ઉપડતા પહેલાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને હૃદયમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. સિવિલમાં તેમના સગાએ તેમને ખ્યાતિ હોસ્પિટલમાં ખસેડવા સલાહ આપી હતી. જેથી પિતાને ખ્યાતિ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ચારેક દિવસ રહ્યા બાદ પિતાનું મૃત્યુ નિપજ્યું હતું. ‘અફઝલખાનના હૃદયનું ઓપરેશન કરવું પડશે’
સદાન પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેઓ ફીટ હતાં. હોસ્પિટલમાંથી અફઝલખનાનનું હૃદયનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. જે PMJAY કાર્ડ અંતર્ગત વગર કોઇં ખર્ચે થશે તેમ જણાવાયુ હતું. પણ શું ઓપરેશન કરવાનું છે, તે જણાવાયું નહોતું. બાદમાં સદાનના પિતાની એન્જિયોગ્રાફી કરાઈ હતી. તેમજ ઓપરેશન પહેલાં પરિવારની સહમતિ લેવાઈ હતી અને ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ બોડી પરિવારને સોંપી દેવાઈ હતી
ઓપરેશન બાદ તેઓ વોર્ડમાં દાખલ હતા અને અચાનક તેમની બોડી પરિવારને સોંપી દેવાઈ હતી. સદાને જણાવ્યું હતું કે, તેમને ગભરામણ થતી હતી અને તેના પિતા તેને કઈ કહેવા માંગતા હતા. પરંતુ કાઇ કહિ શકે તે પહેલાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કયા ડોક્ટરે પિતાનું ઓપરેશન કર્યું તેની ખબર નહોતી. અહીં વૃદ્ધો જ ઓપરેશન માટે આવતા હતા. અફઝલખાન પઠાણનું નિધન 17 ઓકટોબર, 2022ના રોજ થયું હતું. 10 નવેમ્બર, બોરીસણામાં કેમ્પ, 2ના મોત
કડી તાલુકાના થોળ રોડ પર આવેલા બોરીસણા ગામે 10 નવેમ્બર, 2024ના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને સોમવારે(11 નવેમ્બર) અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી નાખી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. જોકે એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીની તબિયત લથડતાં રાતના 10 વાગ્યે હોસ્પિટલે દર્દીના પરિવારજનોને જાણ કરી કે તમારા સ્વજનની હાલત ગંભીર છે. તમે અમદાવાદ આવી જાઓ, પરંતુ મંગળવારની સવાર અમંગળ બનીને આવી હોય એમ આ બન્ને દર્દીનાં મોત થઈ ગયાં, જ્યારે 5 લોકો હાલ ICUમાં છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેશ ગિરધરભાઈ બારોટ (ઉંમર વર્ષ 45), નાગર સેનમા (ઉંમર વર્ષ 59)નાં મોત થઈ જતાં ગ્રામજનોએ ખ્યાતિ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હતો. ‘તેમને કોઈ દિવસ તાવ નથી આવ્યો’
મૃતક નાગરભાઈ મોતીભાઈ સેનમાનાં પુત્રવધૂ અમરતબેને રડતાં રડતાં કહ્યું, આ કેમ્પની ખબર પડી એટલે દાદા ત્યાં ગયા, પછી કેમ્પવાળાએ કીધું કે અમદાવાદ આવજો, અમે ગાડી મૂકીએ એટલે એમાં બેસી જજો. તેમને કોઈ દિવસ તાવ નથી આવ્યો, બધાં કામ કરતા હતા. શરીરમાં કોઈ તકલીફ નહોતી. આવા દવાખાનાને સીલ જ મારી દેવાની જરૂર છે. આજે આપણને કર્યું છે, આવું બીજા સાથે પણ કરે તો? શું કારણથી મારા સસરાને મારી નાખ્યા? અગાઉ 2022માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને ત્રણ દર્દીને સ્ટેન્ટ મૂકતાં એક દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments