ઘણા વખતથી ચર્ચામાં રહેલા અને આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. આગામી 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ આજે બપોરે 12 વાગ્યાથી બુક માય શો પર ઓનલાઈન ખરીદી શકાશે. એના માટે અત્યારે બુક માય શો એપ્લિકેશન પર વેઇટિંગ રૂમ ઓપન કરી દેવામાં આવ્યો છે. એકવાર વેઇટિંગ રૂમમાં એન્ટર થયા પછી બહાર નીકળશો તો ટિકિટ મેળવવાનો ચાન્સ ઓછો થવાની શક્યતા છે. મુંબઈમાં ત્રણ શો હાઉસફુલ થઈ ગયા છે. એની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થવાની સંભાવના છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ઘોધોડાપૂર ઊમટશે. અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેચાય એવી શક્યતા સેવાઈ રહી છે. આજે બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન બુકિંગ શરૂ થાય એના એક કલાક પહેલાં, એટલે કે 11 વાગતાંની સાથે જ વેઇટિંગ રૂમ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે, જ્યાંથી તમે તમારી બુકિંગની પ્રક્રિયાની શરૂઆત કરી શકશો. કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇને અમદાવાદમાં હોટલોનાં ભાડાંમાં 13 ગણો વધારો થયો છે, જ્યારે ફ્લાઇટોનાં ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. મુંબઈ પછી અમદાવાદમાં કોન્સર્ટ
આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ યોજાવાના છે. એની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ધસારાને કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી નહોતી. ઓનલાઈન બુકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતાં અનેક ચાહકો નિરાશ થયા હતા. ત્યારે હવે અમદાવાદમાં યોજાનારા શો માટે બુક માય શોમાં આજથી ઓનલાઇન બુકિંગ શરૂ થશે. ત્યારે મુંબઈના શોની ટિકિટ મેળવવાનું ચૂકી ગયેલા ચાહકો પણ અમદાવાદના શો માટે ટિકિટ બુક કરાવશે, જેના કારણે હવે અમદાવાદના કોન્સર્ટમાં ભારે ધસારો જોવા મળશે. બુક માય શોમાં ટિકિટ બુક કરાવતાં પહેલાં આટલું નોંધી લો આ તારીખોમાં અમદાવાદની હોટલો હાઉસફુલ
અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેમાં દેશભરમાંથી જ નહિ, પરંતુ વિશ્વભરમાંથી લોકો આવવાના છે. ત્યારે લોકો અમદાવાદની હોટલમાં પણ રોકાશે. અમદાવાદની જાણીતી અને ફાઈવસ્ટાર હોટલમાં કોન્સર્ટના અગાઉના દિવસના હોટલના ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા છે. તો કેટલીક જાણીતી હોટલમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ગયા હોવાથી હોટલ પણ હાઉસફુલ થઈ ચૂકી છે. ફ્લાઇટ અને હોટલોની બુકિંગ માટે જાણીતી વેબસાઇડ અગોડામાં અત્યારે 23થી 26 જાન્યુઆરીની તારીખોમાં અમદાવાદની 80 % હોટલો બુક બતાવી રહી છે. ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા
અમદાવાદની હોટલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હોટલમાં જે ભાડા સામાન્ય દિવસમાં 6થી 10 હજાર સુધી હતા એ ભાડા 80 હજાર પહોંચ્યા છે. હોટલના ભાડામાં 13 ગણા સુધીનો વધારો થયો છે, કેટલીક હોટલમાં તો હવે રૂમ પણ મળી શકે એમ નથી. 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી હોટલના તમામ રૂમ હાઉસફૂલ થઇ ચૂક્યા છે, જેથી હવે બુકિંગ પણ કરાવી શકાશે નહી. અત્યારથી જ ટિકિટ બુક કરાવો તો સામાન્ય ભાવમાં મળશે
અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી સંગીતના રસિયાઓ અને કોલ્ડપ્લે બેન્ડના ફેન અમદાવાદ ખાતે આવશે ત્યારે આધુનિક જમાનામાં સમયની બચત માટે મોટા ભાગના લોકો ફ્લાઈટ મારફત ટ્રાવેલ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દેશનાં મહાનગરો, જેમ કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, પુણે, જયપુર, ઇન્દોર, ગોવા જેવાં શહેરોમાંથી અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ચાહકો આવશે, જેના કારણે વહેલી તકે ફ્લાઇટનું બુકિંગ કરાવવું હિતાવહ છે. કોલ્ડપ્લે શું છે, જેણે ઈન્ટરનેટ જગતમાં તોફાન મચાવી દીધું?
કોલ્ડપ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે, આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે સંગીતરસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે. કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું. એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે ‘ધ સાયન્ટિસ્ટ’ ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક ‘પેરાશૂટ્સ’ હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. ભારતમાં 2016માં કોલ્ડપ્લેએ પર્ફોર્મ કર્યું હતું. 2025માં યોજાનારા 47 કોન્સર્ટમાંથી 40ની ટિકિટો અત્યારથી વેચાઈ ગઈ!
જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાની છે. અત્યારસુધીમાં 2025માં કુલ 47 કોન્સર્ટનું આયોજન કરાયું છે, જેમાં 40 કોન્સર્ટની ટિકિટો અત્યારથી જ વેચાઈ ચૂકી છે. એપ્રિલ-2025માં સિઓલમાં યોજાનારા કોન્સર્ટની ટિકિટો જ ઉપલબ્ધ છે.