પીએમજેએવાય યોજના હેઠળ પૈસા પડાવવા ખ્યાતિ હોસ્પિટલે કરેલા કૌભાંડની એક પછી એક પરત ખૂલી રહી છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા ડો. પ્રશાંત વજીરાણીને સાથે લાવી પોલીસે તપાસ કરી હતી. પૂછપરછમાં ડો. પ્રશાંત વજીરાણીએ ઓક્ટોબરમાં 166 અને નવેમ્બરના 11 દિવસમાં 55 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી મળી કુલ 221 દર્દી પર પ્રોસિજર કરી હતી. દર્દીઓની તમામ ફાઈલ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા સરકારમાં મોકલી અપાતી હતી. ડો. વજીરાણી ખ્યાતિમાં છેલ્લા 4 વર્ષથી નિયમિત સર્જરી કરે છે. આ સમયગાળા દરમિયાન તેમણે 7 હજાર સર્જરી કરી હોવાનું અને સરકાર પાસેથી ખોટી રીતે અંદાજે 100 કરોડ પડાવ્યાનું ખૂલ્યું છે. પોલીસે સમગ્ર કૌભાંડમાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ તેમજ 3 ડિરેક્ટર ડો. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત સામે ગુનો દાખલ કર્યો છે. પાંચેય સામે સાપરાધ મનુષ્ય વધ અને સરકારી યોજનાના પૈસા પડાવવાના કૌભાંડ સહિતની કલમોનો સમાવેશ થાય છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ડો. પ્રશાંત વજીરાણી હાલમાં રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન ડો. વજીરાણીએ એવું કહ્યું હતું કે, મોટાભાગના દર્દીની ફાઈલો ખ્યાતિના સંચાલકો સરકારમાં મોકલતા હતા અને આયુષ્યમાન યોજનાનો લાભ ઉઠાવતા હતા. સમગ્ર ઘટના પછી એસજી હાઈવે પરની હોસ્પિટલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલને હજુ સુધી સીલ કરવામાં આવી નથી. પરંતુ સરકાર કોઈ પણ સમયે સીલ મારે તેવી શક્યતા છે. હાલમાં હોસ્પિટલ ચાલુ છે પણ સારવાર માટે કોઈ દર્દી આવતો નથી. ખ્યાતિમાં તપાસ કરી પોલીસે કૌભાંડના પુરાવા મેળવ્યા
પ્રશાંત વજીરાણીની ધરપકડ કરીને વસ્ત્રાપુર પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રશાંત ખ્યાતિ હોસ્પિટલમાં રોજની 4 થી 5 એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરતો હોવાનું કબૂલ્યંુ હતું. જેના આધારે જ પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા ઓકટોબર અને નવેમ્બરમાં જ પ્રશાંત વજીરાણીએ 221 સર્જી કરી હોવાના પુરાવા પોલીસને હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા. ખ્યાતિકાંડમાં કડક કાર્યવાહી કરો, IMAનો આરોગ્યમંત્રીને પત્ર
ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી પછી બે દર્દીના મૃત્યુ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શોકની લાગણી વ્યક્ત કરી છે. એસોસિયેશને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સમગ્ર ઘટના ક્રમને વખોડી કાઢ્યો છે અને બારીકાઈથી તપાસ કરી કૌભાંડમાં સામેલ જવાબદાર ડોક્ટરો, વ્યવસાયિકો અને સંસ્થા સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલના પ્રકરણથી તબીબી વ્યવસાયની છબી કલંકિત થઈ છે. બે વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો તે અત્યંત કમનસીબ છે. તબીબી સમુદાય ઉપરાંત જનતા પર પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.