માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 પર કીમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઇને હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે. કલાકોથી વાહનો ટ્રાફિકમાં ફસાઈ જતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઝડપથી હાઇવે પર ટ્રાફિક હળવો થાય એ દિશામાં NHAI વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે. ત્યારે 15 કિલોમીટર લાંબા ટ્રાફિકજામનો ડ્રોન નજારો સામે આવ્યો છે. બ્રિજની એક લાઈન બ્લોક કરાતા ટ્રાફિક
સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે કીમ નદીના ઓવરબ્રિજ પર NHAI વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની એક લાઈન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ છે. નેશનલ હાઇવે 48 પર છેલ્લા 10 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. જેને લઈને વાહનચાલકો તોબા તોબા પોકારી ઊઠ્યા છે. ઘણાં વાહનો ગ્રામીણ રસ્તાઓ પર ચાલવા મજબૂર બન્યાં
ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઇવે નજીક આવેલાં ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યાં છે અને પોતાનો સમય વેડફાટ ન થાય તે માટે ગ્રામીણ રસ્તાઓ પરથી સુરત બાજુ જઈ રહ્યાં છે. તેમજ કોઈપણ કટમાંથી વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે કોસંબા પોલીસના જવાનો દરેક કટ પર ઊભા રહી ગયા છે. જેને લઇને બન્ને બાજુની લાઈન જામ ન થાય. ત્યારે NHAI વિભાગ ઝડપથી કામગીરી પૂર્ણ કરી હાઇવે ખુલ્લો કરાવે એ હાલ જરૂરી બન્યું છે. કીમ નદીના ઓવરબ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીને લઈ જામ
સુરત જિલ્લા NHAI વિભાગના સુપર વાઈઝર રિંકુભાઈએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે પર કીમ નદીના ઓવરબ્રિજ પર મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. હાલ ડામર પાથરવામાં આવતો હોવાથી આ ટ્રાફિક જામ થયો છે. થોડાક જ કલાકોમાં રાબેતા મુજબ હાઇવે ખુલ્લો થઈ જશે.