પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજય) કાર્ડ ધરાવતા દર્દીઓની ખોટી સારવાર માટે હૉસ્પિટલોએ ઓનલાઇન માત્ર રિપોર્ટ જ સબમિટ કરવાના હોય છે. સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની સ્થળ ચકાસણી ન થતી હોવાથી લોકોને ભરમાવીને ખોટાં ઓપરેશન કરી સરકારની રકમ લૂંટવામાં આવે છે. મોટી હૉસ્પિટલોમાં પોતાની જ લેબોરેટરી હોવાથી ત્યાંથી જ ખોટા રિપોર્ટ તૈયાર કરાય છે. જેના આધારે સરકારી યોજનામાં દર્દીની નોંધણી કરાવાય છે. ત્યાર બાદ સરકારના પૈસાની લૂંટ ચલાવાય છે. આ મુદ્દે હેલ્થ કમિશનરે જણાવ્યું કે, અમે ટૂંક સમયમાં જ સોફ્ટવેર અપડેટ કરીશું, ગાઇડલાઇન પણ રિવાઇઝ કરીશું. હૉસ્પિટલોએ હવે રિપોર્ટની સાથે એન્જિયોગ્રાફીની સીડી પણ સરકારમાં આપવી પડશે. તેમણે કહ્યું કે જૂના ડોક્ટરો જે અમારા ક્લેમ પાસ કરવાની સ્થળે કામ કરે છે તેમને પણ બદલવા સરકારને જણાવ્યું છે. ઉપરાંત કોઇપણ હૉસ્પિટલ મંજૂરી વગર કેમ્પ કરે છે તો તેને પણ કોઇ હિસાબે નહીં ચલાવી લેવાય.મળતી માહિતી પ્રમાણે, હૉસ્પિટલે દર્દીની ટ્રીટમેન્ટ પહેલાના અને પોસ્ટ ટ્રીટેમેન્ટના રિપોર્ટ ઓનલાઇન સબમિટ કરવાના હોય છે. જેના આધારે હૉસ્પિટલને રકમની ફાળવાય છે. માત્ર રિપોર્ટના આધારે જ ટ્રીટમેન્ટની મંજૂરી આપી દેવામાં આવતી હોવાથી મોનિટરિંગ સિસ્ટમ પર પણ પ્રશ્ન ઉભો થાય છે. મેડિકલ ફિલ્ડમાં ગેરરિતી કરનારા સરકારીની આવી યોજનાઓમાં છીંડા શોધીને પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરે છે. દર્દીને મેસેજ આવે છે કે કોઇ રકમ હૉસ્પિટલમાં ચૂકવવાની નથી, તેથી દર્દી કોઇ પુછપરછ કરતા નથી. માત્ર 3 કિસ્સામાં જ સરકારી તબીબનો અભિપ્રાય જરૂરી
ખાનગી હૉસ્પિટલો પોતાના પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકે તે માટે સ્વાયત્ત આપેલી છે. પરંતુ પીએમજય કાર્ડમાં માત્ર કૅન્સર, કિડની, ગોઠણ અથવા સાંધાના રિપ્લેસમેન્ટ કે સર્જરી કરતાં પહેલાં દરેક દર્દી માટે સરકારી હૉસ્પિટલના ડૉક્ટરનો અભિપ્રાય લેવો ફરજિયાત છે. એટલે કે આ ત્રણ ટ્રીટમેન્ટ સિવાય અન્ય કોઈ પણ ટ્રીટમેન્ટ માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ દર્દીએ કોઈ સરાકારી અધિકારી કે ડોક્ટરનો અભિપ્રાય લેવાની જરૂર નથી. દર્દીના કાર્ડનું બેલેંસ ચેક કરીને ખેલ શરૂ થાય છે સરકારીના કલેઈમ મોડા, ખાનગીના વહેલા પાસ
સામાન્ય રીતે સરકારી હૉસ્પિટલોના ક્લેમ જલદી પાસ થતા નથી જ્યારે પ્રાઇવેટ હૉસ્પિટલોના ક્લેમ પાસ કરવામાં ઓછો સમય લાગે છે. આ મુદ્દા પર વારંવાર મૌખિક રજૂઆતો થઈ છે જ્યારે સરાકારી હૉસ્પિટલોનાં ફોર્મ ઓનલાઇન વધારે ચેક કરવામાં આવે છે. હવે કાર્ડિયાક પ્રોબ્લેમમાં એન્જિયોગ્રાફીની સીડીની પણ તપાસ થશે
કાર્ડિયાક હૉસ્પિટલોની ગેરરીતિ સામે આવતાં હવે અમે સોફ્ટવેર અપડેટ કરીશું. હવે એન્જિયોગ્રાફીની સીડી પણ તપાસ માટે હૉસ્પિટલોએ આપવી પડશે. એક જ હૉસ્પિટલ કે વ્યક્તિ પાસે રોજ કેટલા કેસ આવે છે? હૉસ્પિટલને એક જ દિવસમાં કેટલા ક્લેઇમ મંજૂરી માટે આવે છે? આ તમામ બાબતોનું સોફ્ટવેર અને અમારી ટીમ પણ તપાસ કરશે. > હર્ષદ પટેલ, આરોગ્ય કમિશનર