રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતો, મતભેદો સમાજ અને વિસ્તારને હકો સાથે વિકાસ અપાવવા માટે ઊભા થતા હોય છે. વાત જ્યારે પોતાના સમાજ અને વિસ્તારની હોય ત્યારે, રાજકીય પક્ષ હવામાં ઓગળી જતો હોય છે. આવા જ કંઈક દૃશ્યો બનાસકાંઠાના થરાદમાંથી સામે આવ્યા છે. થરાદના અરંટવામાં ગંગાથાળીના એક સામાજિક કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. કટ્ટર હરિફો એકસાથે દેખાયા
વાવ વિધાનસભાની ચૂંટણીનું મતદાન ગત 13 નવેમ્બરના રોજ થયું છે. જેની મતગણતરી હજી 23 નવેમ્બરના રોજ થશે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન એક બીજાના કટ્ટર વિરોધી નેતાઓ આજે થરાદના અરંટવા ગામે એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પરબત પટેલ, પૂર્વ ગૃહમંત્રી હરિભાઇ ચૌધરી, વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી, ધાનેરાના ભાજપના ધારાસભ્ય માવજી દેસાઇ, દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી, આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા સહિત અનેક પક્ષ-વિપક્ષના નેતાઓ એક મંચ પર એક સાથે જોવા મળતાં બનાસકાંઠા જિલ્લામાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ
વાવની પેટાચૂંટણીમાં અને એની પહેલાં પણ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોર વચ્ચે ઘણીવાર વાક યુદ્ધ છેડાયું છે. આ તરફ વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી પણ શંકર ચૌધરી પર આક્ષેપ કરતા આવ્યા છે. પરંતુ, આજે સમાજના કાર્યક્રમમાં આ તમામ નેતાઓ મતભેદ ભૂલીને એક મંચ પર જોવા મળતાં રાજકીય વર્તુળોમાં તરહ તરહની ચર્ચાઓ શરૂ થઇ છે. દાનની સરવાણી વહેતી થઇ
ગંગાથાળીના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે શૈક્ષણિક સંસ્થા ખાતે એક કરોડ અગીયાર લાખ એક સોને અગિયાર રૂપિયાનું દાન શિક્ષણ માટે આપ્યું છે. શિક્ષણ પ્રેમી માંગીલાલ પટેલ દ્વારા કોણ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એવી અભિલાષા સાથે દાનની સરવાણી વહેતી કરી હતી. તો થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ 22 લાખ રુપિયાનું દાન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ કરવી હોય તો બે વાત હંમેશા કરવી પડે, પહેલું વ્યસન મુક્તિ અને બીજું શિક્ષણ એ ખુબ મહત્વનું છે. શિક્ષણ વગર કોઈ પણ વ્યક્તિ કે સમાજની પ્રગતિ થતી નથી.