પાટણમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ ધારપુર મેડિકલ કૉલેજમાં ABVP તરફથી ભારે વિરોધ દર્શાવાયો. મોડીરાતે વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો
શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ડૉ.જયેશ પંચાલે જણાવ્યું હતું કે, શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. સ્પષ્ટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.. 5 સિનિયર સ્ટુડનન્ટ્સ સામે ફરિયાદ
આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જ વા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરીક ટોચેર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી
આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઉભી થઇ છે. ડોક નીચે રખાવી ત્રણ કલાક ઉભા રાખ્યા: વિદ્યાર્થી
આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યે અમને રુમમાં બોલાવવામાં આવ્યા હતા. જેનો મેસેજ વોટ્સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો વગેરે પુછ્યું હતું. આ બાદ અમને બેસાડી દેવામાં આવ્યા હતા. એ બાદ એક અન્ય સિનિયર આવ્યા હતા, જેમણે અમને ત્રણ કલાક જેટલા ઉભા રાખ્યા હતા અને ઘણા સવાલો પુછ્યા હતા. આ દરમિયાન અમને ડોક નીચે રાખીને ઉભા રહેવા કહ્યું હતું અને એકદમ કડકાઇથી અમને બધુ પુછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. જેને અમે હોસ્પિટલ લઇ આવ્યા હતા. એક મહિના પહેલાં ભણવા આવ્યો હતો: વિદ્યાર્થીના સગા
આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણિયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે. જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે: કોલેજના ડીન
બીજી તરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે અનિલ મેથાણિયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો. જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. અમારા ડોક્ટરોએ તેની સારવાર કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે અન્ય વિદ્યાર્થી સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરી હતી. જે બાદ આ ઘટના બની છે. જો તપાસમાં રેગિંગની વાત બહાર આવશે તો અમારી કમિટી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેશે. પી.એમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણી શકાશે: પીઆઇ
આ અંગે બાલીસણા પીઆઇ જે સોલંકી એ જણાવ્યું હતું કે, યુવક એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે: DySp
DySp કે.કે.પંડ્યા એ જણાવ્યું હતું કે, બાલીસણા ખાતે આજ રોજ નટવરભાઈ રાઘવજી પટેલ આવીને જાહેરાત કરી કે તેમનો દીકરો અનિલ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમ બીબીએસમાં અભ્યાસ કરતો હતો તેનું ધારપુર બોયઝ હોસ્ટેલમાં રાત્રી દરમ્યાન ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની બાલીસના પોલીસ સ્ટેશન ખાતે વિગત વાર જાહેરાત કરતા બી એન એસની કલમ 194 મુજબ અકસ્માતે મોત દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ મરણ જનાર વિદ્યાર્થીનું વીડિયો ગ્રાફીથી તેમજ પેનલ ડોકટરથી પીએમ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે અને ધારપુર હોસ્પિટલના સાતાવાળા પાસે વિગત વાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. 6 મહિના પહેલાં AMCની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં થયું હતું રેગિંગ
24 મે, 2024ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમને સાત દિવસ સુધી જમવાનું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર સુધી લખાવતા એવી કનડગત કરવામાં આવતી હતી. આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ બે મહિલા અને બે પુરુષ ડોક્ટર સહિત ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં બનેલી રેગિંગની ઘટનાઓ UGCની કડક ગાઈડલાઈન બાદ પણ બની રહ્યા છે રેગિંગના બનાવ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રેગિંગ અને વિદ્યાર્થીની આત્મહત્યાના વધતા જતા કેસોને ઘટાડવા માટે કડક એન્ટિ-રેગિંગ માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.. યુજીસીએ કહ્યું હતું કે જો રેગિંગનો કોઈ મામલો પ્રકાશમાં આવશે તો સંબંધિત કોલેજ કે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને રજિસ્ટ્રારને જવાબદાર ગણવામાં આવશે. હવે રેગિંગના કિસ્સામાં પ્રિન્સિપાલ અને રજિસ્ટ્રારને નેશનલ એન્ટિ રેગિંગ મોનિટરિંગ કમિટીને જવાબ આપવો પડશે. યુજીસીએ જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે, રેગિંગ એ ફોજદારી ગુનો છે અને UGCએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના જોખમને રોકવા માટે નિયમો ઘડ્યા છે, જેથી રેગિંગની ઘટનાઓને અટકાવવા અને નાબૂદ કરવામાં આવે. કમિશને એ પણ સૂચના આપી હતી કે જો કોઈ સંસ્થા રેગિંગને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જાય અથવા આ નિયમો અનુસાર કાર્ય કરતી નથી અથવા રેગિંગની ઘટનાઓના ગુનેગારોને યોગ્ય રીતે સજા કરવામાં નિષ્ફળ જાય છે તો UGC દ્વારા તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. યુજીસીએ કહ્યું હતું કે, જો આ દિશાનિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે તો સંસ્થાના પ્રિન્સિપાલ અને નોડલ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. યુજીસીએ રેગિંગને અંકુશમાં લેવા માટે રચાયેલી એન્ટિ રેગિંગ મોનિટરિંગ કમિટીના કાર્યોની પણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે આ કમિટી બનાવવાનું સૂચન કર્યું છે અને તેના કાર્યો પણ કોર્ટે 5 મુદ્દામાં નક્કી કર્યા છે. કેન્ટીન-લાઇબ્રેરી સહિતની જગ્યાએ 8 X 6 ફૂટના પોસ્ટર લગાવવા
પ્રવેશ કેન્દ્ર, વિભાગો, પુસ્તકાલય, કેન્ટીન, હોસ્ટેલ, સામાન્ય સુવિધાઓ વગેરે જેવા તમામ મહત્વના સ્થળોએ એન્ટિ-રેગિંગ પોસ્ટરો પ્રદર્શિત કરવાનો પણ યુજીસી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ પોસ્ટરો UGC વેબસાઇટ ugc.ac.in પર ઉપલબ્ધ છે. પોસ્ટરની સાઈઝ 8×6 ફૂટ હોવી જોઈએ. રેગિંગ ઘટના અટકાવવા માટે આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 8 મહિના પહેલા HCમાં સોગંદનામું કર્યું હતું
રાજ્યભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના નિયમો અંગે સરકારે આઠ મહિના પહેલા હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. સરકારે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત રેગિંગ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો. એન્ટિ રેગિંગ કમિટીમાં આટલા લોકોનો સમાવેશ
એન્ટિ રેગિંગ કમિટીનું નેતૃત્વ સંસ્થાના વડા દ્વારા કરાશે. તેમાં ફેકલ્ટી સભ્યો, વાલીઓ, ફ્રેશર કેટેગરીના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર્સ તેમજ નોન ટીચિંગ સ્ટાફના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ સંસ્થામાં એન્ટિ રેગિંગ પ્રવૃત્તિઓ પર નજર રખાશે. એન્ટિ રેગિંગ સ્કવોડની ભલામણોને ધ્યાનમાં લેવાશે. દોષિતોને યોગ્ય સજાના નિર્ણયો કરાશે. રેગિંગના સ્કવોડના વડા દ્વારા કેમ્પસના વિવિધ વિભાગોના સભ્યોનો સમાવેશ કરાશે. ટુકડીમાં તકેદારી, દેખરેખ પેટ્રોલિંગ કરવા તે મુખ્ય કાર્યો રહેશે. દરેક સમયે મોબાઈલ એલર્ટ એક્ટિવરખાશે. હોસ્ટેલ અને અન્ય હોટ સ્પોટ પર દરોડા પાડવા માટે સત્તા અપાશે. આ સ્કવોડ રેગિંગની ઘટનાઓની તપાસ કરાશે. એન્ટિ રેગિંગ સમિતિને ભલામણ કરશે અને સમિતિના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ કામ કરશે. આ સાથે રેગિંગ પરનો એક મોનિટરિંગ સેલ હશે. આ બાબતોને રેગિંગ ગણવામાં આવશે
વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર અથવા અનુશાસનહીન પ્રવૃત્તિમાં શામિલ થવું. જેનાથી ફ્રેશર અથવા જુનિયર વિદ્યાર્થીમાં હેરાનગતિ, મુશ્કેલી અથવા માનસિક નુકસાન અથવા તેની ડર કે આશંકા પેદા થાય. ફ્રેશર અથવા કોઈ વિદ્યાર્થી સાથે અસભ્યતા સાથે વર્તવુ. કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક કે માનસિક રીતે હેરાનગતિ કરવી.