રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામ નજીક નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પોરબંદરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે શક્તિ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ધોરાજી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
આગ લાગ્યાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે એ પહેલાં જ ટ્રાવેલ્સ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી. સદનસીબે ટ્રાવેલ્સમાં બેઠેલ તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. વાયરિંગ શોર્ટ થતાં આગ લાગી
સમગ્ર બનાવને લઈને ડ્રાઇવર મનસુખ બારોટે જણાવ્યું કે, પોરબંદરથી રાજકોટ જતો હતો અને રસ્તામાં વાયરિંગ શોર્ટ થતાં આગ લાગી હતી. ત્યારે બસમાં ધુમાડા નીકળતા સમયસૂચકતા દાખવી પેસેન્જર, કન્ડક્ટરને બધાને સામાન સહિત બસમાંથી નીચે ઉતારી લેવાયા હતા. જેથી કોઈ જાનહાનિ થવા પામી નહોતી.