વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 3 દિવસ પહેલાં સ્નેહમિલન સમારંભમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નામ લઈને અકોટા વિધાનસભાએ બનાવેલા સદસ્યો સામે શંકા વ્યક્ત કરીને ‘તપાસનો વિષય છે’ તેવી ટિપ્પણી કરી હતી. જેનો જવાબ આપતાં ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે, સંશોધનનો વિષય તો એ છે તમે એ ચિંતા કરો કે, તમારા વખતે આ કેમ ન કરી શક્યા. તાજેતરમાં માંજલપુર વિધાનસભાના સ્નેહમિલન સમારંભમાં ધારાસભ્ય યોગેશ પટેલે ચૈતન્ય દેસાઈની અકોટા વિધાનસભાએ સૌથી વધુ સભ્યો કર્યા છે તે સંશોધનનો વિષય છે, તેમ કહી સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ સસલા અને કાચબાની વાર્તાનું ઉદાહરણ આપીને કાચબો આગળ નીકળી ગયો તેવો કટાક્ષ કર્યો હતો. દરમિયાન શનિવારે અકોટા વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને વળતો જવાબ આપ્યો હતો. ચૈતન્યના વિસ્તારમાં બનેલા સભ્યો ‘તપાસનો વિષય’- યોગેશ પટેલ
યોગેશ પટેલે કહ્યું હતું કે, સૌથી વધારે વોટ આવ્યા, સામેનાની ડિપોઝિટ જાય અને ઓછામાં ઓછા સભ્ય માંજલપુરમાં થાય અને વધુમાં વધુ ચૈતન્યમાં એ તો તપાસનો વિષય છે. તપાસ કરવી પડે. પણ આપણે કાચબો અને સસલાની વાત જાણો છો તેવું થઈ ગયું છે. આપણે બધા સૂઈ ગયા અને કાચબો આગળ જતો રહ્યો. તમારે વોર્ડમાં વધારે કામગીરી કરાવવી હોય 2025માં 50-50 સદસ્યો કરો તો પણ આપણ આગળ જતા રહીએ. બધાએ કાચબા અને સસલાની વાર્તા જ સાંભળી છે, અમે સાચું કરી બતાવ્યું- ચૈતન્ય દેસાઈ
વડોદરાની આકોટા વિધાનસભાના બેઠકના ભાજપના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે, આપણે એક મોટા નેતાએ એવું કહ્યું કે અકોટા વિધાનસભામાં આટલા બધા સભ્યો થયા એ સંશોધનનો વિષય છે. હું કહું છું કે હા, વાતો સાચી છે સંશોધનનો વિષય તો છે, પણ એ સંશોધનનો વિષય એ છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા કેમ ન થયા. એમને એવું પણ ઉદાહરણ આપ્યું કે, પહેલા કાચબા અને સસલા રેસ છે. હું કહું છું કે લોકોએ તો આટલાં વર્ષોથી વાર્તા જ સાંભળી છે, કોઈએ રેસ જોઈ છે, પરંતુ સાચું કરી બતાવ્યું છે. યોગેશ કાકા કહે છે કે, હું સસલો. મેં કહ્યું કે, એ તો મારી આવડત છે. અમે ધીમે ધીમે આગળ જતા હોઈએ છીએ પરંતુ સૌથી આગળ જવાનું છે. કથા સાંભળે અને પછી જતા રહે એવી દશા થઈ- યોગેશ પટેલ
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, મેં ત્રણ-ચાર વાર સદસ્યો વધારવા માટે કહ્યું હતું. પરંતુ, કથા સાંભળે અને પછી ખંખેરીને જતા રહે તેવી આપણી દશા થઈ છે. ભાજપમાં સભ્ય વધે તે માટે મેં વેપારીની ટીમ બનાવી. જે વધારેમાં વધારે સભ્ય બનાવે તેની બધી ગ્રાન્ટ આપવાની, તોય નથી થતા. દુનિયાની મોટામાં મોટી રમત હોય તો ફૂટબોલ. જે ટીમ હારે તેના પ્રેક્ષકો બધું તોડી નાખે. પરંતુ, આપણે બધા અસ્થિર નથી થયા. મહિલા સદસ્યોને સભ્યની સંખ્યા વધારવા કહ્યું
યોગેશ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા સદસ્યોને સંબોધીને કહ્યું હતું કે, બહેનોને 50 ટકા બેઠક જોઈએ અને તમારા 10 ટકાથી વધુ સભ્ય નથી બન્યા. આ હિસાબે સરકારે સીટો ઘટાડવી જોઈએ મારે રજૂઆત કરવી પડશે.