‘दयाहीनं निष्फलं स्यान्नास्ति धर्मस्तु तत्र हि।
एते वेदा अवेदा: स्यु र्दया यत्र न विद्यते।।’
એટલે કે દયા વગર કરેલા કામનું કોઈ ફળ મળતું નથી, એવા કામનો કોઈ ધર્મ પણ હોતો નથી. જ્યાં દયા નથી હોતી ત્યાં વેદ પણ નિષ્ફળ સાબિત થાય છે.આ જ ભાવના અને સંકલ્પ સાથે રાજકોટથી વીસેક કિલોમીટર દૂર દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. અસહાય, નિરાશ્રિત, બીમાર, લાચાર.. વૃદ્ધોને અહીં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા મળશે. વૃદ્ધોને પોતાનું જ ઘર લાગે એ માટે 30 એકર જમીનમાં 11-11 માળના 7 ટાવર ઊભા કરાઈ રહ્યા છે. ટાવરના દરેક માળ પર 16 ઓરડા હશે. ઉપરાંત આવનારા મુલાકાતીઓ માટે પણ ખંડ હશે. એ રીતે કુલ 1400 ઓરડા હશે. અહીં 5000 વૃદ્ધોને આશ્રય મળશે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે માળનો ડાઈનિંગ હોલ બનશે. લાઈબ્રેરી, યોગાસન ખંડ, પ્રાર્થના ખંડ વગેરે વિભાગો પણ બનશે. પ્રથમ ટાવરનું 70 ટકા કામ થઈ ચૂક્યુ છે. એપ્રિલ 2025માં તેનું ઉદઘાટન થશે. આ વૃદ્ધાશ્રમને સદભાવના ધામ તરીકે ઓળખાશે. સદભાવના ધામનું નિર્માણ રાજકોટના ઉદ્યોગપતિ વિજયભાઈ ડોબરિયા કરાવી રહ્યા છે. આશ્રમ માટે કુલ 300 કરોડનો ખર્ચ થશે અને એ સમગ્ર રકમ દાન દ્વારા આવી રહી છે. 200 વ્યક્તિની ટીમ એ માટે રાત દિવસ કામ કરી રહી છે. દરેક ટાવરમાં હોસ્પિટલ હશે, જેથી સારવાર માટે બહાર ન જવું પડે. આ ઉપરાંત ગાર્ડન, પાર્ટી પ્લોટ જેવી સુવિધાઓ આ સ્થળને ઘર જેવું જ વાતાવરણ પુરું પાડશે. જૈન વૃદ્ધો માટે દેરાસર સાથે અલગ ટાવર બનશે. કરોડોનો વેપાર-ધંધો છોડીને સેવાનું કામ શા માટે?
રસ્તેથી પસાર થતો હતો ત્યારે એક વૃદ્ધને લારી ચલાવતા જોયા. એમની આંખોમાં આસું હતા, પગમાં ચપ્પલ ન હતા. રીતસર કાંપી રહ્યા હતા. હું એમની પાસે ગયો. એમણે કહ્યું : ‘હું 70 વર્ષનો થયો છું. ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો, પણ હવે ઉંમરને કારણે ક્યાંય કામ મળતું નથી.સંપતિમાં એક રૂપિયો પણ નથી.ઘરે જતાં પણ શરમ આવે છે કેમ કે ત્યાં પત્ની ભૂખી છે. એને શું જવાબ આપવો? ઘરનું ભાડું 6 હજાર છે, જે પણ ઘણા મહિનાથી બાકી છે.’ એ વખતે મને વિચાર આવ્યો કે આવા તો અસંખ્ય લોકો છે. એમની મદદ ન કરી શકાય તો પૈસા શું કામના? બસ એ વખતે મેં નક્કી કર્યું કે વૃદ્ધો, નિરાશ્રિત, લાચાર, બેબસ માટે જ જીવવું છે. મેં આ વાત મારા બિઝનેસ પાર્ટનરને કરી અને કહ્યું કે તમે જ બધો વેપાર-ધંધો સંભાળો. મને ખાલી એટલો ભાગ આપજો કે મારુ ઘર ચાલ્યા કરે. એ પછી શરૂઆત કરી. એક મકાન ભાડે લઈ ત્યાં વૃદ્ધાશ્રમ બનાવ્યો. કોરોનાકાળમાં સંતાનોએ છોડી દીધા હોય એવા 20 વૃદ્ધોને મદદ કરવાથી શરૂઆત કરી. સમય જતાં વૃદ્ધોની સંખ્યા વધતી ગઈ, 40 થયા, પછી 100 થયા. બીજી તરફ લોકોએ પણ દાનની સરવાણી વહેવડાવી. રાશન પણ મળવા લાગ્યું. એટલું થયું ત્યા ઘરમાં થોડી સમસ્યા થઈ. પરિવારજનો નારાજ થયા. મેં પરિવારને સમજાવ્યું કે તમે મને શિક્ષક બનાવવા માંગતા હતા, એમ સમજો કે હું અહીં શિક્ષણકાર્ય જ કરુ છું. એક શિક્ષકને જે પગાર મળે છે એટલા પૈસા હું દર મહિને ઘરમાં આપતો રહીશ. બસ મને રોકશો નહીં. એ રીતે સંકલ્પ આગળ વધ્યો અને હવે તો રાજકોટ કે ગુજરાત નહીં સમગ્ર દેશના વૃદ્ધોને ઘર જેવું ઘર જોવાનું સપનું મને ખુલ્લી આંખે દેખાય છે. ત્યાં આવનાર વૃદ્ધોને આધ્યાત્મિક શાંતિ મળે એ જ મારો પ્રયાસ છે. સેવા પરમોધર્મ બીમાર વૃદ્ધો ઉપરાંત કૂતરાંની પણ સેવા વૃદ્ધોની એકલતા ભાગવા તેમની વાત સાંભળવાની પણ નોકરી!
વૃદ્ધોની એક મોટી સમસ્યા એકલતા છે. એ માટે ખાસ ટીમ કાર્યરત રહેશે જે સતત એમને સાંભળે. એમનો ગુસ્સો, પરેશાની, એમના અનુભવો, સુખ-દુખ બધુ જ પ્રેમપૂર્વક કાન દઈને સાંભળે. આ ટીમનું માત્ર આ જ કામ હશે અને એ માટે પગાર મળશે. ટીમ પર પણ સતત નજર રહેશે. સેવકો નહીં, પગારદાર કર્મીઓ કામ કરશે
વૃદ્ધોની સારવાર-દેખભાળ માટે 100 લોકોની ટીમ બનશે. આશ્રમ ભલે ડોનેશનથી ચાલવાનો હોય પણ અહીં કામ કરનારા સૌ કોઈને પગાર મળશે. જેથી કામમાં તેમનો રસ જળવાઈ રહે, કામમાં આળસ કે બેફિકરાઈ ન આવે. વૃદ્ધોની નાની-મોટી દરેક જરૂરિયાતનું ધ્યાન રખાશે
વૃદ્ધોની નાની-મોટી તમામ સુવિધાઓનું અહીં ધ્યાન રખાશે. દરેક ટાવરમાં 2 લિફ્ટ છે. એ ઉપરાંત પગથિયાની ઊંચાઈ 4.5થી 6 ઈંચ જ રખાઈ છે, જેથી ચડવામાં મુશ્કેલી ન થાય. દરેક ઓરડામાં બે વોશરૂમ છે, જેથી રાહ ન જોવી પડે. ઓરડામાં સીસીટીવી હશે, જેથી ઈમર્જન્સી વખતે કન્ટ્રોલરૂમ તુરંત મદદ મોકલી શકે.