રાજકોટના ઇતિહાસની સૌથી ગોઝારી ઘટના એટલે TRP ગેમઝોન અગ્નિકાંડ.. ગત 25 મે, 2024ના રોજ થયેલા TRP ગેમઝોન અગ્નિકાંડને આજે 6 માસ પૂર્ણ થતા પણ રાજકોટ મહાનગરપાલિકામાં બાંધકામને લગતી મહત્વપૂર્ણ કામગીરીની મંજૂરી ગોકળ ગાયની ગતિએ આગળ વધી રહી છે. બિલ્ડરો દ્વારા મુકવામાં આવતા પ્લાન દિવસો સુધી પાસ કરાતા નથી. કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં બિલ્ડરોને નાકે દમ આવી જાય છે. ગેમઝોન અગ્નિકાંડ બાદથી આજ દિવસ સુધીમાં બાંધકામ પ્લાન અને કમ્પ્લીશન સર્ટિફિકેટની ફાઈલોના થપ્પા લાગ્યા છે અને તેના કારણે અનેક પ્રોજેક્ટ વિલંબમાં પડ્યા છે. 2500થી વધુ ફાઈલો છેલ્લા છ મહિનાની અંદર પેન્ડિંગ
એક આંકડાકીય માહિતી મુજબ 2500થી વધુ ફાઈલો છેલ્લા છ મહિનાની અંદર પેન્ડિંગ પડી છે, જેની પાછળ મુખ્ય કારણ બિલ્ડર લોબી દ્વારા મનપામાં ટીપી તેમજ ફાયર વિભાગમાં મુખ્ય અધિકારીની બે જગ્યા ખાલી હોવાનું કારણ માનવામાં આવે છે અને આ જગ્યા માટે ભરતી કરી રાજકોટના વિકાસને આગળ વધારવામાં આવે તે માટે સરકાર સુધી રજુઆત કરવામાં આવી રહી છે. નવા આવેલા સ્ટાફને નિયમોનો પૂરતો ખ્યાલ નથી
રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ લાડાણીએ જણાવ્યું હતું કે, TRP ગેમઝોન અગ્નિકાંડ પછી રાજકોટમાં બાંધકામ ક્ષેત્રને મોટી અસર થવા પામી છે. બાંધકામ ક્ષેત્રમાં ટીપી શાખા તેમજ ફાયર વિભાગની કામગીરી અગત્યતા ધરાવે છે. રાજકોટ મનપામાં આજે આ બન્ને વિભાગમાં મુખ્ય અધિકારીની જગ્યા ખાલી છે. ઇન્ચાર્જથી વહીવટ ચાલી રહ્યો છે જેના કારણે નિર્ણયો થઇ શકતા નથી અને ફાઈલો પેન્ડિંગ પડી રહી છે. છેલ્લા છ મહિનાની વાત કરી તો લગભગ બેથી ત્રણ હજાર ફાઈલો પેન્ડિંગ હશે. નવા આવેલા સ્ટાફને GDCR અને અન્ય નિયમો પૂરતા ખ્યાલ ન હોવાથી કામ ગોકળ ગતિએ થઇ રહ્યા છે. કાયમી અધિકારી નિમણુંક થાય તો આ કામ ઝડપભેર આગળ વધી શકે. અધિકારીઓની જગ્યા ભરી રાજકોટનો વિકાસ આગળ વધારે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે બિલ્ડર એસોસિએશન દ્વારા રાજકોટના અધિકારીઓ પદાધિકારીઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને ગાંધીનગર સુધી પણ આ મામલે રજુઆત કરવામાં આવી છે. ટીપી વિભાગ અને ફાયર વિભાગમાં મુખ્ય અધિકારીની કાયમી નિમણુંક કરી કામગીરી આગળ વધારવામા આવે એવી અમે માંગ કરી છે. આ વખતે તો એવું પણ બન્યું છે કે નવરાત્રી અને દિવાળી જેવા શુભ દિવસોમાં પણ કોઈ નવા બિલ્ડીંગ કામ શરૂ નથી થઇ શક્યા કારણ કે, પ્લાન કંપ્લીશન મળે નહીં તો કામ થઇ શકે નહીં. માટે હવે દેવદિવાળી પણ પૂર્ણ થઇ જતા હવે તાત્કાલિક અસરથી આ અંગે નિર્ણય કરી અધિકારીઓની જગ્યા ભરી રાજકોટનો વિકાસ આગળ વધારવામાં આવે એવી અમારી માંગ છે. કોર્પોરેશનમાં હાલ મોટાભાગનો વહિવટ ઇન્ચાર્જના હવાલે છે
અગ્નિકાંડની ઘટનાના આરોપી તરીકે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા અને પૂર્વ સીએફઓ ઈલેશ ખેર સહિત કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. કોર્પોરેશનમાં હાલ મોટાભાગનો વહિવટ ઇન્ચાર્જના હવાલે છે. બાંધકામ માટે રોજ નવા-નવા નિયમો જાહેર કરવામાં આવતા હોવાના કારણે બિલ્ડરોએ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ બિલ્ડીંગ પ્લાનને મંજૂરી આપવામાં મહિનાઓ કાઢી નાખવામાં આવે છે અને તૈયાર થઈ ગયેલા બિલ્ડીંગોને વપરાશની પરવાનગી આપવામાં વિલંબ થઇ રહ્યો છે સમયસર પઝેશન મળતા નથી. સાથે લો-રાઇઝ બિલ્ડીંગોના પ્લાન પણ મંજૂર કરાતા નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનાની સૌથી વધુ અસર રાજકોટના બાંધકામ ઉદ્યોગને પડી છે. શહેરમાં બિલ્ડીંગના નિર્માણની કામગીરી અટકી પડી છે. આટલું જ નહીં હાઈરાઈઝ તો ઠીક પણ સાથે સાથે લો-રાઇઝ બિલ્ડીંગોના પ્લાન પણ મંજૂર કરવામાં આવતા નથી. બાંધકામ માટેની 2500થી વધુ અરજીઓ પેન્ડીંગ છે. જીડીસીઆરના નિયમનો સામાન્ય ભંગ થતો હોય તો પણ બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવામાં આવતો નથી. જેના કારણે ફાઈલોના થપ્પા લાગી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.