ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે. જોકે, સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. આ ઘટના બાદ વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપની ચેટ બહાર આવી છે. જેમાં વિસ્તાર વાઇઝ વિદ્યાર્થીઓને બોલાવીને રેગિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી
આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી છે. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઉભી થઇ છે. ડોક નીચે રખાવી ત્રણ કલાક ઉભા રાખ્યા: વિદ્યાર્થી
આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યે અમને રુમમાં બોલાવવામાં આવ્યા હતા. જેનો મેસેજ વોટ્સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો વગેરે પુછ્યું હતું. આ બાદ અમને બેસાડી દેવામાં આવ્યા હતા. એ બાદ એક અન્ય સિનિયર આવ્યા હતા, જેમણે અમને ત્રણ કલાક જેટલા ઉભા રાખ્યા હતા અને ઘણા સવાલો પુછ્યા હતા. આ દરમિયાન અમને ડોક નીચે રાખીને ઉભા રહેવા કહ્યું હતું અને એકદમ કડકાઇથી અમને બધુ પુછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. જેને અમે હોસ્પિટલ લઇ આવ્યા હતા. એક મહિના પહેલાં ભણવા આવ્યો હતો: વિદ્યાર્થીના સગા
આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણિયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે, એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે. જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે: કોલેજના ડીન
બીજી તરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે અનિલ મેથાણિયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો. જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. અમારા ડોક્ટરોએ તેની સારવાર કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે અન્ય વિદ્યાર્થી સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરી હતી. જે બાદ આ ઘટના બની છે. જો તપાસમાં રેગિંગની વાત બહાર આવશે તો અમારી કમિટી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેશે. પી.એમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણી શકાશે: પીઆઇ
આ અંગે બાલીસણા પીઆઇ જે સોલંકી એ જણાવ્યું હતું કે, યુવક એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે: DySp
DySp કે.કે.પંડ્યા એ જણાવ્યું હતું કે, બાલીસણા ખાતે આજ રોજ નટવરભાઈ રાઘવજી પટેલ આવીને જાહેરાત કરી કે તેમનો દીકરો અનિલ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમ બીબીએસમાં અભ્યાસ કરતો હતો તેનું ધારપુર બોયઝ હોસ્ટેલમાં રાત્રી દરમ્યાન ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની બાલીસના પોલીસ સ્ટેશન ખાતે વિગત વાર જાહેરાત કરતા બી એન એસની કલમ 194 મુજબ અકસ્માતે મોત દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ મરણ જનાર વિદ્યાર્થીનું વીડિયો ગ્રાફીથી તેમજ પેનલ ડોકટરથી પીએમ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે અને ધારપુર હોસ્પિટલના સાતાવાળા પાસે વિગત વાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રેગીંગના આક્ષેપ બાબતે મેડિકલ કોલેજ પાસેથી અહેવાલ માંગ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ જેમાં કાઈ ગુના હિત કૃત્ય થયેલું જણાશે તો ગુનાહિત કૃત્યની જે કોઈ કલમ હશે એ પ્રમાણે કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 6 મહિના પહેલાં AMCની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં થયું હતું રેગિંગ
24 મે, 2024ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (AMC MET) દ્વારા સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમને સાત દિવસ સુધી જમવાનું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર સુધી લખાવતા એવી કનડગત કરવામાં આવતી હતી. આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ બે મહિલા અને બે પુરુષ ડોક્ટર સહિત ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં બનેલી રેગિંગની ઘટનાઓ રેગિંગ કરનારાને બે વર્ષની જેલ, 10 હજારનો સુધીનો દંડ