સુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પરચાલકે સાઇકલ લઈને ટ્યૂશન જતા વિદ્યાર્થીને બુલેટની સ્પીડે અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સિગ્નલ બંધ હતું કે ચાલુ તે અંગે તપાસ કરાશે
આ ઘટના અંગે કે. એલ. ગાધે (પીઆઈ, પાલ પોલીસ)એ જણાવ્યું હતું કે, આ અકસ્માત મામલે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને ડમ્પરને કબજે કરી લેવામાં આવ્યું છે. આ સાથે જ ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે ભારે વાહનો દ્વારા થતા અકસ્માતને પગલે ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે. CCTV આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે, ચાલુ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ઘરેથી ટ્યૂશન જવા માટે નીકળ્યો હતો
મળતી માહિતી પ્રમાણે, જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોળિયા પરિવાર સાથે રહે છે. કન્સ્ટ્રકશન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરો નામે વેદાંત ઉ.વ.13 છે. જે ગૌરવપથ રોડ ખાતે આવેલ એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. વેદાંત ઘરેથી તેની સાઈકલ લઈ ગૌરવપથ રોડ બેલેજિયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યૂશન જવા નીકળ્યો હતો. જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું
વેદાંત બપોરના સવા ત્રણેક વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પિટલ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો. તે વખતે એક ડમ્પર ટ્રક (GJ -21-W-2747)ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હંકારી વેદાંતની સાઈકલ સાથે એક્સિડન્ટ કરી ભાગી ગયો હતો. વેદાંતને જમણા પગની જાંઘના ભાગે ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હતું. ડમ્પરચાલકે બાળકને ફૂટબોલની જેમ ફગાવ્યો
આ અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પરચાલક પૂરપાટ ઝડપે આવે છે. આ દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખૂલી ગયું હોવાથી તે સાઇકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પરચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફગાવી દે છે. આ મામલે હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડમ્પરચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે. આગળ પણ ડમ્પરચાલકોએ અકસ્માત કરતા ઘણા લોકોએ ભોગ પણ બનવું પડ્યું છે. ત્યારે પાલ વિસ્તારમાં ડમ્પરચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જોકે તેને ગંભીર ઇજા થઈ હતી. પણ રામ રાખે તેને કોણ ચાખે તેઓ આ કિસ્સો બની ગયો છે. એક મહિના પહેલાં જ વૃદ્ધ કચડાયા હતા
એક મહિના પહેલાં જ સુરતના ભેસ્તાનથી ઉન પાટિયા ચાર રસ્તા પર એક વૃદ્ધ સાઇકલ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી કાળરૂપી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ત્યારબાદ ટ્રકના આગળના ટાયર સહિત 7 જેટલાં ટાયર તેમના પરથી ફરી વળ્યાં હતાં, જેથી વૃદ્ધના શરીરના ટુકડા થઈ ગયા હતા. 14 ટાયરવાળી ભારે ભરખમ ટ્રક વૃદ્ધ પરથી ફરી વળતાં શરીરના અમુક ભાગો રોડ પર ચીપકી ગયા હતા. 6 વર્ષમાં અકસ્માતથી 44,480 લોકોનાં મોત
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લાં છ વર્ષમાં એટલે કે 2018થી 2023 સુધીમાં કુલ 96,499 અકસ્માત બન્યા છે, જેમાં 44,480 જેટલા લોકોનાં મોત થયાં છે. જ્યારે ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરી 2024થી ઓગસ્ટ 2024ના મહિના સુધીમાં રાજ્યમાં 21,193 જેટલાં વાહનોના અકસ્માતો થયા છે, જેમાં 10,260 લોકોનાં મોત થયાં છે. આમ, રાજ્યમાં ડેથ રેશિયો 50 ટકા જેટલો ઊંચો છે. ગુનાહિત પ્રવૃતિઓના કેસ
ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં હેલ્મેટ વગરના 1.55 લાખ, સીટ બેલ્ટ વગરના 73 હજાર, ઓવરસ્પીડના 51 હજાર, સિગ્નલ ભંગના 1.37 લાખ, દારૂ પીને વાહન ચલાવવાના 4,351 કેસ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગના 47 હજાર કેસ નોંધાયા છે. ડમ્પરે પળવારમાં એક વર્ષના માસૂમને કચડી નાખ્યો
તો બીજી તરફ મોરબીના બેલા ગામની સીમમાં આવેલા કારખાનાની અંદર ડમ્પરચાલકે વળાંક લેતા સમયે ત્યાં રમી રહેલા એક વર્ષના બાળકને અડફેટે લીધું હતું. ડમ્પરના સાઇડના ટાયરના જોટા નીચે માસૂમ બાળક કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળેર જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ ડમ્પરચાલક સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…