અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 16 નવેમ્બરના શનિવારે રાત્રિના શાકભાજીના વેપારીની ફાયરિંગ કરી જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી હતી. આ ફાયરિંગની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગતા નજરે પડ્યા હતા. જોકે, આ પહેલાં 14 ઓક્ટોબરે પણ વેપારી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓ બચી ગયા હતા. પરંતુ શનિવારે તેઓ બચી શક્યા નહીં, ત્યારે આ મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કેસમાં વેપારીની હત્યા માટે 25 લાખની સોપારી આપવામાં આવી હતી. ભત્રીજાએ હત્યાની 25 લાખની સોપારી આપી હતી
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ હત્યા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતક બદામજી છમનાજી મોદીના ભત્રીજા અશોકે સોપારી આપી હતી. મૃતક અને આરોપી બંને સિરોહીના રહેવાસી છે અને બંને શાકભાજીના બિઝનેસમાં જોડાયેલા છે. આરોપી ભત્રીજા અશોકના પિતાની એક વર્ષ પહેલા હત્યા થઈ હતી. અને તેને શંકા હતી કે તેના પિતાની હત્યામાં મૃતકનો પુત્ર સામેલ છે. તેમજ અઢી કરોડની 40 વિઘા જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેને લઇને ભત્રીજા અશોકે મૃતક બદામજી મોદીની હત્યાની અનુ રાજપુત નામના વ્યક્તિને 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્રણેય આરોપી ફાયરિંગ કરી બાઈક પર ભાગી ગયા હતા
આરોપી અનુ રાજપુત, કુલદિપ અને અંકિત ભદોરિયા આ ત્રણેયે મળીને બદામજી મોદી પર ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ હત્યા કરી આ ત્રણેય આરોપી બાઈક પર ભાગી ગયા હતા. જોકે, આરોપીઓ પહેલાં રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાં ટ્રેન ન મળતા બસમાં ભાગ્યા હતા. પરંતુ અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTVના આધારે તેમને ટ્રેક કર્યા અને તેમને રતલામ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેમણે આ ગુનો કબુલ કર્યો હતો અને અશોક જેની પર પહેલાથી શંકા હતી તેણે લોકો પોલીસની પૂછપરછમાં સોપારી આપી હોવાની કબુલાત કરી હતી. હાલ આ કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આરોપીઓ અલગ અલગ જગ્યાએથી છે. એક આરોપી ભીંડથી છે, બીજો આરોપી મોરેનાથી છે. જ્યારે ત્રીજો આરોપી કાનપુરથી છે. આ ત્રણેય આરોપીઓ અહીં શાકભાજીની લારીઓ પર લોડિંગ અને અનલોડિંગનું કામ કરતા હતા અને દિવસના 300થી 400 રૂપિયા કમાતા હતા. અનુ રાજપુતે પૂછપરછમાં જણાવ્યું હતું કે, હથિયાર અશોકે અમને આપ્યું હતું. જ્યારે અશોકનું કહેવું છે કે હથિયારની વ્યવસ્થા તેમણે કરી હતી. જોકે, કુલદિપે ફાયરિંગ કર્યું હતું. અને આ હથિયાર મધ્યપ્રદેશનું હોવાનું સામે આવ્યું છે. એક મહિના પહેલાં પણ મૃતક પર હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલાં વેપારી બદામજી છમનાજી મોદી પર છરીથી હુમલો કરાયો હતો, ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ, પોલીસે યોગ્ય તપાસ કરી કાર્યવાહી ન કરી હોવાનો મૃતકના પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના દીકરાએ કહ્યું કે, જો પોલીસે કાર્યવાહી કરી હોત તો મારા પિતા બચી ગયા હોત. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરી હત્યા નિપજાવી
અમદાવાદના નહેરૂનગરથી માણેકબાગ રોડ પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખસ દ્વારા શાકભાજીના વેપારી પર 16 નવેમ્બરના શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનના સિહોરીના રહેવાસી અને અમદાવાદમાં બોરાણા વેજિટેબલની દુકાન ચલાવતા બદામજી છમનાજી મોદી (મારવાડી) (ઉ.વ. 65) પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, બદામજી છમનાજી મોદી કાનના ભાગે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.