આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઇ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસમથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે પોલીસે પીડિતાના પરિવાર સાથે મારામારી કરનાર દીપુ પ્રજાપતિના સાગરીતોને ઝડપીને પુછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે, દીપુ પ્રજાપતિના કાળા કારનામાં બહાર આવતાં જ ભાજપે તાત્કાલિક એને સસ્પેન્ડ કરી દીધો છે. મતદાર સ્લીપ આપવાના બહાને નંબર મેળવ્યો હતો
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના BJP કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ છએક માસ અગાઉ મતદાર સ્લીપ આપવાના બહાને એક પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તેણી સાથે વાતચીત શરૂ કરી હતી. જે બાદ બને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેણીના પતિને મોકલવાની ધમકીઓ આપી પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ સિલસિલો યથાવત્ હતો. દુષ્કર્મ આચરતા રંગેહાથ ઝડપાયો હતો
જે બાદ ગત શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો તે વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે, તે વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતાં દીપુ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ દરમિયાન બુમાબુમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી
બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેમના સાગરિતો લાકડી, પાઈપ જેવા હથીયાર લઈને દોડી આવ્યાં હતાં અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો સામેપક્ષે પરિણીતાના પરિવારજનો તેમજ પાડોશીઓએ કરેલા હુમલામાં આ દીપુ પ્રજાપતિ ઘાયલ થયો હતો. જેથી દિપુ પ્રજાપતિ સૌપ્રથમ નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી અને ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. દીપુ પ્રજાપતિ ફરાર, સાગરિતો ઝડપાયા
આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.ડી.ઝાલાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અમે ભોગ બનનારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હજી સુધી પકડાયો નથી, પરંતુ, મારામારીમાં સામેલ તેના બે સાગરીતોની અટકાત કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. BJPએ દીપુ પ્રજાપતિને સસ્પેન્ડ કર્યો
ઉલ્લેખનીય છે કે, દીપુ પ્રજાપતિના કાળા કારનામા બહાર આવતાં ભારતીય જનતા પાર્ટીએ તુરંત જ આ દીપુ પ્રજાપતિને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી સસ્પેન્ડ કર્યો છે. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સહી સાથેના પત્રમાં લખ્યું છે કે, આપ દિલીપભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ (રહે.શિવકૃપા સોસાયટી, વૃંદાવન સોસાયટી પાછળ, વલ્લભ વિદ્યાનગર રોડ, આણંદ) આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર છો. આજરોજ અમોને મળેલી માહિતી મુજબ આપના વિરૂદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે. જે પાર્ટીની ગરીમાને નુકસાનકર્તા હોવા સાથે પક્ષની શિસ્તભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચના અનુસાર આપને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પણ વાંચો: રંગેહાથ ઝડપાતાં ભાઈઓ અને સાગરિતોને બોલાવી પરિણીતાના પરિવારને માર માર્યો