(આલ્બર્ટાનાં એડમેન્ટનથી મનીષ પટેલનો રિપોર્ટ)
કેનેડામાં દિવાળી સમયે હિન્દુ મંદિરો પર થયેલા હુમલાના વિરોધમાં હવે કેનેડામાં રહેતા હિન્દોએ એક થવા લાગ્યા છે. આમ તો ઘણા સમયથી કેનેડામાં કેટલીક પ્રવૃતિઓમાં હિન્દુઓને અલગ ને અલગ રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા પણ આ વખતે દિવાળીએ મંદિર પર થયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. હવે ધીરે ધીરે કેનેડાનાં નાના નાના શહેરોમાં ખાલિસ્તાની આતંકીઓ સામે હિન્દુઓ એક થઇ રહ્યા છે. શાંતિમય કાર રેલી યોજાઇ
શનિવારે આલ્બર્ટાનાં એડમેન્ટન શહેરમાં ડ્રાઇવ ફોર યુનિટી હેઠળ શાંતિમય કાર રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓ જોડાયા હતા અને ખાલિસ્તાની આતંકીઓએ મંદિર પર કરેલા હુમલાનો વિરોધ કર્યો હતો. રેલી દરમિયાન તમામ કાર પર કેનેડાનો ધ્વજ તેમજ વિવિધ પ્રકારના બેનર્સ લગાવાયા હતા. સાથે જ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાયું હતું. અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો
રેલી દ્વારા તમામ લોકોએ એક થઇને સરકાર અને ભાંગફોડિયા તત્વોને એક સંદેશો આપ્યો હતો કે કેનેડામાં બધા શાંતિથી રહી શકે છે અને પોતાની રીતે ધાર્મિક ઉત્સવોની શાંતિથી ઉજવણી પણ કરી શકે છે. રેલીમાં જોડાયેલા લોકોએ મંદિરો પર થતાં હુમલા અને નફરતનું વાતાવરણ ઊભું કરતાં અસામાજિક તત્વો સામે એક થઇને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતી સહિત અનેક સંગઠનોનો ટેકો
આ રેલીને ગરવી ગુજરાત એસોસિએશન ઓફ કેનેડા, શિરડી સાંઇબાબા મંદિર એડમેન્ટન, કેનેડિયન હિન્દુ એસોસિએશન, ગુજરાત ભવન ફાઉન્ડેશન, ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, હિન્દુ સોસાયટી ઓફ બ્યુમોન્ટ, યોગી ડિવાઇન સોસાયટી કેનેડા, આલ્બર્ટા ગુજરાતી એસોસિએશન, પટેલ સમાજ ઓફ એડમેન્ટન, વૈષ્ણવ સેન્ટર ઓફ આલ્બર્ટા, શ્રી ધર્મ સંસ્થા હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ એડમેન્ટન, બ્રાહ્મણ સમાજ ઓફ એડમેન્ટન, ભારતીય હિન્દુ કલ્ચરલ સોસાયટી, સૌરાષ્ટ્ર પટેલ સમાજ ઓફ કેનેડા, હિન્દુ સોસાયટી ઓફ કેલગેરી, ISSO એડમેન્ટન, વડતાલધામ એડમેન્ટન, પૂર્ણિમા ઠુમરી ફાઉન્ડેશન, હેલ્પિંગ બ્રો, વિશ્વ હિન્દુ પરિષદ કેનેડા સહિતના ઘણા સંગઠનોનો ટેકો મળ્યો હતો.