દાહોદ જિલ્લાના રહીશ સેજલબેન પ્રદીપસિંહ રાઠોડ નામના 26 વર્ષના રાજપુત મહિલા તાજેતરમાં મીઠાપુર ખાતે રહેતા તેમના કૌટુંબિક ભાઈના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ત્યારે ટાટા કંપનીના મેઈન ગેઈટ પાસેથી તેઓ તેમની કારમાંથી નીચે ઉતરતી વખતે તેમણે સાથે રાખેલું લેડીઝ પર્સ ક્યાંક ખોવાઈ જતા આ અંગેની જાણ તેમના દ્વારા મીઠાપુર પોલીસને કરવામાં આવી હતી. આ પર્સમાં રૂપિયા 80,000 ની કિંમતનું મંગલસૂત્ર, રૂ. 15,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 43 હજારની રોકડ રકમ હોવાનું જાહેર થયું હતું. જેને અનુલક્ષીને મીઠાપુરના ઈન્ચાર્જ પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા સ્ટાફને સાથે રાખીને જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આ કિંમતી પર્સ શોધવા માટે પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. મજીદભાઈ મામદાણી તેમજ મુકેશભાઈ વાઘેલા દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવા સહિતની કરવામાં આવેલી કાર્યવાહીના અંતે કુલ રૂપિયા 1.38 લાખના મુદ્દામાલ સાથેનું ઉપરોક્ત વર્ણન વાળું પર્સ એક રીક્ષા ચાલકને મળ્યું હોવાથી આ રીક્ષા ચાલકની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર તપાસના અંતે દાગીના, મોબાઈલ અને રોકડ રકમ સાથેનું પર્સ તેના મૂળ માલિકને શોધવા માટે રીક્ષા ચાલક દ્વારા પણ શોધ ચાલતી હોવા વચ્ચે પોલીસે આ પર્સ તેના મૂળ માલિકને ખરાઈ કરી સોંપી આપ્યું હતું.