રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડીનાં વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ગ્રાહક રૂ 200ની વસ્તુ લેવા આવે ને રૂ. 500નો દંડ ભરે છે. અમારા વાહનો પણ અવારનવાર દંડાય છે. આજે રાજકોટની હનુમાન મઢી નજીક વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ મુદ્દે વેપારીઓએ અડધો દિવસનો બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો તેમજ પદયાત્રા કરી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓ બંધ પાળી પદયાત્રા કરી કમિશનરને રજૂઆત કરશે
વેપારી એસોસિએશનનાં પ્રમુખ જયેશ રાયચુરાએ આ અંગે જણાવ્યું હતું કે, રૈયારોડ ઉપર દુકાન સામે પાર્કિંગ અંગેના પ્રશ્નોને લઈ અગાઉ પાર્કિંગ માટેના પીળા પટ્ટા મારી જગ્યા નિશ્ચિત કરવામાં આવી હતી. જોકે હાલમાં આ પટ્ટા ભૂંસાઈ જતા ગ્રાહકો અને વેપારીઓ આડેધડ દંડાઈ રહ્યા છે. રૂ. 100-200ની વસ્તુ લેવા આવેલ ગ્રાહકે રૂ. 500-700 દંડ ભરવો પડી રહ્યો છે. જેને લઈ વેપાર-ધંધા ખોરવાઈ જવાની દેહશત છે. આ સમસ્યા આખા રાજકોટની છે પણ ખાસ હનુમાન મઢીથી લઈ રૈયા ચોકડીનાં 900 જેટલા વેપારીઓની હાલત કફોડી બની છે. આ મામલે આજે વેપારીઓ દ્વારા બંધ પાળી પદયાત્રા કરીને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એસોસિએશન રણનીતિ ઘડી વિરોધ કરશે
સ્થાનિક વેપારી રાજુભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, રૈયારોડ પર આવતા ગ્રાહકો અવારનવાર દંડાય છે અને ફોટા પડી જતા મોટા દંડ ભરવા પડે છે. વર્ષ 2019માં અહીં પાર્કિંગ માટે પીળો પટ્ટો અમારી રજૂઆત બાદ મારી દેવામાં આવ્યો હતો. જોકે, હાલ તે ભૂંસાઇ જવાને કારણે વેપારીઓ અને ગ્રાહકો દંડાઈ રહ્યા છે. ત્યારે આ મામલે આજે વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો છે. આજે 900 જેટલા વેપારીઓ દ્વારા પગપાળા ચાલીને પોલીસ કમિશનરને આ મામલે રજૂઆત કરવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એસોસિએશન દ્વારા આગળની રણનીતિ ઘડી વિરોધ કરાશે. વેપારીઓની રજૂઆતનાં મુખ્ય મુદ્દાઓ ઉલ્લેખનીય છે કે, આજે હનુમાન મઢીથી રૈયા ચોકડીનાં 900 જેટલા વેપારીઓ દ્વારા બંધ પાળીને વિરોધ કરાયો છે. જોકે, રાજકોટનાં અન્ય અનેક જૂના વિસ્તારોમાં પણ પાર્કિંગની સમસ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અન્ય વિસ્તારનાં વેપારીઓ તેમજ રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવે એવી શક્યતા છે. શહેરમાં અવારનવાર થતા ટ્રાફિકજામ નિવારવામાં પોલીસ નિષ્ફળ રહી છે પણ યેનકેન પ્રકારે લોકો પાસેથી મસમોટા દંડ વસૂલાઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં અંદરખાને રોષ છે. ત્યારે હનુમાન મઢીની જેમ અન્ય વેપારીઓ અને લોકો રસ્તા પર આવે તે પહેલાં પોલીસ તંત્ર દ્વારા આ મામલે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.