અમરેલી જિલ્લાના ખાંભા નજીક એક સાધુ પર અન્ય બે સાધુઓએ હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. ખાંભા નજીક આશ્રમમાં આરામ કરતા સાધુને ‘તુ ફર્જી સાધુ છો’ તેમ કહી અન્ય બે સાધુઓએ મારમાર્યો હતો. બાદમાં ગાળો બોલીને જટા કાપી હતી અને 21 હજારની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. પીડિત સાધુએ ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે એક સાધુને ઝડપી પાડ્યો છે, જ્યારે એક સાધુ હજી ફરાર છે. ‘તુ નકલી સાધુ છે’ કહી મારકુટ કરી
આ ઘટના 12 નવેમ્બર બપોરે એકાદ વાગ્યાના સુમારે ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આશ્રમમાં બની હતી. અહીં મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના ભોયરાધાર આશ્રમના અર્જુનગીરી વાળા નામના સાધુ પર અર્જુનગીરી અને એક અજાણ્યા સાધુએ હુમલો કર્યો હતો. બંને સાધુએ આશ્રમમાં આવી તેની સાથે માથાકુટ કરી તુ ફર્જી સાધુ છે. તેમ કહી મારકુટ કરી હતી અને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી હતી. બે કોમ વચ્ચે અરાજકતા ફેલાય તેવી વાતો કરી
બંને અજાણ્યા સાધુએ ‘તું મુસલમાન હૈ’ તેવા શબ્દો ઉચ્ચારી બે કોમ વચ્ચે અરાજકતા ફેલાય તેવી વાતો કરી તેમના માથાની જટા કાપી નાખી હતી. એટલું જ નહી બંને શખ્સોએ તેની ઝોળીમાં રહેલા 10850ની રોકડ એક મોબાઈલ તથા 300 ગ્રામ કાજુ-બદામ મળી 21 હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જે અંગે અર્જુનગીરી વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જટા કાપતો વીડીયો ઉતારી વાયરલ કર્યો
બંને આરોપી સાધુઓએ બપોરના સમયે આશ્રમમાં ઘૂસી અર્જુનગીરીને મારમારી તેની જટા કાપતા હોય તેવો વીડીયો ઉતાર્યો હતો અને બાદમાં તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. આ બનાવ અંગે ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જટા કાપનાર આરોપી સાધુને ઝડપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.