સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.