પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ આજરોજ ગોધરા તાલુકામાં રૂટિન ચેકિંગમાં નીકળી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના મેરપ ગામમાં પસાર થતી પાનમ નદીના પટમાં કેટલાક ખનીજ માફિયાઓ બિન અધિકૃત રીતે ગેરકાયદેસર એક જેસીબી મશીન દ્વારા ત્રણ ટ્રકમાં ખનીજ ક્વાર્ટઝ ભરીને પસાર થઈ રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગોધરા તાલુકાના મેરપ ગામે આવેલ પાનમ નદીના પટમાં રેડ દરમિયાન ત્રણ ટ્રક અને એક જેસીબી મશીન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે કેટલાક ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો.