વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતો. પોલીસના વાહન પર પથ્થર પણ ફેંકાયો હતો. પૂર્વ કોર્પોરેટર તેના પુત્ર સાથે હોસ્પિટલ ગયા હતા
ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા) એ જણાવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અમારા મહોલ્લાના વિક્રમ અને ભયલુ નામના બે છોકરાને વાગ્યું હતું. જેથી લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંને છોકરાઓની સારવાર કરાવી હતી. ત્યારબાદ હું મારો દીકરા તેને મળ્યા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે. પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો- મૃતકના પિતા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું ઘરે જઈને હજી પાણી જ પીવું છું ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર વાગી છે, તમે જલદી આવી જાઓ. જોકે હોસ્પિટલ પહોચું તે પહેલાં જ મારો દીકરો મરી ગયો હતો. બાબર નામનો કોઈ અસામાજિક તત્ત્વો છે તેની સામે ઘણા ગુના નોંધાયેલા છે. મારા દીકરાની કોઈની સાથે દુશ્મની નહોતી કે મારી પણ કોઈ સામે દુશ્મનાવટ નહોતી. આ સમયે બાબરની સાથે પોલીસ પણ હતી અને પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો છે. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. બાબરને પણ પોલીસની વાનમાં લાવવામાં આવ્યો હતો તો તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું. પોલીસે તેને ચેક પણ ન કર્યો. પોલીસ જેને હોસ્પિટલ લાવી હતી તે શખ્સે હત્યા કઈ રીતે નિપજાવી?
મૃતક તપનના મિત્ર રાહુલ રાજપૂતે જણાવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં આવેલ મહેતાવાડીના નાકે આ ઘટના બની હતી, જેમાં બાબર પઠાણ અને તેને બેથી ત્રણ સાગરીતો આવ્યા હતા અને મારા મિત્રને ચાકુના ઘા માર્યા હતા, તેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ બાબરને પણ પોલીસ પ્રોટેક્શનમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને હોસ્પિટલમાં છોડી દીધો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે તપન અને બીજો એક મિત્ર ચા પીવા માટે ગયા હતા. જેથી બાબર ત્યાં પહોંચી ગયો હતો અને મારા મિત્ર તપનને પકડી લીધો હતો અને ચાકુના ઘા મારી દીધા હતા. જેથી અમે દોડતાં દોડતાં ગયા હતા અને બાબરને પકડી લીધો હતો ત્યારબાદ તેને પોલીસે જીપમાં બેસાડી દીધો હતો. આ બધું પોલીસના કારણે થયું છે. પ્રત્યક્ષદર્શી યુવકે જણાવ્યું હતું કે, હું અને તપન ચા પીવા માટે કેન્ટીનમાં ગયા હતા. અમે ચા પીને કેન્ટીમાંથી બહાર નીકળતા હતા અને મેં મારી ગાડી સ્ટાર્ટ કરી આ સમય અચાનક જ બાબર આવી ચડ્યો હતો. આ સમયે બાબરના હાથમાં ચાકું હતું. મારી નજર સમક્ષ જ બાબરે મારા મિત્ર તપનને પાંચથી છ ચાકુના ઘા મારી દીધા હતા. જેમાં મારા મિત્ર એ જીવ ગુમાવ્યો છે. શું કહી રહી છે પોલીસ?
ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સીસીટીવી મદદથી તપાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે. આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે. તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. નાગરવાડા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રવિવારે રાત્રિના સમયે નાગરવાડા વિસ્તારમાં સામાન્ય માથાકૂટ થયા બાદ ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોની મદદે ગયેલા પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા નિપજાવી દેવાતા રાત્રે જ લોકોનાં ટોળાં હોસ્પિટલ પર એકત્ર થયાં હતાં. જેના પગલે હોસ્પિટલ પર રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થિતિ વધુ ન બગડે તે માટે નાગરવાડા વિસ્તારમાં પણ સલામતીના ભાગરૂપે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સામાન્ય બાબતમાં આધેડ પર પિકઅપ વાન ચડાવી હત્યા
સુરતના કતારગામ વિસ્તારમાં જાહેરરસ્તા પર શનિવારે પિકઅપ વાન ધીમી ચલાવવા બાબતે એક આધેડે ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈ ચાલકે આધેડ પર પિકઅપ વાન ચડાવી હત્યા નિપજાવી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો.