પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી ચાલતાં ‘મને જાણો’ કાર્યક્રમમાં રવિવારે સાંજે આસ્થા હોલમાં ‘આપણું ભારત અને વિકસીત દેશો’નાં આર્થિક સર્વેક્ષણ ઉપર ગહનપૂર્વક વિવેચના પાટણનાં અર્થશાસ્ત્રી અને વકીલ શ્રી દર્શકભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ 14 નવેમ્બરથી 20 નવેમ્બર દરમ્યાન લાઇબ્રેરી સપ્તાહના ભાગરુપે તમામ શ્રોતાઓને પુસ્તકનું મહત્વ, વાંચનનું મહત્વ વિશે જણાવવામાં આવ્યુ હતું. તેમજ અન્ય નગરજનોને લાઇબ્રેરીમાં આવવા તથા વાંચનનો વ્યાપ વધારવા, તેનાથી થતાં ફાયદાઓ વિશે ચિંતન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વિદ્વાન વક્તા દર્શકભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દુનિયાની 42 ટકા ઇકોનોમી વિકસીત દેશોમાં છે. તેઓએ તમામ દેશોની ગોલ્ડ પોલીસી, પ્લાસ્ટીક કરન્સી અને ઓનલાઇન આર્થિક વ્યવહાર પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ સ્વદેશી અપનાવી લોકલ અર્થશાસ્ત્રને મજબુત બનાવવા પર ભાર મુકયો હતો. વધુમાં તેઓએ પાટણનાં હેરીટેજ સ્મારકોની ચિંતા કરી જો તેનો વિકાસ કરવામાં આવે તો પાટણનાં લોકોને ફાયદો થાય તેમ જણાવ્યું હતું. તો આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પણ પ્રશ્નોતરી કરી ટેકસ, સ્વચ્છતા, રોજગારી, સ્કીલ ડેવલપમેન્ટ, શિક્ષણ વગેરે વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાઇબ્રેરીમાં ચાલતી રીનોવેશનની કામગીરી જોઈ પાટણની આ ઐતિહાસિક ધરોહરનાં વિકાસકામને બીરદાવ્યુ હતું અને વાંચકોને બેસવા માટેના આધુનિક સોફાસેટ બનાવવા 1 લાખ રુપિયાનું દાન તેઓના પિતા નિરંજનભાઈ ત્રિવેદીના નામે આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મને જાણો પરીવારનાં દાતા દિપ્તીબેન અને ગૌરાંગભાઈ ત્રિવેદીનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. વક્તાનો પરીચય નગીનભાઈ ડોડીયાએ આપ્યો હતો. મોટીસંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધી મહાસુખભાઈ મોદીએ કરી હતી.