યુવાઓમાં નશાની પ્રવૃતિ રોકવા ડાંગ જિલ્લા પોલીસે યુવાઓના વાલીઓની સંમતિથી યુવાનોનું કાઉન્સિલિંગ કર્યું. જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ યુવાનોમાં નશાની પ્રવૃતિ રોકવા માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસના એસ.ઓ.જી. પી.એસ.આઇ. એમ.જી.શેખ તથા સ્ટાફ દ્વારા જિલ્લામાં નશાની પ્રવૃતિ રોકવા ઝૂંબેશ ઉપાડી હતી. જેમાં ટાયર પંચર માટે વપરાતા સોલ્યુશનનો ઉપયોગ કરી, કેટલાક અણસમજુ યુવાનો નશાની પ્રવૃતિ કરતા હોવાની બાબત સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા આહવા ટાઉન વિસ્તારમાં છેલ્લા ગાંધીબાગ, સનસેટ પોઇન્ટ, પટેલ પાડા, બોરખેત હેલીપેડ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસની જગ્યાઓમાં પેટ્રોલિંગ કરી 15 જેટલા યુવકોને શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા યુવકોના વાલીઓની સાથે ચર્ચા કરી તેમની સંમતિથી પોલીસ ભવન ખાતે બોલાવી તમામ યુવકો સાથે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલે વ્યક્તિગત તેમજ સામુહિક કાઉન્સિલિંગ કરી તેઓ સોલ્યુશન, સ્પિરિટ, સીરપ, વાઈટનર, વગેરે નશાકારક દ્રવ્યોના સેવનથી દૂર રહી, પોતાનું તથા પરિવારનું જીવન બરબાદ ન કરે તે માટે સમજ કરવામાં આવી હતી. સોલ્યુશન સુંઘવું ગુનાહિત ભલે ન હોય! પરંતુ જો યુવાનોને આ પ્રકારનો નશો કરતા રોકવામા નહિ આવે તો, ભવિષ્યમાં પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનું સેવન કરતાં બની શકે છે જેથી પોલીસ દ્વારા તેમના વાલીઓ સાથે પણ વિચાર વિમર્શ કરી આવી પ્રવૃત્તિઓથી દુર રહેવા જણાવ્યું હતું. વઘુમાં કોઈપણ વ્યક્તિ જો આવી પ્રવૃત્તિ કરતાં જણાઇ આવે તો, તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 1933 પર સંપર્ક કરવા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.