રશિયાએ રવિવારે મોડી રાત્રે યુક્રેન પર 120 મિસાઈલ અને 90 ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો. રશિયન હુમલામાં યુક્રેનની પાવર સિસ્ટમને નિશાન બનાવવામાં આવી છે. ઘણા પાવર પ્લાન્ટ અને ટ્રાન્સફોર્મર ખરાબ રીતે ડેમેજ થયા છે, જેના પછી દેશમાં પાવર કટની જાહેરાત કરવામાં આવી છે. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે, યુક્રેનના સરકારી પાવર ઓપરેટર યુક્રેનર્ગોએ સોમવારે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી કેટલાક કલાકો માટે બે વખત પાવર કટની જાહેરાત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન મિસાઇલથી યુક્રેનમાં નવ માળની રહેણાંક ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો સહિત નાગરિકોના મોત થયા હતા. બીબીસી અનુસાર, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે. હુમલામાં, બેલિસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો અને ડ્રોને રાજધાની કિવ, ડોનેત્સ્ક, લ્વિવ, ઓડેસા સહિત યુક્રેનના ઘણા ભાગોને નિશાન બનાવ્યા. તેના બચાવમાં, યુક્રેને 140 રશિયન મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવાની મંજુરી આપી દીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકન અધિકારીઓને ટાંકીને પુષ્ટિ કરી છે કે યુએસએ યુક્રેનને આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (ATACMS)નો ઉપયોગ કરવાની મંજુરી આપી છે. આ મિસાઈલ 300 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. યુક્રેન તેનો ઉપયોગ રશિયન અને ઉત્તર કોરિયાના સૈનિકો સામે કરી શકે છે. નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળે તે પહેલા જ જો બાઈડને આ મોટો નિર્ણય લીધો હતો. ઉત્તર કોરિયા સાથેના યુદ્ધમાં રશિયાની સંડોવણીને કારણે અમેરિકાએ લાંબા અંતરની મિસાઈલોના ઉપયોગની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જો કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હજી સુધી આવી કોઈ મંજુરી મેળવવાની પુષ્ટિ કરી નથી. તેમણે કહ્યું- આજે મીડિયામાં ઘણા લોકો એવી વાત કરી રહ્યા છે કે અમને યોગ્ય કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ પ્રહાર શબ્દોથી નથી થતા. આવી બાબતો જાહેર કરવામાં આવતી નથી. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે મંજુરીનો મતલબ NATOની યુદ્ધમાં એન્ટ્રી માનવામાં આવશે કેટલાક સમયથી અમેરિકા અને બ્રિટન યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યા હતા. તેના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી હતી કે આવા હથિયારોના ઉપયોગની મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી ગયું છે. તેમણે કહ્યું હતું કે જો આવું થશે તો તે ચોક્કસ જવાબ આપશે. પુતિને એક સરકારી ટીવી ચેનલ પર કહ્યું કે આનાથી ઘણો બદલાવ આવશે. તેમણે કહ્યું કે આ હથિયારોનો ઉપયોગ સેટેલાઇટ વિના શક્ય નથી. યુક્રેન પાસે આવી ટેકનોલોજી નથી. આ માત્ર યુરોપિયન યુનિયન સેટેલાઇટ અથવા અમેરિકન સેટેલાઇટની મદદથી જ કરી શકાય છે. પુતિને વધુમાં જણાવ્યું હતું કે આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે માત્ર NATOના સૈન્યને જ તાલીમ આપવામાં આવી છે. યુક્રેનના સૈનિકો આ મિસાઈલો ઓપરેટ કરી શકતા નથી. યુદ્ધના 1000 દિવસ પૂરા થવાના છે 24 ફેબ્રુઆરી 2022ના રોજ, રશિયન સૈન્ય ટેન્ક સાથે યુક્રેનની સરહદમાં ઘુસ્યુ હતું. આ દિવસથી જ યુદ્ધની જાહેરાત કરવામાં આવી હતી. 9 નવેમ્બર મંગળવારના રોજ આ યુદ્ધના એક હજાર દિવસ પૂર્ણ થશે. આ દરમિયાન, ગ્લોબલ લિડર્સ G20 સમિટ માટે બ્રાઝિલમાં બેઠક કરી રહ્યા છે. ઝેલેન્સકીએ તેમને અપીલ કરી છે કે તેઓ યુક્રેન-રશિયા યુદ્ધના મામલાની અવગણના કરે નહીં.