વડોદરાના કારેલીબાગ વિસ્તારના રહેવાસીની બે દિવસ પહેલા રૂપિયા 1.50 કરોડની કારમાં આગ લાગતાં ભસ્મીભૂત થઇ ગઇ હતી. તે બાદ મોડી રાત્રે દરજીપુરા ખાતે આવેલા તેમના અગરબત્તીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે બે કલાકની ભારે જેહમત બાદ આગ કાબૂમાં લીધી હતી. બે દિવસના સમયગાળામાં કાર અને અગરબત્તીના ગોડાઉનમાં આગ લાગતાં રહસ્યો સર્જાયા છે. આગના આ બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
મળેલી માહિતી પ્રમાણે કારેલીબાગ વિસ્તારમાં આવેલી પરાગ સોસાયટીમાં રહેતા તપનભાઇ શાહની લેન્ડ રોવર કારમાં બે દિવસ પહેલા રહસ્યમય આગ લાગી હતી. જે બનાવમાં આગનું કારણ પોલીસ તપાસી રહી છે. જોકે, હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી. કારમાં લાગેલી આગનું કારણ બહાર આવે તે પહેલા મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં તપનભાઇ શાહના દરજીપુરા RTO પાસે ભાડે આપેલા અગરબત્તીના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી હતી. ફાયર બ્રિગેડે દોઢથી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. બે દિવસમાં એક જ વ્યક્તિને ત્યાં આગના બે બનાવ
મળેલી માહિતી પ્રમાણે આગમાં અગરબત્તીનું મટીરીયલ, મશીન તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું. બે જ દિવસમાં એક જ વ્યક્તિને ત્યાં આગના બે બનાવ બનતા આશ્ચર્ય સર્જાયું છે. પોલીસે આ બાબતે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.