ભાવનગર શહેરમાં એક નવ વર્ષની બાળકી પર તેની સાવકી માતા અત્યાચાર ગુજારતી હોવાની ઘટના સામે આવી છે. હાથ-પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાના વાળ કાપી નાખી ભુખ્યા પેટે બાળકીને ઘરમાં પૂરી રાખતી હતી. શૈતાનને પણ શરમાવે તેવી સાવકી માતાના આવા અત્યાચાર જોઈ આસપાસના રહેવાસીઓ ફફડી ઉઠ્યાં હતા. બાળકી પર અત્યાચારની ફરિયાદ બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિ વિભાગને મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીને તેમાંથી મુક્ત કરાવી હતી. બાળકીને અવાર-નવાર માર મારવામાં આવતો
ભાવનગર શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતા બન્ને હાથ પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાના વાળ, આંખના નેણ કાપી નાખી ટીપડામાં પૂરી રાખતી હતી. આજુબાજુના લોકોને જાણ થતા બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી અધિકારીઓ દ્વારા બાળકીને રેસ્ક્યુ કરીને તેનો કબજો લીધો હતો. બાળકીને પૂછતાં બાળકીએ જણાવેલ કે, મને અને મારી બેનને અવાર નવાર માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપતા ન હતા. બાળકીને જમવાનું પણ આપવામાં આવતું ન હતું
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આજુબાજુના રહેવાસીઓ જણાવી રહ્યા છે કે, અગાસી પર ચાલવા નીકળતા ત્યારે આ દીકરીને દરરોજ હેઠા વાસણ બહાર મુક્તી જોતા હતા. આ દીકરીને ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. બીચારી દીકરી એઠવાડમાંથી ખાતી હતી. આ જોઈ અમને ખુબજ દુઃખ થતું હતું, જેથી મારા પરિવારમાં મેં વાત કરી હતી. આ દીકરી પાસે કચરા-પોતા તેમજ કપડાં પણ ધોવડાવતા હતા. નાનુ બાળક સહન ન કરી શકે તેવી પીડા આપવામાં આવતી હતી. આ જોઈને અમારી આંખમાંથી આંસુ આવી જતા હતા. એકવાર પંખે પણ લટકાવી હતી
બાળકીને જ્યારે પૂછવામાં આવતા તેણએ રડતા રડતા કહ્યું કે, વેકેશનમાં મારા વાળા કાતરથી કાપી નાખ્યા હતા. જ્યારે પણ એ બહાર જાય એ પહેલા મને હાથે અને પગે બાંધી દેવામાં આવતી હતી. એકવાર તો મને પંખે પણ લટકાવી હતી. આ વાત બાળકીએ તેના પપ્પાને કહેવા છતાં તેણે પણ અત્યાચાર થવા દીધો હતો. બાળ વિકાસ સમિતિના સભ્યએ શું કહ્યું?
આ અંગે બાળ વિકાસ સમિતિના સભ્ય પ્રભાબેન પટેલે જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો હતો કે એક દીકરી ઉપર અત્યાચાર થાય છે, દીકરીને ખૂબ મારે છે. જેથી તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં આ દીકરીને તેની સાવકી માતા દ્વારા ખૂબ માર મારવામાં આવતો હતો. ‘દીકરીને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરાશે’
વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત બાળકીના મોંઢા પર પટ્ટી મારી દીધી હતી. તેમજ હાથ પણ બાંધી દીધા હતા. આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી દીકરીને અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી. આ દીકરીને લઈ તાપીબાઈ વિકાસ ગૃહમાં લાવવામાં આવી હતી. માતા દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યાં છે તેમાં દીકરીના માથા પરથી વાળ પણ કાઢી નાખવામાં આવ્યાં હતા. સાથે આંખ પર પાંપણના નેણ પરના વાળ પર કાઢી નાખ્યા છે. દીકરીનું કાઉન્સિલિંગ કરતા દીકરીએ કહ્યું હતું કે, મારી નાની બે બહેનો છે તેમને પણ મારી માતા મારે છે. તેમજ તેના પિતાએ પણ એક વખત દીકરીને માર માર્યો હતો. આ દીકરીએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બેસે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.