સંખેડા તાલુકાના સંધરા ગામે કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાને લઇને ગામમાં ભયનો માહોલ હતો. ત્યારે આજે દીપડો પિંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છોટા ઉદેપુર જિલ્લામાં દીપડાની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે અને અવાર નવાર રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સંખેડા તાલુકાના સંધરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા વધી ગયા હતા. જેને લઇને ગ્રામજનોમાં ભય જોવા મળતો હતો. જેથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા પીંજરું મૂક્યું હતું. ત્યારે આજે વહેલી સવારે દીપડો વન વિભાગના પિંજરામાં પુરાયા ગયો હતો. આ દીપડો પિંજરે પુરાતા સંધાર ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પિંજરામાં પૂરીને તેની જરૂરી તપાસ કરાવ્યા બાદ સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવનાર હોવાનું વન વિભાગ તરફથી જણાવવામાં આવી રહ્યું છે.