સુરત શહેરના અનેક વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને પોલીસ આ લોકો સામે કાર્યવાહી પણ કરે છે, પરંતુ ફરિયાદ અને ધરપકડ બાદ તેઓ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. હાલમાં સુરત પોલીસે અગાઉ જે ઊંટવૈદુ સામે કાર્યવાહી કરી હતી તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જન સેવા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી દીધી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું. એમાં પણ સુરત શહેરના CP અને ક્રાઇમ JCPનું જાણ બહાર આમંત્રણ પત્રિકામાં નામ છાપી માર્યું. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સાને વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. હોસ્પિટલના તબીબો અને સંચાલક ગુનાઓમાં સંડોવાયેલા
સુરત શહેરનો બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે. ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ હોસ્પિટલ શરૂ કરનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાના વિષય બની ગયા છે. કારણ કે, જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી બે તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી B.A.M.S બતાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો. અધિકારીઓની જાણ બહાર આમંત્રણમાં નામ છાપ્યું
આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી. ઝોલા છાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના CP અનુપમસિંહ ગહેલોત અને ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું. જો કે આ અંગે અધિકારીઓને ખબર પણ નથી. હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત
હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે. ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે. ‘5:30 વાગ્યાનો આવ્યો છું, હજુ ડોક્ટર નથી આવ્યા’
દર્દીના સંબંધી પીન્ટુભાઇએ જણાવ્યું હતું કે, મારી પત્નીને સવારે 5:30 વાગ્યે છાતીમાં દુખાવો થતાં હું હોસ્પિટલ આવ્યો હતો. અત્યાર સુધી ડોક્ટર આવ્યા નથી, પરંતુ જે આગળ નર્સ બેસે છે તેણે સારવાર શરૂ કરી દીધી હતી. હવે ડોક્ટર આવશે ત્યારે સારવાર કરશે. ડોક્ટર કોણ છે અંગે અમને જાણકારી નથી.