સાપુતારાની તળેટીય વિસ્તારમાં નિસર્ગમય વાતાવરણની વચ્ચે બોલિવુડની રોનક જામશે..! સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘કાન્તા’નું શૂટિંગ ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં સાપુતારાના તળેટીય વિસ્તારમાં આવેલ કોટમદર ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ ફિલ્મ આદિવાસી સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી રહી છે અને તેનું શૂટિંગ આગામી એક મહિના સુધી ચાલશે. એકતા ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં “વરુણ સંદેશ, અન્નયા નાગલા અને સુમન તલવાર” જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ કલાકારોએ ડાંગની અનોખી પ્રકૃતિ અને આદિવાસી જીવનશૈલીને ફિલ્મમાં ઉતારવા માટે આ સ્થળને ખૂબ જ ઉત્તમ માન્યુ છે. ડાંગની હરિયાળી, ધોધ અને આદિવાસી સંસ્કૃતિનું અદ્ભુત મિશ્રણ ફિલ્મને વધુ આકર્ષક બનાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ગુજરાતના પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે તેવી આશા સેવાઈ રહી છે. તેમજ ડાંગ જિલ્લામાં ફિલ્મની શૂટિંગ થતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.