શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરના ઉપક્રમે ડો બાબાસાહેબ આંબેડકર ભવન, સેક્ટર-12, ગાંધીનગર ખાતે નિવૃત્ત કર્મચારી મિત્રો એક સાથે ભેગા થઈને ભૂતકાળના સંભારણા વાગોળી શકે અને એકબીજાને મળી શકે તે હેતુથી સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય જિલ્લાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. પ્રાર્થના અને સ્વાગત ગીત કે. કે. વિદ્યાલય,કોલવડાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંડળના અવસાન પામેલા સભ્ય ભવાનભાઈ વી. પટેલ, પુષ્પાબેન રાવલ, કરશનભાઈ સોલંકી તથા ભરતભાઈ શાહને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના 70 વર્ષ કે વધુ ઉંમર ધરાવતા સભ્યોનું શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પેન્શનર મંડળને ₹ 2100 કે તેથી વધુ રકમનું દાન આપનાર સભ્યોનું પણ શાલ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એ.કે.રાઠોડ પૂર્વ નાયબ શિક્ષણ નિયામક, પી.બી.ગઢવી પૂર્વ શિક્ષણ અધિકારી તથા આ કાર્યક્રમના ભોજનના દાતા સી.એન. બારીયા પૂર્વ આચાર્ય શેઠ સી.એન.વ્યાયામ વિદ્યાલય, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું અધ્યક્ષ સ્થાન એ.કે.રાઠોડે સંભાળેલ હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ આઈ. કે.પટેલે સંસ્થાનો પરિચય આપ્યો હતો.આમંત્રિત મહેમાનોએ પણ પ્રસંગોચિત ઉદ્બોદન કરેલું હતું. મંડળના સભ્ય અને વડોદરા ઝોનના ઉપપ્રમુખ હરેશભાઈ પરમાર તથા મંડળના સહમંત્રી એ.ડી.સુથારે મંડળના હોદ્દેદારો તથા મંડળની કામગીરી અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મંડળના કલાકાર સભ્યો શ્રવણ કુમાર પરમાર, મલય વૈષ્ણવ તથા આમંત્રિત કલાકાર ભરત વાણીયાએ ફિલ્મી ગીતો ગાઈને સભ્યોને મનોરંજન પૂરું પાડ્યું હતું.સ્નેહમિલન સમારોહમાં હાજર રહેલા સભ્યોને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતીભાઈ દલવાડીએ કર્યું હતું.