રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રામનાથપરા, મોટામવા અને કોઠારિયા સ્મશાનમાં રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોખંડની ચિમની મુકવામાં આવનાર હતી. જોકે, આ ચીમનીથી અગ્નિદાહ માટે દોઢેક કલાક જેટલો સમય લાગે તેમ છે. જેને લઈને હાલ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે કામગીરી અટકાવી છે અને અગ્નિસંસ્કાર માટે 30 મિનિટ જેટલો સમય લાગે તેવી સ્ટેનલેસ સ્ટીલની અત્યાધુનિક ચીમની મૂકવા એજન્સીને બોલાવી છે. આ માટેની તમામ ટેક્નિકલ બાબતો ચકાસ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. અગ્નિદાહ માટે સરેરાશ દોઢ કલાકનો સમય લાગે છે
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રામનાથપરાના સ્મશાનમાં હાલ લોખંડની ચિમની હોવાથી અગ્નિદાહ માટે સરેરાશ દોઢ કલાકનો સમય લાગે છે. આ કારણે અગ્નિદાહ માટે આવેલા અન્ય પરિવારોને લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. આ સ્થિતિ નીવારવા આધુનિક સ્ટેનલેસ સ્ટીલની ચીમની મૂકવા માટે સંબંધિત એજન્સીને બોલાવવામાં આવી છે. તેની સાથે મુલાકાત બાદ ટેક્નિકલ પાસાઓ ચકાસવામાં આવશે અને બાદમાં ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરી આગળની કામગીરી કરવામાં આવશે. સ્ટેનલેસ સ્ટિલની ચિમની નાખવા ફિઝીબિલીટી રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું
વધુમાં તેમણે જણાવ્યું કે, આધુનિક સ્ટેનલેસ સ્ટિલની ચિમની મુકવામાં આવે તો ભઠ્ઠી પણ તુરંત જ ગરમ થઇ જાય છે અને અગ્નિદાહનો સમય ઘટીને દોઢ કલાકને બદલે 28 મિનિટથી લઈને અડધી કલાક થઈ જાય છે. રામનાથપરા ઉપરાંત શહેરના મોટામવા અને કોઠારિયા સ્મશાનઘાટમાં પણ આ જ પ્રકારે લોખંડની ચિમનીને બદલે સ્ટેનલેસ સ્ટિલની ચિમની નાખવા ફિઝીબિલીટી રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું છે. સાથે હાલમાં મોટામવા સ્મશાનનું રિનોવેશન ચાલી રહ્યુ હોવાથી તેને અટકાવી ફિઝીબિલીટી રિપોર્ટ બાદ કામ આગળ વધારવામાં આવશે.