ચગડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લોકમેળામાં 4 સગીરો દ્વારા મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગ્રંથના હિન્દી, ગુજરાતી અને ઉર્દુ ભાષામાં લખેલા ગ્રંથના કાગળને ફાડી ચગડોળમાંથી હવામાં ઉડાડવામાં આવ્યા હતા. આ બાબત મેળામાં ફરવા આવેલા મુસ્લિમ સમુદાયના અમુક વ્યક્તિઓના ધ્યાને આવતાં આ શખસોને ચગડોળમાંથી નીચે ઉતારી પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસ આ ચાર સગીરને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. જ્યાં મુસ્લિમ સમુદાયનું ખૂબ મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. અનેક લોકોએ ખંભાત પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. મોટી સંખ્યામમાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતાં પોલીસને નાછૂટકે જિલ્લામાંથી બીજી પોલીસ ફોર્સ બોલાવી પડી હતી. જે બાદ પોલીસે મામલો શાંત પાડવાના પ્રયત્નો કર્યા હતા. જો કે ઘેરાવો કરેલા મુસ્લિમ સમુદાયના લોકોની એક જ માગ હતી કે, ચાર સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય મળે. પોલીસે આ ચાર સગીર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા આરોપીઓને ઝડપી પાડી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ દરમિયાન ટોળા દ્વારા પોલીસની ખાનગી કારને નુકશાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. ટોળાને કાબૂ કરવા માટે અન્ય ડિવિઝનની પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવી હતી. આ મામલે જિલ્લા પોલીસવડા સહિત ખંભાત ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.