આણંદ રેલવેસ્ટેશન પાછળ આવેલ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના કાર્યાલયમાં યુનિયનના કર્મચારીઓ, બોડી મેમ્બર તથા યુનિયનના સભાસદો દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન દિવાલો ઉપર WRMS અને NFIR લખાણવાળા રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યાં હતાં. જેમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાથી આણંદ રેલવે પોલીસે રેલવે મજદુ૨ સંધ યુનીયનના સભાસદ અને યુનિયન કાર્યકર્તા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ એશોસીએશનનું આગામી સમયમાં ઇલેક્શન યોજાનાર છે. આ ઈલેક્શન અંતર્ગત યુનિયનના કર્મચારીઓ, બોડી મેમ્બર તથા યુનિયનના સભાસદો દ્વારા ગત શનિવારના રોજ આણંદ રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન અધિક્ષક કાર્યાલયના પાછળના ભાગે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ કાર્યાલયમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ કાર્યાલયની બહાર દિવાલ ઉપર તેમજ ગેટ સહિતની વિવિધ જગ્યા ઉપર રાષ્ટ્રધ્વજ (તિરંગો) ફરકાવવામાં આવ્યાં હતાં. આ ભારતીય રાષ્ટ્રધ્વજમાં વચ્ચે સફેદ કલરના પટ્ટામાં અશોક ચક્રની જમણી બાજુ WRMS તથા અશોક ચક્રની ડાબી બાજુ NFIR લખાણ લખેલું હોવાથી રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનું જણાઈ આવ્યું હતું. આમ,વેસ્ટર્ન રેલવે મજદુર સંધ યુનીયનના કોઈ કર્મચારી અને યુનિયન સભાસદ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજનું સન્માન તથા ગરીમા નહી જાળવી મનમરજી મુજબના યુનિયનના નામો ભારતીય રાષ્ટ્રધ્વજમાં લખાણ લખી પુર્ણ અવસ્થામાં નહી ફરકાવી ગુનાહિત કૃત્ય આચર્યું હતું. આ અંગે આણંદ રેલવે સ્ટેશનના રેલવે અધિક્ષક રેનીશન ક્રિશ્ચિયનએ વેસ્ટર્ન રેલવે મજદુ૨ સંધ યુનીયનના સભાસદ અને યુનિયન કાર્યકર્તા વિરૂદ્ધ આણંદ રેલવે પોલીસમથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે રાષ્ટ્રીય ગૌરવનું અપમાન નિવારણ અધિનિયમની કલમ 2 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.