અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડનો મામલો હવે સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડ મામલે રાજ્યસભામાં ચર્ચા કરવા માટે નોટિસ આપી છે. ખ્યાતિકાંડની તપાસ હાઈકોર્ટના સિટીંગ જજની કમિટીનો સોંપવાની માગ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ હાલ ખ્યાતિકાંડના જે ચાર આરોપીઓ ફરાર છે તેમાંના રાજશ્રી કોઠારી નામની મહિલા આરોપી વિદેશ ફરાર થઈ ગઈ હોવાની ચર્ચા છે. ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ અને પેનડ્રાઈવ મળી હોય તેની તપાસમાં મદદ માટે સરકાર દ્વારા બે ચાર્ટડ એકાઉન્ટ ફાળવવામાં આવ્યા છે. ખ્યાતિકાંડનો મુદ્દો દેશની સંસદમાં ઉઠાવાશે
ખ્યાતિકાંડ બાદ સરકારની PMJAY યોજનામાં ચાલી રહેલી પોલમપોલ બહાર આવી છે. પૈસા કમાવવા માટે હોસ્પિટલોએ સાજા દર્દીને ચીરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડના મામલે રાજ્યસભામાં ચર્ચા કરવા માટે નોટિસ આપી છે. શક્તિસિંહ ગોહિલો ખ્યાતિકાંડની તપાસ હાઈકોર્ટના સિટીંગ જજ પાસે કરાવવાની પણ માંગ કરી છે. સાથે કહ્યું હતું કે, સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. શક્તિસિંહ વધુમાં કહ્યું કે, 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં જ્યારે મૃત્યુનો બનાવ બન્યો હતો ત્યારે જો પરવાનગી રદ કરી દેવાઈ હોત તો આજે ા બનાવ ન બન્યો હોત. રાજ્યસભામાં શક્તિસિંહ ચર્ચા માટે નોટિસ આપી છે. રાજશ્રી કોઠારી વિદેશ ફરાર થઈ ગયાની ચર્ચા
ખ્યાતિકાંડ મામલે કુલ પાંચ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકીના ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર છે. તેમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડીરેકટર કાર્તિક પટેલ તો ઓસ્ટ્રેલિયામાં હોવાની પહેલાથી જ વાત આવી રહી છે. ત્યારે હવે બીજા ડીરેકટર રાજશ્રી કોઠારી પણ ભારત છોડી ચૂક્યા હોવાની ચર્ચા છે. મંગળવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરાર થયેલા ચારેય આરોપીઓ સામે લુક આઉટ સર્કયુલર નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. ત્યારબાદ મળતી માહિતી મુજબ રાજશ્રી કોઠારી પણ વિદેશ જતા રહ્યા હોવાની ચર્ચા છે. સરકાર દ્વારા તપાસ માટે બે ચાર્ટડ એકાઉન્ટન્ટની ફાળવણી કરી
ખ્યાતિકાંડની તપાસમાં શરૂઆતમાં વસ્ત્રાપુર પોલીસ અને ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. સરકારે થોડા દિવસ પહેલા પોલીસને તપાસમાં મદદ કરવા માટે ચાર તબીબોની ફાળવણી કરી હતી. ત્યારબાદ આજે વધુ બે ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ ફાળવણી કરવામાં આવી છે. જે પોલીસે કબજે કરેલા ડોક્યુમેન્ટ, હિસાબોની ચકાસણી કરશે. ભૂગર્ભમાં જતા રહેલા આરોપીઓ સામે ગાળિયો કસવાનો પ્રયાસ
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 જેટલા લોકોને એન્જિયોગ્રાફીની અને સાત લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે કરી નાખી હતી. એમાં ત્યાર બાદ બે લોકોનાં મોત નીપજતાં હોસ્પિટલના ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ, ડાયરેક્ટર,ડો. સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત, CEO સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પૈકીના ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ રિમાન્ડ પર છે. જ્યારે અન્ય ચાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હોય તેમને ઝડપવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. 4 આરોપી સામે LOC નોટિસ ઈસ્યુ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે માસૂમ લોકોનાં મોત થયાં બાદ હવે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવાની શરૂઆત કરી છે, જેમાં ચાર વોન્ટેડ આરોપીનાં ઘરે પોલીસે રેડ કરી હતી, જ્યારે બે ઓફિસમાં પણ રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવા તેમજ દસ્તાવેજો કબજે લીધા છે. જ્યારે આરોપીઓનાં ઘરે કેટલીક મહત્ત્વની કડી પોલીસને મળી છે, જે સંદર્ભે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે તમામ વોન્ટેડ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે. 6 ટીમે આરોપીનાં ઘરે અને ઓફિસ પર તપાસ કરી
ખ્યાતિકાંડ મામલે કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ડો. પ્રશાંત વઝીરાણી સિવાય કાર્તિક પટેલ, ડો. સંજય પટોળિયા, ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી નામના ચાર આરોપી ભૂગર્ભમાં ઊતરી ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેમનાં નિવાસસ્થાન અને ઓફિસ પરથી ડોક્યુમેન્ટ, ફાઈલ, ઈલેક્ટ્રિક્સ ડિવાઈસ, રજિસ્ટર, પેનડ્રાઈવ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. 4 આરોપી સામે રેડકોર્નર નોટિસ પણ ઈસ્યુ થઈ શકે છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પ્રશાંતની ધરપકડ બાદ અન્ય આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની શંકાના આધારે લુકઆઉટ સર્ક્યુલર નોટિસ ઇસ્યુ કરી હતી, જે સમગ્ર મામલે હવે દેશનાં તમામ એરપોર્ટ પર આ અંગેની જાણ કરી દેવામાં આવી છે અને જો તેઓ કોઇ અન્ય દેશમાં ભાગી ગયા હશે તો આગામી સમયમાં તેમની સામે રેડકોર્નર નોટિસ કરવાની પણ તૈયારી કરી દીધી છે. આરોપીઓને પકડવા અને આ કેસમાં સૌથી મહત્ત્વના પુરાવા ભેગા કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી છે અને આગામી સમયમાં આરોપી ડો. પ્રશાંત વઝીરાણીના વધુ રિમાન્ડ માગવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, જે અંગેની વિગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાણે જણાવી હતી. મંગળવારે ખ્યાતિ હોસ્પિટલમાં પણ ક્રાઈમ બ્રાંચે તપાસ કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ-ઇન્સ્પેક્ટર આ સમગ્ર પ્રકરણની અલગ અલગ સ્તરે તપાસ કરી રહ્યા છે, જેમાં મંગળવારે ડોક્ટરની ટીમ સાથે તેઓ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે ઓપરેશન થિયેટરથી લઈને પોસ્ટ અને પ્રી-ઓપરેટિવ જગ્યાની મુલાકાત લીધી હતી, જ્યાં ડોક્ટરની હાજરીમાં કેટલાક મહત્ત્વના ડોક્યુમેન્ટ અને તપાસમાં મદદ થાય એ પ્રકારે ફોટોગ્રાફી પણ કરી હતી. આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની બીજી કેટલીક ટીમ એકસાથે છ જગ્યાએ રેડમાં જોડાઈ હતી અને તેમણે આ છ જગ્યાએ રેડ કરી હતી, જેમાં કાર્તિક પટેલના ઘર તેમજ અન્ય ઓફિસે પણ રેડ કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો જણાવી રહ્યાં છે. જ્યારે બીજા વોન્ટેડ આરોપીઓનાં ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને તેમના ઘરે વિગતો મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતાં. 3 કાર્ડિયોલોજિસ્ટ સહિત 4 તબીબ તપાસમાં પોલીસને મદદ કરશે
ખ્યાતિકાંડમાં પોલીસે દર્દીના મેડિકલ ડોક્યુમેન્ટ અને સીડીઓ કબજે કરી હતી, પરંતુ મેડિકલનો વિષય હોઈ, પોલીસને વધુ સમજણ ન પડતી હોઈ, મદદ માટે આરોગ્ય વિભાગ પાસે તબીબોની માગણી કરવામાં આવી હતી. એ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિકાંડની તપાસ માટે 3 કાર્ડિયોલોજિસ્ટ સહિત ચાર તબીબની ફાળવણી કરવામાં આવી છે. PMJAYમાં ચાલતી પોલંપોલ બંધ કરવાનો પ્રયાસ
ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ PMJAY યોજનામાં ખાનગી હોસ્પિટલો કઈ રીતે દર્દી અને સરકાર સાથે ‘રમત’ રમી રહી છે એ પણ બહાર આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ફરી ન બને એ માટે સરકારે મેડિકલ કેમ્પને લઈ SOP બનાવવાનો નિર્ણય કર્યો છે. પીએમજેએવાય યોજના અંતર્ગત હવે જો કોઈ હોસ્પિટલ મેડિકલ કેમ્પ કરશે તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. સરકાર દ્વારા મેડિકલ કેમ્પ અંતર્ગત એસઓપી બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ કે ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે પણ સરકાર નવી એસઓપી બનાવશે.